Apr 6, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1117

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,શાંત પરબ્રહ્મ એ ત્રણે કાળમાં સત્ય છે.જાગ્રત અને સ્વપ્નમાં તે જેવા પ્રકારે
તમારા જોવામાં આવ્યું હતું,તેવા પ્રકારનું તે થઇ રહ્યું હતું.હમણાં (વર્તમાનમાં) પણ તે જેવા પ્રકારનું જોવામાં
આવે છે તેવા પ્રકારનું તે થઇ રહ્યું છે.અને હવે પછી (ભવિષ્યમાં) પણ જેવું તમે તેને જોશો,
તેવું જ તે પોતાની અચિંત્ય શક્તિને લીધે થઇ રહેશે.
અવિદ્યાને લીધે,ક્રમ-પૂર્વક જગતનો જે આ પ્રતિભાસ થાય છે,તે એક ઘાટા અંધકાર જેવો છે.

આ જગતને પરબ્રહ્મની દૃષ્ટિથી જોતાં,તે પ્રતિભાસ-રૂપે સત્ય જણાતું નથી,પણ અવિવેકીઓની દૃષ્ટિથી જોતાં,
તેમને માત્ર પ્રાતિભાસિક રૂપ જ જોવામાં આવવાથી,તેને અસત્ય પણ કહી શકતું નથી,તે અનિર્વચનીય છે.
તે વિપશ્ચિત રાજાને હજુ સુધી,તત્વજ્ઞાન થયું નથી,તેથી જેમ,વનમાં મૃગ ફર્યા કરે તેમ તે પ્રથમ જોયેલા
જગતોમાં તથા તેવાં જ  બીજાં જગતોમાં પોતાની વાસના અનુસાર વારંવાર ભમ્યા કરે છે.
વસ્તુતઃ આ સર્વ જગત વિરાટ-રૂપી બ્રહ્મના ઉદરની અંદર રહેલા છે
અને તે કેવળ  વાસના-માત્ર હોવાથી અતિ સૂક્ષ્મ છે.

(૧૨૯) એક વિપશ્ચિત રાજાનો મૃગનો અવતાર

રામ કહે છે કે-હે મહારાજ,શાલ્મલી-દ્વીપના રાજ્યમાં અને ચંદ્રલોકમાં,ભોગો વડે રોકાઈ રહેલા,
ને પછી ભોગોનું નિસારપણું જાણનારા બીજા બે વિપશ્ચિત રાજાઓની શી ગતિ થઇ? તે વિષે આપ કહો.

વસિષ્ઠ કહે છે કે-તે બંનેમાંથી દક્ષિણ-દિશાવાળો વિપશ્ચિત રાજા,ઘણા લાંબા સમયથી અભ્યાસ કરાયેલી વાસનાને
પરવશ બની ગયો અને અનેક દેહોના સમૂહ વડે દ્વીપોની અંદર ભ્રમણ કરતાં,ભવાટવીમાં ભટકવા-રૂપી તેની તે જ
સ્થિતિને પ્રાપ્ત થતો રહ્યો.પછી આવરણોનો ત્યાગ કરી દઈ પરમાકાશની અંદર લાખો સંસારોનું અવલોકન કરતાં,
હજુ સ્થિર થઈને રહ્યો છે.પૂર્વ દિશાવાળો વિપશ્ચિત રાજા ચંદ્રલોકમાં રહ્યો હતો ત્યારે તેને ચંદ્ર-મૃગ સાથે અતિશય સ્નેહ
બંધાયો હતો.અને મૃગમાં બંધાયેલી પ્રીતિને લીધે તે આજે પર્વતમાં મૃગ થઈને રહ્યો છે.

રામ કહે છે કે-હે મહારાજ,ચારેય વિપશ્ચિત રાજાઓની સદાકાળ ઉદય પામનારી વાસના તો એક જ હતી,
છતાં તે ઉત્તમ અને અધમ ફળ આપનારી કેમ થઇ?

વસિષ્ઠ કહે છે કે- વાસના બે પ્રકારની હોય છે,એક કોમળ (થોડી દૃઢતાવાળી) અને અતિદૃઢ.
તેમાંથી કોમળ વાસના દેશકાળ અને ક્રિયાના યોગથી બદલાઈ જાય છે પણ અતિદૃઢ વાસના બદલાતી નથી.
એટલે આ બંને વાસનામાં જે વધુ બળવાન હોય તે વિજય મેળવે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE