May 3, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1144






તે બ્રહ્મ પોતાના સ્વરૂપમાં જ નિરંતર સ્થિતિ કરીને રહેલ છે.તેણે જ દેહ,જન્મ,મરણ,સૃષ્ટિ,પ્રલય-આદિ સંજ્ઞાઓ
'કલ્પેલી' છે,પણ તે કલ્પનાઓ પોતાના સ્વરૂપથી જરા પણ ભિન્ન નથી.આ વાત યથાર્થ જ છે.
જ્યાં આ કશી સૃષ્ટિ જ નથી,ત્યાં પછી ધર્મ,કર્મ અને અક્ષરો (સંજ્ઞાઓ)ની પંક્તિઓ (પદ-વાક્યો) પણ નથી જ.
આ વાત સિદ્ધ છે.જો પૃથ્વી-આદિ કાંઇ સંભવતું હોય તે ભલે સકારણ (કારણ-વાળું)હો,પણ પૃથ્વી આદિ કશું
છે જ નહિ ત્યાં પછી તેનું કારણ (બ્રહ્મ) કયાંથી હોઈ શકે? બ્રહ્મનો વિવર્ત જ આ જગત (પૃથ્વી-આદિ) કહેવાય છે.
એટલે પછી પૃથ્વી-આદિ પણ ક્યાંથી રહે? કે પછી તેનું કારણ પણ ક્યાંથી રહે?

જેમ સ્વપ્નમાં દેખાતા પુરુષોનું પુરુષપણું થવામાં તેનું કશું પણ (કારણ-રૂપ) પહેલાંનું 'કર્મ' હોતું નથી,
તેમ,આ જાગ્રત-રૂપી-સ્વપ્નમાં દેખાતા પુરુષોનું (દેહનું) પણ કોઈ પહેલાંનું કર્મ કારણ-રૂપ હોતું નથી.
સર્વ સૃષ્ટિઓમાં જીવો સ્વપ્નના જેવા અનિત્ય સર્વ પદાર્થોને પરસ્પર દેખે છે,અને સૃષ્ટિમાં પોતાની વાસના
અનુસાર પોતાના પહેલાંના કર્મોના અસ્તિત્વને પણ દેખાઈ છે,પરંતુ વસ્તુતઃ (તત્વથી) જોતાં
તે સર્વ મિથ્યા જ છે.સર્વ જગત,એ અધિષ્ઠાન-ચૈતન્ય-રૂપે સત્ય છે અને આરોપિત-રૂપે અસત્ય છે.

સ્વપ્ન અસ્ફુટ છે અને જાગ્રત સ્ફુટ (ખુલ્લી આંખે દેખાય) છે.એટલો જ માત્ર તે બંનેમાં તફાવત છે.
શુદ્ધ પ્રકાશ-રૂપ આત્મા,નિરંતર પોતાના સ્વરૂપમાં જ સ્થિતિ કરી રહેલો હોય છે,અને તે પોતેજ સ્ફુટ-અસ્ફુટ
રીતે ભાસે છે,કે જેની પ્રતીતિ (ભાન) થવું,તેને જ જાગ્રત-સ્વપ્ન એવાં નામો આપ્યાં છે.
સૃષ્ટિના આરંભથી માંડીને સ્થૂળ-સૂક્ષ્મ દેહનો જ્ઞાન વડે ક્ષય થતાં સુધી જે કંઈ દૃશ્ય (જગત) રૂપે ભાસે છે,
તે છેક મોક્ષ થતાં સુધી પ્રવાહ-રૂપે (જગત-રૂપે) તેવા જ પ્રકારે થઇ રહે છે.કે જે સૃષ્ટિ-રૂપ કહેવાય છે.

જેમ તમારી કલ્પનાનું નગર તમારા સંકલ્પ અનુસાર સ્થિતિ રાખે છે,તેમ જગતની સર્વ સ્થિતિ બ્રહ્મના સંકલ્પ
અનુસાર જ છે.તમે ચિદ-રૂપ છો અને તમે જ સંકલ્પ-રૂપ થઇ જઈને તમારી મનોમય સૃષ્ટિ-રૂપ-સંકલ્પનગરની
અંદર તમારી ઈચ્છા અનુસાર કાર્ય-કારણ-રૂપી મર્યાદાને સ્થાપી શકો છે.
તમારા હ્રદયમાં સંકલ્પ-નગરની અંદર ચિદાકાશ-રૂપી-સૂર્યની જે સ્વ-પ્રકાશ અવસ્થા સદાકાળ રહે છે,
તે જ સ્વાભાવિક રીતે કાર્ય-કારણ અને મનોમય પદાર્થ-રૂપ થઇ જાય છે.
હિરણ્યગર્ભના હૃદયની અંદર જેવા પ્રકારે સૃષ્ટિ સ્ફૂરી આવે છે,તેવા જ પ્રકારે તે સ્થિર થઈને રહે છે
અને તેનાં જ નિયતિ,દેશ,કાળ-આદિ નામો 'કલ્પાયેલાં' છે.

વિવેકીને આ સૃષ્ટિનો ભ્રમ કેવળ ચિદાકાશના એક સંકલ્પ (ચમત્કાર) રૂપ ભાસે છે.તેની અંદર  પ્રથમ રૂપ-આદિની
અને પછી સૃષ્ટિ-આદિ નામોની કલ્પના ખડી થઇ જાય છે.આકાશની અંદર જેમ પોલાણના ઘટ્ટપણાથી ભ્રાંતિ વડે
શ્યામતા પ્રતીતિમાં આવે છે,તેમ ચિદાકાશના ઘટ્ટપણાથી ભ્રાંતિ વડે સૃષ્ટિની પ્રતીતિ
થાય છે.રજ્જુમાં ભ્રાંતિ વડે કલ્પાયેલો સર્પ,એ રજ્જુનું ખરું જ્ઞાન થવાથી નિવૃત્ત થઇ જાય છે,
તેમ,આ પ્રતીતિમાં આવતી સૃષ્ટિ પણ જ્ઞાન-સાધનોના અભ્યાસથી ચિદ-રૂપે જણાતાં નિવૃત થઇ જાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE