Apr 15, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1126

ભાસ (વિપશ્ચિત) કહે છે કે-પછી,અમે આકાશમાં જઈને એ મહા ભયાનક શબ-આકૃતિને જોઈ.એ મોટું શબ વેગથી
નીચે પડ્યું એટલે સમુદ્રો,પર્વતો,વનો અને શહેરોના સમૂહો સાથે પૃથ્વી કંપવા લાગી.નદીઓના પ્રવાહ રોકાઈ જવાથી,
તેનાં બે વહેણ  થઇ જઈ,તેના વેગથી મોટા ખાડાઓ થઇ ગયા.દિશાઓ સહિત સર્વ જગત પ્રલયકાળના સંભ્રમથી
ભયભીત થઇ ગયું.શબ્દમય થઇ રહેલી પૃથ્વીમાં મોટો કડકડાટ થઇ રહ્યો.પૃથ્વી પર અનેક જગ્યાએ આ ધક્કો લાગવાથી
તે સેંકડો ભાગોમાં વીંધાઈ ગઈ હોય તેમ દેખાતું હતું.સમુદ્રો પણ જાણે ક્ષોભને પામ્યા હતા.

આકાશચારી દેવતાઓ તે શબનો આકાર જોતાં માનવા લાગ્યા કે-'આ તો જાણે આકાશ જ આકાર ધરીને
નીચે પડ્યું હોય તેમ લાગે છે' ત્યારે મેં અગ્નિ દેવને પૂછ્યું કે-આ દેહ કેમ નીચે પડ્યો?
ત્યારે અગ્નિદેવે મને કહ્યું કે-ધીરજ ધર, આ સર્વ ઉત્પાત શાંત પડશે ત્યારે હું તને તે વિષે કહીશ.
તે વખતે જ બીજા આકાશચારી દેવતાઓ ત્યાં આવ્યા,અને ભક્તિપૂર્વક શરીરને નમ્ર રાખીને
શરણાગતની રક્ષા કરનારી 'સર્વેશ્વરી દેવી-કાળરાત્રિ' (ભગવતી કે અંબિકા કે મહામાયા) ની સ્તુતિ કરવા લાગ્યા.

(૧૩૪) દેવીના શરીરનું વર્ણન

ભાસ (વિપશ્ચિત) કહે છે કે-આકાશચારી દેવતાઓએ આદરપૂર્વક દેવીની સ્તુતિ કરી એટલે એ દેવી પોતે આકાશમાંથી
પ્રગટ થયાં.તે રુધિર-રહિત સાવ શુષ્ક દેખાતા હતાં અને પ્રેતોના સમૂહ વડે વ્યાપ્ત હતાં.
માતા (માતૃકાઓ)ઓનું મંડળ તેમને લાડ લડાવતું હતું.શિરાઓ (નાડી-નસો)વાળા લાંબા ભુજદંડો(હાથો) વડે
તે આકાશને વનના જેવું બનાવી દેતાં હતાં અને દિશાઓમાં દાહ કરનારા, પોતાના દ્રષ્ટિપાત વડે તે જાણે સૂર્યની
સૃષ્ટિ કરતાં હોય તેવાં જણાતાં હતાં.અનેક આયુધોથી અવાજ ઉત્પન્ન કરતાં હતાં.

તેમના દેહમાંથી જ્વાળાઓ નીકળતી હતી અને તેમના દેહના અવયવો નેત્રના અગ્નિની ગરમીથી યુક્ત હતા.
આથી તે કરોડો યોજન સુધી પોતાની કાંતિને વિખેરતાં હતાં.પોતાના કૃશ,અતિ લાંબા અને અતિવિસ્તારવાળા
શરીર વડે તેમણે આખા આકાશને પૂરી દીધું હતું.કશો પણ આધાર કે આશ્રય ના હોવાથી તે વિસ્તારવાળાં વાદળાંની
પંક્તિના જેવાં દેખાતાં હતાં.તે પ્રેતના આસન પર બેઠાં હતાં
અને પરબ્રહ્મના ચિદાકાશની અંદર તેમનો (મહામાયાનો) સારી પેઠે આવિર્ભાવ થયો હતો.

તેમનું સ્વરૂપ મહા-તેજસ્વી હતું,તે સંધ્યાકાળના વાદળાં જેવાં રાતાં (રંગના) હતાં.શબો વડે,શબોના અવયવો વડે,
તેમ જ ભાલા,તોમર,મુદગર,હળ અને આસન-આદિ વડે ચંચળ થઇ રહેલી માળાઓને તે ચારે તરફ વિખેરી દેતાં હતાં.
દાંતની કટકટાટીના અવાજના આડંબરની સાથે તે હાડપિંજરોની માળા ધારણ કરતા હતાં.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE