Apr 24, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1135

મુનિ કહે છે કે-ત્યાર બાદ, મેં પળવારમાં તે મનુષ્યના 'જીવ-ચૈતન્ય'ને મારા 'જીવ-ચૈતન્ય'માં સમેટી લઇ એકરૂપ કરી દીધો,
એટલે જેમ,સુગંધ,પવનની સાથે એકરૂપ થઇ જાય છે તેમ બંને ચૈતન્ય એકરૂપ થઇ ગયાં, કે જેથી
તે બેવડું દેખાયેલું જગત હવે એક જ જોવામાં આવ્યું.ત્યારે હું તેના 'જીવ-ચૈતન્ય'ની અંદર રહ્યો હતો
અને પોતાના વિવેકને છોડતો ન હતો.મારો પોતાનો સંકલ્પ વિરલ-પણાને પ્રાપ્ત થઇ,તે મનુષ્યના સંકલ્પને બદલી દઈ,
મારા સંકલ્પને અનુસરનારી સ્થિતિને પ્રાપ્ત થઇ ગયો.

પછી,મેં ચિત્તવૃત્તિ વડે,શબ્દ-આદિ બાહ્ય વિષયોનો અનુભવ કરવા માંડ્યો અને તેના હૃદયને છોડ્યા વિના દિવસમાં થતા
જાગ્રત અવસ્થાના વ્યવહારને અનુભવ્યો.જયારે,તે મનુષ્ય દિવસના શ્રમના અંતે રાત્રિએ નિંદ્રા માટે આકુળ થવા લાગ્યો,
ત્યારે,હું પણ તેની ચિત્ત-વૃત્તિને અનુસરી રહ્યો હતો,અને ક્ષણમાત્રમાં બાહ્ય અનુભવને મૂકી દઈ,
તેના કોમળ ઓજ (તેજ)ની અંદર રહેલા આનંદમયકોશમાં શૂન્ય એવી સુષુપ્તિ અવસ્થાનો અનુભવ કર્યો.

એ સુષુપ્તિ અવસ્થામાં છિદ્રવાળી-નાડીઓ,અનેક પ્રકારના અન્નપાનના રસો વડે ઘાટી થઇ ગઈ હતી.આથી સમાનવાયુ
તેમાં રૂંધાઇ જઈ (પૂરેપૂરો)બહાર નીકળી શકતો નહોતો -પણ, કોઈ વખતે અતિસૂક્ષ્મ ગતિ વડે બહાર  નીકળતો હતો.
જયારે સુષુપ્તિ અવસ્થાનો ઉદય થાય છે,ત્યારે પ્રાણ (વાયુ),પોતાના આધાર-રૂપ-આત્મામાં જ પરાયણ થઈને રહે છે
અને હ્રદયની અંદર પોતાની સાથે જ પ્રવેશ કરી રહેલા ચિત્તને ગળી જઈને,
પોતાને સ્વાધીન  કરી લે છે,કેમ કે ત્યારે,ચૈતન્ય-રૂપી-પરમ-પુરુષાર્થ જ અવશેષ (બાકી) રહેલો હોય છે,
તેથી તે (ચૈતન્ય)ના સુખમાં,પોતે (પોતાના) સ્વ-ભાવે જ વિશ્રાંત થઇ રહે છે.

જેમ,પોતાના સ્વાર્થમાં જ પરાયણ થઈને રહેનારા પુરુષને બીજા કોઈનું કામ કરવાની અપેક્ષા થતી નથી,
તેમ,પ્રાણ પોતાના અધિષ્ઠાન-રૂપ,ચૈતન્ય-રૂપી-પરમ પુરુષાર્થમાં જ તત્પર થઈને રહે છે અને બીજો કશો ઇન્દ્રિયોનો
વ્યાપાર કરતો નથી.કેમ કે -નિરતિશય આનંદ-રૂપ-ચૈતન્યની સત્તા વડે સ્ફૂરેલી સુષુપ્તિ અવસ્થામાં,
નિરતિશય આનંદની સ્ફૂર્તિ થાય છે (આનંદ મળે છે)કે જેમાં વિક્ષેપનું કોઈ દુઃખ આવી શકતું જ નથી.

રામ કહે છે કે-મન,પ્રાણને લીધે જ અત્યારે પણ મનન (સંકલ્પ) આદિ વ્યાપાર કરે છે,તે મન જો સુષુપ્તિ અવસ્થામાં,
પ્રાણને અધીન થઇ જઈને પોતાના વ્યાપારને છોડી દેતું હોય તો,તે હમણાં કેમ પોતાના વ્યાપારને ચલાવે છે?
ને હવે જો પ્રાણને જુદો પાડીને વિચારવા બેસીએ તો,મનનું કશું પણ જુદું સ્વરૂપ જણાતું નથી,
માટે પ્રાણથી જુદી મન જેવી કોઈ વસ્તુ જ નથી કે શું?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE