હે રામચંદ્રજી,આ સંબંધમાં ભ્રાંતિ-રૂપી રોગને નિવૃત્ત કરવામાં ઉત્તમ રસાયણ (ઔષધિ)-તુલ્ય એવું,એક વિચિત્ર પાષાણનું આખ્યાન પૂર્વે મારા જોવામાં આવેલું છે,તે કહું છું તે તમે સાંભળો.
વિદિતવેદ્ય(જાણવાનું જેને જાણી લીધું છે તે) હોવાથી પૂર્ણ ચિત્તવાળો થઈને,મેં એક દિવસે,
ભ્રાંતિરૂપ આ લોક-વ્યવહારનો ત્યાગ કરવાની ઈચ્છા કરી હું ધ્યાનમાં એકતાન થઇ ગયો.
ત્યારે મનમાં વિચાર થયો કે-
ભ્રાંતિરૂપ આ લોક-વ્યવહારનો ત્યાગ કરવાની ઈચ્છા કરી હું ધ્યાનમાં એકતાન થઇ ગયો.
ત્યારે મનમાં વિચાર થયો કે-
"ઉપર ઉપરથી રમણીય દેખાતી આ લોકની સ્થિતિ નીરસ જ છે.તે કોઈ દિવસ,કોઈ પણ પ્રકારે,કોઈ પણ દેશ-કાળમાં સુખ આપતી જ નથી,એમ હું માનું છું.જીવને અનેક ઇષ્ટ-અનિષ્ટ ફળ આપનારી આ દૃશ્ય-સંબંધી દૃષ્ટિઓના વેગથી ઉત્પન્ન થતા ખેદને લીધે મારા ચિત્તની અંદર ઉદ્વેગ પેદા થયા કરે છે.
આ સર્વ જે કંઈ (જગત) જોવામાં આવે છે અને જે જાણવામાં આવે છે તે શું છે? હું પોતે કોણ છું?
જે આત્મા (પરમાત્મા) સર્વ શાંત અને જન્મ-આદિ વિકારથી રહિત પરમ-આકાશ-રૂપ છે,ચૈતન્ય-માત્ર છે અને વિવર્ત વિનાનો છે.તે જ આત્મા હું છું,જેથી સર્વ સિધ્ધો,દેવો-આદિ પણ જેમાં ઘણા કષ્ટથી જઈ શકે તેવા ઉત્તમ સ્થળમાં હું જઈશ,જ્યાં અંતર્ધાન આદિ ઉપાયોથી હું મારી પોતાની મેળે જ મારા દેહને છુપાવી રાખીશ.
આમ સર્વથી અદ્રશ્ય રહી,હું નિર્વિકલ્પ સમાધિમાં સ્થિતિ રાખીશ.
બાહ્ય પદાર્થો સંબંધી કશો પણ સંકલ્પ ચિત્તમાં સ્ફુરવા નહિ દેતાં,હું સર્વત્ર સમાન-રૂપે રહેલા શાંત પરમપદમાં જ સ્થિર થઈને રહીશ,પણ, જે,અત્યંત શૂન્ય હોય અને જે શબ્દ-આદિ પાંચ બાહ્ય વિષયો અનુભવમાં જ આવે નહિ,
તેવો તે કયો પ્રદેશ હશે? (કે જ્યાં હું સ્થિર થઈને રહું?)
જંગલો,જળાશયો,મેઘો અને સિંહ-વગેરે પ્રાણીઓના સમૂહ-જે વિક્ષેપ કરવામાં હેતુ-રૂપ એવા શબ્દો વડે કોલાહલવાળા છે,જે ચિત્તને ક્ષોભ ઉત્પન્ન કરે છે,તેથી તેઓ મને શત્રુના જેવા પ્રતિકૂળ જ લાગે છે.
પૃથ્વી પણ પવનના સુસવાટા વડે શબ્દ-વાળી છે,તેથી ત્યાં પણ વિક્ષેપ-નિવારણ થઇ શકે તેમ નથી.
માત્ર અવશેષ રહેલું આકાશ જ ચારે બાજુ શૂન્યતા-વાળું છે,
તો તેના કોઈ છેટેના ખૂણામાં ઉત્તમ યોગની યુક્તિનો આશ્રય કરીને હું સ્થિર થઈને રહું.
"આકાશના કોઈ ખૂણામાં હું પોતાની "કલ્પના" વડે એક પર્ણકુટી કલ્પી લઉં, અને કશી વાસના રાખ્યા વિના,
હું તેની અંદર વજ્રના ગર્ભ જેવો થઈને રહું" આવો વિચાર કરી હું તે નિર્મળ આકાશમાં ગયો,
ત્યાં એ આકાશનો અંદરનો ભાગ પણ મને હજારો વિક્ષેપના હેતુઓ વડે વ્યાપ્ત જણાયો.
એ આકાશની અંદર કોઈ ઠેકાણે સિદ્ધો,દેવો,કોઈ ઠેકાણે દાનવો,કોઈ ઠેકાણે દેવ-દાનવનું યુદ્ધ,કોઈ ઠેકાણે નગરો,કોઈ ઠેકાણે ગ્રહો,તારાઓ,સૂર્ય,ચંદ્ર વગેરે,તો કોઈ ઠેકાણે આ સર્વ દૃશ્ય જગતના પદાર્થો જોયા.