May 24, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1162

(૧૫૪) અભ્યાસની આવશ્યકતા

મુનિ (વ્યાધને) કહે છે કે-આ દૃશ્ય (જગત) સંબંધે (આગળ કહ્યા મુજબ) નિર્ણય કરીને સંતાપ-રહિત થઇ ગયો છું.
અને હવે રાગ,આશંકા અને અહંકારથી રહિત થઇ જઈને હું નિર્વાણ દશામાં સ્થિર થઇ રહ્યો છું.
આધાર-આધેય-વગેરે ભાવોથી તથા ઉપાધિ (માયા)થી રહિત થઈને હું પોતાના સ્વ-રૂપમાં સ્થિર રહી શાંત થઇ ગયો છું
અને સૃષ્ટિના આત્મા-રૂપે પ્રકાશિત થઇ રહ્યો છું.જો કે હું યથાપ્રાપ્ત વ્યવહાર કર્યે જાઉં છું પણ વસ્તુતઃ જોતાં હું કશું પણ
કરતો નથી,કેમ કે જે પોતે આકાશના જેવો નિર્વિકાર હોય તેને કર્તા-પણું કેવું?

સર્વ કંઈ ચિદ-રૂપ છે,તેનો અનુભવ થતાં હું શાંત થઇ રહ્યો છું,નિર્વાણને પ્રાપ્ત થઇ કેવળ સુખમાં જ રહું છું.
મારી દૃષ્ટિમાં વિધિ-નિષેધ વગેરે કશું નથી કે  બહારનો કે અંદરનો કશો ભેદ (દ્વૈત)નથી.
હે વ્યાધ,આવી રીતે હું યથાસ્થિતપણે એક જ સ્થિતિમાં રહું છું,ત્યાં કાકતાલીયની જેમ આજે તમે મારી પાસે
આવી ચડ્યા છો.આમ જેવી સ્વપ્ન-અવસ્થા છે,જેવો હું છું,,જેવા તમે છો અને જેવું આ જગત છે તે સર્વ તમને
મેં કહી બતાવ્યું.એક બ્રહ્મ જ સત્ય છે ને બાકીનું સર્વ મિથ્યા છે એમ સમજી શાંત થઈને તમે રહો.

વ્યાધ કહે છે કે-જો એમ જ હોય તો હું,તમે અને દેવો વગેરે પણ પરસ્પર રીતે એક બીજાના સ્વપ્ન-પુરુષ-રૂપે છીએ
અને પ્રાતિભાસિક-રૂપે સત્ય પણ પારમાર્થિક-રૂપે અસત્ય છીએ.

મુનિ કહે છે કે-એમ જ છે.આપણે સર્વ પરસ્પર એકબીજાના સ્વપ્નની જેમ જ સ્થિતિને પ્રાપ્ત થઈને રહેલા છીએ,
અને તે અન્યોન્ય આત્માની અંદર સદ-રૂપે તથા અસદ-રૂપે અનુભવમાં આવે છે.જે જીવ દૃશ્યને જેવા પ્રકારનું સમજે છે
તેને તેવા પ્રકારે જ અનુભવમાં આવે છે.જેમ,ઘડો એક જ છે પણ તેને જુદીજુદી રીતે જોતાં તે અનેક પ્રકારે જણાય છે,
તેમ,એક જ પરબ્રહ્મ વસ્તુ વિવર્ત-ભાવથી અનેક પ્રકારે થઇ રહેલ છે,અને એકરૂપ પણ છે .

જેઓ ભેદ-દર્શી (ભેદને જોનારા)છે,તેમને એકતા અસત્ય જણાય છે અને જેઓ એકતાને માને છે,તેમને અનેકપણું અસત્ય
જણાય છે.બંનેને તટસ્થ-ભાવે જોનારને બંને ભાવની પ્રતીતિ થાય છે,પરંતુ તત્વવેત્તાઓની સૃષ્ટિ તો જાગ્રત-અવસ્થામાં
સ્ફૂરી આવતા સ્વપ્નનગરના જેવી છે.તેમને તો  એક કેવળ ચિદ-રૂપ જ અનુભવમાં આવે છે.
આ સર્વ મેં તમને યથાર્થ રીતે બોધ આપી કહી બતાવ્યું,
તમે ડાહ્યા છો,વિવેકી છો અને હવે સર્વ જાણો છો.એટલે હવે જેમ તમારી ઈચ્છા હોય તેમ સુખેથી કરો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE