May 28, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1166

મુનિ કહે છે કે-જે અવશ્ય-ભાવિ (વિધાતાએ લખેલું છે) તે કોઈ દિવસ કોઈનાથી એ અન્યથા (બદલી) શકાતું નથી.
કેમ કે આ જન્મના કોઈ પણ પુરુષાર્થ વડે તેની નિવૃત્તિ થતી નથી.જેમ પોતાના દેહની અંદર રહેલા ડાબા-જમણા અંગને
એક જગ્યાએથી બીજી જગ્યાએ મુકવાની પુરુષની શક્તિ નથી,તેમ નિર્માણ થઇ ચૂકેલા ભાવિને બદલવાની મનુષ્યની
શક્તિ નથી.જ્યોતિષ-શાસ્ત્ર-વગેરેથી ભાવિ અર્થની પ્રતીતિ થાય છે,
પણ તેમાંની કોઈ પણ યુક્તિથી ભાવિ બદલી શકવાની મનુષ્યમાં શક્તિ નથી.

પણ ધીર-વીર પુરુષો શમ-દમ-આદિ સાધનો સંપાદન કરીને (ભાવિથી થતા) શરીરનો દાહ થતાં પણ નિર્વિકાર રહી
શકે છે.બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરાવનાર શ્રવણ-આદિ ઉપાયો વડે તત્વજ્ઞાનને મેળવી બ્રહ્મ-રૂપે થઇ રહે છે.
અને જગતના વ્યવહારમાં પણ સુષુપ્તિ-અવસ્થાના જેવી સ્થિતિને ધારણ કરે છે.તેઓ પોતાના પૂર્વ-જન્મોના
સર્વ કર્મોને તથા દુષ્ટ એવા સંકલ્પોને નિર્મૂળ કરી નાખે છે અને પોતાના કર્તવ્યમાં જય મેળવે છે.

(૧૫૬) સિંધુરાજાનું મંત્રીની પાસેથી જ્ઞાન પામવું

વ્યાધ કહે છે કે-હે મહારાજ,હું વિશાળ આકાશની અંદર સૂક્ષ્મ-જીવરૂપે રહીશ,
પણ મારો દેહ પૃથ્વી પર પડતાં તે દેહની શી ગતિ થશે?

મુનિ કહે છે કે-હે વ્યાધ,તમારો એ દેહ નીચે પડી નષ્ટ થશે,ત્યારે પ્રાણવાયુ વડે યુક્ત તમારો જીવ વિશાળ આકાશની
અંદર એક સૂક્ષ્મ વાયુ-રૂપે રહેશે.પછી તેમાં રહેલ તમારું ચિત્ત પોતામાં રહેલ વાસનામય વિશાળ પૃથ્વી-રૂપ-દૃશ્યને
સ્વપ્નની જેમ દેખશે,(ચિત્ત-વૃત્તિ જ જગતના આકારને ધારણ કરે છે)
તેથી તમારો જીવ 'હું પૃથ્વી પરનો એક રાજા છું' એવા કાલ્પનિક અર્થનો આશ્રય પકડશે અને પોતાને તેવા-રૂપે દેખશે.
એટલે જીવમાં તેવી રાજાની પ્રતિભાનો ઉદય થવાથી તે રાજાને લગતા અર્થો પેદા થઇ જશે.

"હું અતિ માન-પાત્ર સિંધુ નામનો એક મહારાજા છું અને મારી આઠ વર્ષની વયે મારા પિતા મને રાજ્ય સોંપી વનમાં ગયા
એટલે મને આપેલું આ ચારે સમુદ્ર પર્યંતનું રાજ્ય મારા હાથમાં છે.મારા સીમાડાના અંતમાં
'વિદુરથ' નામનો એક વિખ્યાત રાજા મારો શત્રુ છે અને પ્રયત્ન વિના તે કોઈ દિવસ જીતાય તેવો નથી.
અહો,આ રાજ્ય કરતાં મેં અનેક ભોગો ભોગવી સુખ ભોગવ્યું પણ હવે કષ્ટની વાત એ છે કે કે
તે મારા શત્રુ વિદુરથ જોડે સંગ્રામ કરવાનો હવે સમય આવી ગયો છે"

તમે આમ વિચાર કરી રહ્યા હશો ત્યારે વિદુરથ રાજા તેની સેના લઈને આવી પહોંચશે અને તમારી સાથે ભયંકર યુદ્ધ કરશે.
જો કે તમે રથથી રહિત થઇ ગયા હશો છતાં પણ તે વિદુરથ રાજાની જંઘાને કાપી તેને મારી નાખશો.
પછી વિજય મેળવી તમે ચારે સમુદ્ર પર્યંત આખી પૃથ્વીની અંદર એક જ રાજા થશો.
ત્યારે તમારો મંત્રી તમને કહેશે કે-આ અતિ આશ્ચર્ય છે કે તમે વિદુરથને મારી યમલોક પહોંચાડી દીધો!
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE