May 23, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1161

મુનિ કહે છે કે-પછી મેં આ દૃશ્ય-મંડળ (જગત અને જગતના પદાર્થો) વિષે 'વિચાર' કરવા માંડ્યો કે-
આ દૃશ્યનું શું કારણ હશે? આ જીવ તેને ચિત્ત વડે કેવી રીતેનું જાણે છે? આ પદાર્થોનો સમુદાય શું છે?
તેનું કારણ શું છે? ખરે ! આ સ્વપ્નસૃષ્ટિ એક ચિદાકાશરૂપ જ છે અને તેની અંદર સ્વર્ગ,પૃથ્વી,વાયુ,આકાશ,
નદીઓ,પર્વતો,દિશાઓ-આદિ પ્રતીતિમાં આવે છે.પણ વસ્તુતઃ (જ્ઞાનથી) જોતાં તો,પોતાના સ્વરૂપમાં રહેનાર
ચિદાકાશ જ આ સર્વના આકારે વિવર્ત (વિલાસ કે આભાસ)-રૂપે થઇ રહેલું છે.

ચિદાકાશ-રૂપી-ચાંદની ચારે દિશાઓમાં પોતાના જે કંઈ પ્રકાશને વિસ્તારી દે છે,તે જ આ જગત-રૂપે ભાસે છે.
આ જગત એ ચિદાકાશની અંદર,વિચિત્ર પ્રકારના એક ચિત્ર જેવું દેખાય છે,પણ વસ્તુતઃ તો તે નિરાકાર છે.
જો સર્વ (જગત) એ ચિદાકાશ (ચિન્માત્ર) નો વિવર્ત છે તો પછી તેમાં દેખાતા પદાર્થોનું શું કારણ હશે?
અને તેનું સાકારપણું થવામાં પણ કારણ વિના શા પ્રયોજનનો સંભવ છે? જો આ સર્વ ભ્રાંતિમાત્ર છે
એમ કહીએ તો તે ભ્રાંતિનું શું કારણ છે? તે ભ્રાંતિનો દૃષ્ટા તથા મનન કરનાર કોણ છે? તથા તેનું કારણ કેવું?
અને કોના આધારે તે રહેલું છે? (આવા વિચારો કરતાં સમજાય છે કે)

હું ચિન્માત્ર (ચિદાકાશ-રૂપ) જ છું,હું જે (મનુષ્ય)ના દેહમાં (પરકાયા-પ્રવેશથી) પ્રવેશ કરીને તેના હૃદયના ઓજમાં રહ્યો
હતો,તે મનુષ્યનો દેહ મારા દેહ સાથે જ ભસ્મિભૂત થઇ ગયો છે.માટે મારો કે તે મનુષ્યનો દેહ નથી જ.
આમ, સર્વ અનાદિ છે,અનંત છે અને ચિદાકાશના એક આભાસ-રૂપ જ છે.તેમાં કર્તા,કર્મ,કારણ આદિ કશું નથી.
ઘટ-પટ-આદિ સર્વ જયારે ચિદાકાશ નો જ એક વિવર્ત છે
તો પછી તેમના આકારને જણાવનાર  તેમનું સ્ફુટ-રૂપ (દેખાતું-રૂપ) ક્યાંથી પ્રગટ થયું?

વસ્તુતઃ જોતાં તો ચિદાકાશનો વિવર્ત પણ નથી ને કેવળ ચિદાકાશ જ છે,કેમકે ચિદાકાશનો વિવર્ત કેવો હોય?
એ આકાશ શી રીતે આ વિવર્ત ને ઉત્પન્ન કરે? આ પ્રપંચ (જગત કે માયા) સ્વભાવે જ એક વિવર્ત-રૂપે દેખાય છે,
પરંતુ તે અનંત ચિદાકાશ-રસ-રૂપ જ રહેલો છે.એક બ્રહ્મ (ચિદાકાશ)જ સત્ય છે,અને એ બ્રહ્મ,વિશાળ અને ચિદરૂપે
સર્વત્ર એક-રસ છે અને તે જ જાણે આ દૃશ્ય-રૂપે થઇ રહ્યું હોય તેવી પ્રતીતિ થાય છે.

ખરે ! દેશ તથા કાળ વડે અનાદિ,અનંત,અપરિમેય,એક,સર્વવ્યાપી,કાર્ય-કારણની સત્તાથી રહિત,સદ-રૂપ
અને પોતાની સત્તા વડે જાણે તે (બ્રહ્મ) જગત,દિશાઓના અંતો-આદિ અનેક આકારે થઇ રહેલ છે,
એટલે,આમ,અદ્વિતીય એવું જે કંઈ અનિર્વાચ્ય-ચેતન-તત્વ છે તે જ આ સર્વ-રૂપે દેખાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE