Jun 3, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1172

હે રામચંદ્રજી,આ વિષયમાં હું બીજી એક યુક્તિ કહું છું કે જેથી તમને સારી રીતે સ્ફુટ(પ્રત્યક્ષ) અનુભવ થાય.
જેની અંદર આ સર્વ રહેલું છે અને જેનાથી આ સર્વ છે,જે પોતે જ સર્વ-રૂપ થઇ રહેલ છે,અને જે સર્વથી જુદું પણ છે,
તેવા સર્વશક્તિમાન બ્રહ્મની અંદર શું સંભવતું નથી?એકબીજાના સંકલ્પ-સમૂહો મળતા આવે છે-એ વાત પણ ઘટિત છે
અને મળતા ના આવે તે પણ (યુક્તિ વડે)સિદ્ધ જ છે.અને આ બંને વાત સર્વ શક્તિમાન બ્રહ્મની અંદર સંભવિત જ છે.
માટે 'એકબીજાનો સંકલ્પ-સમૂહ પરસ્પર મળતો આવે છે'-
એ વાત આ મૃગ-દર્શનથી પ્રત્યક્ષની જેમ અનુભવમાં પણ આવે છે.

બ્રહ્મ પોતે સર્વના આત્મા-રૂપ છે અને તેમાં જેમ,એક જ પૃથ્વી પર છાયા અને તડકાની વાત ઘટી શકે છે
તેમ,બંને વિરુદ્ધ વાત તે સર્વશક્તિમાન બ્રહ્મમાં ઘટી શકે છે.સર્વરૂપ બ્રહ્મની અંદર માયાના બળથી સત્ય ન હોય
તેવું કંઈ પણ નથી કે અસત્ય ન હોય તેવું પણ કંઈ નથી.અહો,મનને મોહમાં નાખી દે તેવી આ માયા વિષમ છે.
વિશાળ એવી બ્રહ્મસત્તા,પોતા વડે જ પોતાને અનેક આકારે (માયા વડે) પ્રસારી દે છે,
અને તે બ્રહ્મસત્તા વડે જ આ અવિદ્યા (માયા) અનાદિ ને આદિ -જેવી અનુભવમાં પણ આવે છે.

જો કદાચિત આ ત્રણે લોક ચિદાકાશના જ એક વિલાસ(વિવર્ત)રૂપ ન હોય તો મહાપ્રલયમાં નષ્ટ થઇ ગયેલા પદાર્થોની
સૃષ્ટિ પાછી અનાયાસે જ કેવી રીતે નવી સૃષ્ટિ રૂપે ઉત્પન્ન થઇ જાય?
અને અગ્નિ,વાયુ તથા પૃથ્વીની સત્તા પણ પાછી કેવી રીતે ખડી થઇ જાય ? માટે,
માત્ર સ્વ-ભાવ-રૂપ-ચિદાકાશના વિલાસ (વિવર્ત) વિના બીજું કશું પણ જગતનું રૂપ નથી એ સિદ્ધ થાય છે.

શાસ્ત્રોના જ્ઞાનબળથી,ઉત્પત્તિથી છેક મહાપ્રલય સુધીની સર્વ હકીકત કહી દેનાર વિદ્વાનોના અનુભવો અને
આ લોકનાં પ્રસિદ્ધ દ્રષ્ટાંતો -એ સર્વ જેમને પોતાના અજ્ઞાનને લીધે 'પ્રમાણ-રૂપ' નથી
તેવા નિંદાપાત્ર અવિવેકીઓ સાથે સત્પુરુષોને ભાષણ કરવાની કંઈ પણ જરૂર નથી.કેમ કે,
જો,આ સર્વને ચિદાકાશના વિલાસ-રૂપે જોવામાં આવે તો જ તે ક્ષણમાત્રમાં પ્રમાણ-રૂપ જ થઇ જાય છે,
બાકી બીજી કોઈ સામાન્ય (અજ્ઞાનની) દૃષ્ટિથી જોતાં તેમાં કશો સાર જણાતો નથી.
માટે જ્ઞાન-દૃષ્ટિથી જોતાં જે સિદ્ધ થાય તે જ સાર-રૂપ છે એમ વિદ્વાનોનું કહેવું (સમજવું) છે.

વસ્તુતઃ જોતાં અહી કશાનો નાશ પણ થતો નથી કે કશું નવું ઉત્પન્ન પણ થતું નથી.
'હું નાશને પ્રાપ્ત થયો અને અમુક વસ્તુ હજી વિદ્યમાન છે' એવી એક સંકલ્પ-રૂપ-પ્રતિભા જ ઉદય પામે છે.
જો મરણને અત્યંત નાશ-રૂપ માનીએ તો,તે નિંદ્રાના એક સુખ જેવું છે.કદાચિત એમ માનીએ કે
મરી જવું એટલે એક શરીરનો વિયોગ થતાં વળી પાછા બીજા શરીરની પ્રાપ્તિ થઇ ફરીવાર દૃશ્ય (જગત)નો અનુભવ
થાય છે -તો તે પણ એક પુનર્જીવન જેવું જ છે.માટે તે ચિદાકાશની અંદર જીવન-મરણ હોઈ શકે નહિ.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE