May 26, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1164






મુનિ કહે છે કે-મેં તમને જે જ્ઞાનનો ઉપદેશ કર્યો છે,તે તમારા હૃદયમાં અલ્પ(નિગૂઢ)રૂપે રહેલું છે,
પરંતુ તે આ દૃશ્ય-રૂપી અનર્થને દબાવી શક્યું નથી.અને અભ્યાસના અભાવે તમે પરમ-મંગલમય જ્ઞાનમાં
વિશ્રાંત થયા નથી.અભ્યાસ વડે જ ઘણા લાંબા કાળે તમે જ્ઞાનમાં વિશ્રાંત પામશો.
હવે હું તમારા ભાવિ વિશેનો નિર્ણય કહું છું તે તમે સાંભળો.તમે જો કે આત્મજ્ઞાન માટે આરંભ કર્યો છે,
છતાં તમે આત્માને 'જ્ઞાનના-સ્થિર-સાર-રૂપે' ઓળખ્યો નથી,તેથી હજુ તમારું ચિત્ત હિંડોળાના જેવું ચપળ છે
અત્યારે તમે મૂર્ખની ગણતરીમાં નથી કે પંડિતની  ગણતરીમાં પણ નથી.

'વિસ્તાર-વાળું આ અવિદ્યા-રૂપી જગત કેવડું હશે?'એવા પોતાના વિકલ્પો વડે તમે તપ કરવાનો આરંભ કર્યો છે.
(સંકલ્પ-વિકલ્પને લીધે)  હજુ આવું ઘોર વિશાળ તપ તમારે સેંકડો યુગો સુધી કરવું પડશે.
ત્યાર પછી બ્રહ્મા પ્રસન્ન થઇને દેવતાઓ સાથે તમારી પાસે આવશે.વરદાન દેવા તૈયાર થયેલ
બ્રહ્મા પાસે તમારો સંશય ટાળવાને માટે કંઇક આવું વરદાન માગજો.

'હે મહારાજ,આ દેખાતી દૃશ્ય-રૂપ અવિદ્યાની ભ્રાંતિ જ્યાં સુધી કાયમ છે,ત્યાં સુધી અરીસાની જેમ નિર્મળરૂપે રહેલ
બ્રહ્મની અંદર પ્રતિબિંબ-રૂપ મેલથી મુક્ત એવો કોઈ ભાગ નથી.પરમાણુ જેવા સૂક્ષ્મ આકારે રહેનારા ચિદાકાશ-રૂપી
દર્પણમાં તે જ્યાં પણ હોય તું આ જગત પ્રતિબિમ્બિત થયેલું જણાય છે.
આ દૃશ્ય કેવું અને કેવડું હશે? અને તેના અંતે અનંત આકાશના જેવું બ્રહ્મ કેટલું દુર હશે?
તેનો પ્રત્યક્ષ અનુભવ કરવા,મારું શરીર નીરોગી અને વેગથી આકાશમાં ગતિ  કરનાર થાઓ'

તમે જયારે આ પ્રમાણે વરદાન માગશો ત્યારે દેવોના દેવ એવા મહાસમર્થ બ્રહ્મા 'ભલે તેમ થાઓ' એમ કહેશે.
અને તમને વરદાન આપીને અંતર્ધાન થઇ જશે.તે જશે પછી તપ વડે દુર્બળ થયેલો તમારો દેહ કાંતિમાન થઇ જશે
અને તમારા મનમાં રહેલી વાત જોવાની ઈચ્છાથી વેગથી આકાશમાં ઉડશે.
જગતનો અંત આવી રહેતાં તે દેહ અત્યંત વધી જશે અને અનંત આકાશને પોતાના પરિમાણથી પૂરી દેશે.
ત્યાર પછી મહાકાશની અંદર વૃદ્ધિ પામેલા અને મોટા શરીરવાળા ,એવા તમે,
પ્રતિબંધથી રહિત અને પોતાના આધાર-રૂપ એવા અનંત આકાશનો આશ્રય લેશો.

આમ પરમાર્થ-રૂપી મહાકાશની અંદર શૂન્ય-ભાગમાં રહેલા વાયુના જેમ રહેલી અને સ્વભાવ-રૂપી-દ્રવ-પણાના બળથી
પ્રગટ થયેલા આ ચિદ-રૂપ-મહાસાગરની અંદરના તરંગો જેવી જણાયેલી અનેક સૃષ્ટિઓ તમે જોશો.
જેમ,એ પોતાના ચિદ-રૂપ-આત્મ-સ્વરૂપની અંદર ચિદાકાશ-રૂપ સ્વપ્ન-નગર-આદિ ભાસે છે,
તેમ તમને તે સમયે નિર્બાધપણે અનેક સૃષ્ટિઓના સમૂહ ચિદાકાશની અંદર જોવામાં આવશે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE