હે મુનિ-શ્રેષ્ઠ,હું સ્થિર યૌવનવાળી છું અને મેં એ સર્વ દુઃખો અનેક વર્ષો સુધી સહન કર્યા છે,ક્રમે કરીને નીરસપણાને લીધે,મારો પ્રેમ નિર્માલ્ય જેવો થઇ ગયો છે અને વૈરાગ્ય-વાસનાનો ઉદય થવાથી,હું સર્વ પદાર્થોમાં વિરક્ત થઇ છું.અને હવે હું આપણા ઉપદેશ વડે મોક્ષને ઈચ્છું છું.
જે જીવોએ ઇચ્છિત અર્થ પ્રાપ્ત કર્યો નથી,જેમણે પોતાની બુદ્ધિને પરમાત્મામાં વિશ્રામ પમાડી નથી અને જેઓ મરણને આરે બેઠેલા છે,તે જીવોના જીવવા કરતા મરણ વધુ સારું છે.મારા પતિ અહર્નિશ નિર્વાણની જ ઈચ્છા રાખે છે અને પોતાના મનની સહાય વડે જ મનને જીતવામાં જાગ્રત થઇ ગયેલા છે.
વિદ્યાધરી કહે છે કે-હે મહારાજ,મારા પતિનું અને મારું અજ્ઞાન શાંત થઇ જાય તે માટે,આપ ન્યાય-યુક્ત વાણીથી અમને આત્માનું સ્મરણ કરાવો.જયારે મારા પતિ જયારે મારા તરફ કશું લક્ષ આપ્યા વિના પોતાના આત્મામાં જ સ્થિર થઈને રહેવા લાગ્યા,ત્યારે જ મને મનમાં ઉત્પન્ન થયેલા વેરને લીધે જગતની સર્વ સ્થિતિ રસ વિનાની જણાવા લાગી હતી અને ત્યારથી જ માંડીને હું સંસાર સંબંધના આવેશ-માત્રથી રહિત થઇ ગઈ છું.
વળી ત્યારથી મેં આકાશગમન-રૂપી સિદ્ધિ આપનારી ધારણા (ખેચરી-મુદ્રા) બાંધવાનો અભ્યાસ કર્યો છે.
પછી એ ધારણ વડે એ આકાશગમનની સિદ્ધિ સંપાદન કરી ત્યાર બાદ મારા આધાર-રૂપ-જગતના પૂર્વાપર ભાગો જોવાની ઇચ્છાથી મેં તદનુકુળ ધારણા બાંધી અને તેમાં હું સ્થિર થઇ રહી.તેથી તેની સિદ્ધિ પણ મને પ્રાપ્ત થઇ.
ત્યાર બાદ પોતાના જગતની અંદર રહેલી સર્વ વસ્તુઓને જોઈ લઇ,હું તેમાંથી બહાર નીકળી,
એટલે લોકાલોક પર્વતની સ્થૂળ એવી શિલા મારા જોવામાં આવી.(કે જેમાં અમારો નિવાસ થયો હતો)
હે મહારાજ,અમે બંને (દંપત્તિ)ના ચિત્તમાં આટલા કાળ સુધી બીજું કશું જોવાની કોઈ દિવસ કશી ઈચ્છા પણ થઇ નહોતી.મારા પતિ એવા વાસના વિનાના છે કે-તેઓ એકાંતમાં કેવળ "વેદ" ના શુદ્ધ અર્થોનું જ ચિંતન કર્યા કરે છે,
વિદ્વાન હોવા છતાં,ગુરૂ નહિ મળવાથી તેમને હજુ બ્રહ્મત્વનું જ્ઞાન થયેલ નથી.પરમપદને પામેલ નથી.
હવે હું અને મારા પતિ,પરમપદને પામવા ઇચ્છીએ છીએ,અને તે માટે જ્ઞાન આપવાની તમને પ્રાર્થના કરીએ છીએ.
હે મહારાજ,મારી આ પ્રાર્થના સફળ કરવાને આપ યોગ્ય છો.હું આકાશની અંદર સિદ્ધોની સેનામાં નિરંતર ફર્યા કરું છું,પણ મારી દૃષ્ટિમાં આપ સિવાય બીજો કોઈ પણ અમારા અજ્ઞાનને દુર કરી શકે -તેવો કોઈ જોવામાં આવ્યો નથી.સત્પુરુષો,તો પોતાની પાસે આવી યાચના કરનારા પુરુષોની ઇચ્છાઓને સહજ પૂર્ણ કરે છે.
હું આપની શરણે આવેલ છું,તો આપ મારો તિરસ્કાર કરો નહિ.