Apr 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1125

ભાસ (વિપશ્ચિત) કહે છે કે-જ્યાં સુધી મારી ચક્ષુ-ઈન્દ્રિયનો વિષય (દૃશ્ય) ફેલાઈ રહ્યો હતો, ત્યાં સુધી મને માત્ર ચાલ્યા જ
કરવાની ઈચ્છા થતી હતી.અને ઈચ્છા મુજબ ત્યાં હું ક્ષણ-માત્રમાં ચાલ્યો જતો હતો.દૃશ્યનું અવલોકન કરતાં,
મને કૌતુકને લીધે તે (દૃશ્યમાં) વારંવાર ભમ્યા કરવાનો આવેગ આવતો અને હું તેમાં ભમ્યા જ કરતો હતો.
એવી રીતે દૃશ્ય-અદૃશ્ય,ગમ્ય-અગમ્ય એવા અનેક પ્રદેશોનું ઉલ્લંઘન કરતાં મારાં અનેક વર્ષો ચાલ્યાં ગયાં,
પણ હું એ દૃશ્ય-રૂપી અવિદ્યા (જગત) નો અંતને જોઈ શક્યો નહિ.

'આ કશું સત્ય નથી'એવા વિચારથી સિદ્ધ થયેલા અનુભવની અંદર હું સ્થિર થઇ રહ્યો હતો,છતાં હું જે તે બીજા વિષયોને
જોતો ત્યારે મને થતું કે 'આ સત્ય છે'. આમ,અનાદિ-કાળના દ્વૈત સંબંધી  સત્યતાના સંસ્કારને લીધે,
મારી મિથ્યા-દૃષ્ટિ પ્રબળ થઈને રૂઢ થઇ રહી હતી,અને તે નિવૃત્ત થતી નહોતી.
જો કે વિચાર વડે હું વિષયો સંબંધી સત્યતાની ભ્રાંતિને નિવૃત્ત કરતો હતો,છતાં પણ પ્રતિક્ષણ સુખ-દુઃખ,
દેશ-કાળ,અને પ્રિય-અપ્રિયના સમાગમથી,નિત્ય ભ્રાંતિનો આવિર્ભાવ-તિરોભાવ થયા જ કરતો હતો.

(૧૩૩) સ્વર્ગમાંથી શબનું પડવું

ભાસ (વિપશ્ચિત) કહે છે કે-હે મહારાજ,આ જગતથી જુદા જ કોઈ બીજા અપૂર્વ જગતની અંદર મેં અતિ આશ્ચર્ય જોયું હતું.
કે જે નરકના વૃતાંતની દશા જેવું અતિ બિભત્સ છે છતાં મેં,તે અગ્નિના વરદાનના પ્રભાવથી અનુભવ્યું હતું.
મનુષ્ય-જાતિથી ન જઈ શકાય તેવા કોઈ આકાશની અંદર એક જગત છે,કે જ્યાં સૂર્ય-ચંદ્ર-આદિની કાંતિ વડે
વિચિત્ર સૃષ્ટિ રહેલી છે.જોકે તે આકારમાં આ બ્રહ્માંડ જેવું જ છે તો પણ આ આ બ્રહ્માંડની અપેક્ષાએ શૂન્ય છે.

હું તે જગતમાં વિહાર કરતો હતો અને મારા હૃદયમાં રહેલ ઇચ્છિત વિષયની શોધ કરવા માટે
મેં દિશાઓના મુખોમાં આશ્ચર્ય-પૂર્વક જોયું,ત્યારે મને ત્યાં એક અતિ વિશાળ છાયા ફરતી જોવામાં આવી.
'આ શું હશે?' એવો વિચાર કરતાં  મેં ઉપરના ભાગમાં આકાશ તરફ દૃષ્ટિ નાખી ત્યારે તે આકાશમાં
અનેક ચકરીઓ ખાતાં,ને નીચે પડતા કોઈ અતિ વિશાળ પુરુષનો આકાર મારા જોવામાં આવ્યો.
ક્ષણોમાં  તે અનંત દેહવાળી અતિ વિશાળ  પુરુષના શબના જેવી આકારવાળી આકૃતિ નીચે પડી
કે જેથી સાત-દ્વીપવાળી પૃથ્વી,ક્ષણમાત્રમાં તેનાથી પુરાઈ ગઈ.

ત્યારે મને શંકા થઇ કે-દ્વીપો સહિત જગતના નાશની સાથે મારા શરીરનો પણ અવશ્ય નાશ થશે.
એટલે મેં મારી પાસે રહેલા અગ્નિમાં પ્રવેશ કર્યો.અને મેં અગ્નિદેવને પ્રાર્થના કરી કે-મહારાજ મારી રક્ષા કરો.
ત્યારે અગ્નિદેવે કહ્યું કે-તું કશો ભય રાખીશ નહિ,ચાલ,હું તને અગ્નિલોકમાં મારી સાથે લઇ જાઉં છું.
એક કહી તેમણે મને તેમના વાહન પર બેસાડ્યો અને આકાશમાંથી પડેલા
એ શબના દેહના એક ભાગમાં છિદ્ર કરી,માર્ગ બનાવી અને આકાશમાં ચાલ્યા ગયા.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE