Apr 22, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1133

મુનિ (સાધુ બનેલ પારધીને) કહે છે કે-સર્વના અધિષ્ઠાન-રૂપ,અપરિચ્છીન્ન,નિત્ય છતાં વિવર્તભાવથી અનંત
આકારે થઇ રહેનાર ચિદાકાશ-રૂપી પરમાણુની અંદર આ જગત એક મજ્જા-રૂપ છે,એમ કહી શકાય છે.
બહારની જાગ્રત અવસ્થાથી નિવૃત્ત થયલો જીવ,જીવના આધાર-રૂપ-હૃદયની અંદર રહીને,પોતાના સ્વરૂપને જ
'આ સ્વપ્ન-સૃષ્ટિ છે' એમ સમજે છે.ને એ સ્વપ્ન-સૃષ્ટિમાં દેખાતા સર્વ પદાર્થો ચિદાત્માના જ એક વિવર્ત-રૂપ છે.
જીવ ચિત્ત દ્વારા બહિર્મુખ થઈને પોતાના સ્વરૂપને બહાર જ વિવર્ત-રૂપ દેખે છે-તેને 'જાગ્રત' કહેવામાં આવે છે
અને તે ચિત્ત જયારે અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપને અંદર વિવર્ત-રૂપે અનેક આકારે દેખે છે.
ત્યારે તેને 'સ્વપ્ન' કહેવામાં આવે છે.

'હું પોતે જ અંદર દેખાતી સ્વપ્ન-સૃષ્ટિ-રૂપ છે અને હું પોતે જ બહાર દેખાતી જાગ્રત-સૃષ્ટિ-રૂપ પણ છું'
આ પ્રમાણે સમજીને જે વિવેકી પુરુષ પોતાને ચિદ્રુપ સમજીને ક્રમ-પૂર્વક વાસનાથી રહિત થઇ જાય છે
તે પુરુષ આ સંસારના બંધનથી મુક્ત થઇ જાય છે.આમ પોતાનું સ્વ-રૂપ જ સ્વપ્ન અને જાગ્રત-રૂપ છે.
આ પ્રમાણે હું સ્વપ્ન અને જાગ્રત વિષે વિચારતો હતો ત્યારે આ 'સુષુપ્તિ-અવસ્થા' શું હશે?
એવી જીજ્ઞાસા ઉત્પન્ન થઇ એટલે હું સુષુપ્તિનો અંશ શોધવા માટે પ્રવૃત્ત થયો.

'આ દૃશ્યને જોવાનું હવે મારે શું પ્રયોજન છે? હવે હું લાંબા સમય સુધી ચિત્તથી (ચિત્તના ધર્મથી)  રહિત થઈને રહું'
જ્યાં સુધી એવો અનુભવ અંદર કાયમ રહે છે,ત્યાં સુધી 'સુષુપ્તિ' અવસ્થા સ્થિર થઈને રહે છે.બાકી સુષુપ્તિ બીજી કશી
વસ્તુ નથી.દેહની અંદર જેમ,નખ,કેશ-આદિમાં વિશેષ અહંતા ન બંધાયા છતાં સામાન્ય આત્મીય-બુદ્ધિ રહે છે.
તેમ,સુષુપ્તિ અવસ્થા પણ સ્ફુટપણે ના જણાતાં સામાન્ય-રૂપે જ અનુભવમાં આવે છે.
('જેમ કે હું સુખે સૂતો હતો મને કશું જ્ઞાન ન હતું' એવા સામાન્ય રૂપે સુષુપ્તિ અનુભવમાં આવે છે)

એ સુષુપ્તિ ચિદ-રૂપ-સાક્ષીની અંદર અજડ અને જડ-એમ બંને રૂપે સ્ફુરે છે.
'જાગ્રત અવસ્થામાં અને સ્વપ્નની અવસ્થામાં ભ્રમણ કરી હું શ્રમિત થઇ ગયો છું અને હવે તે સંબંધી
વિશેષ જ્ઞાનનું મારે શું પ્રયોજન છે? હું થોડો સમય મન (ચિત્ત) ના પ્રચારથી રહિત થઈને શાંત થઈને રહું'
આવો સંકલ્પ ગાઢ નિંદ્રાના આકારે પરિણામ પામે છે,ત્યારે સુષુપ્તિ અવસ્થાનો ઉદય થાય છે.
સુષુપ્તિ અવસ્થા એ આ સિવાય બીજું કશું નથી.

આવી જ ગાઢ સુષુપ્તિ જેવી અવસ્થા,જાગ્રત અવસ્થાવાળા પુરુષમાં પણ, જ્ઞાનારૂઢ સ્થિતિમાં,
'હું કશાનું ચિંતન ના કરતાં શાંતપણે એક જ નિર્વિકાર સ્થિતિમાં રહું'
એવો સંકલ્પ કરતાં (તે સુષુપ્ત અવસ્થા જાગ્રત અવસ્થામાં પણ) પોતાની મેળે જ થઇ જાય છે.
આવી રીતે સુષુપ્તિ અવસ્થાનો નિર્ણય  કરી હું પરમેશ્વર-બુદ્ધિ વડે યુક્ત થયો હતો.
અને ત્યાર બાદ હું 'તુરીય અવસ્થા'ની (સ્થિતિની) શોધ કરવામાં પ્રવૃત્ત થયો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE