Nov 28, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-994

આમ,જગત,બ્રહ્મ-રૂપ (ચિદાકાશ-રૂપ) છે અને બ્રહ્મે જ તેને (ભાવનાથી) બનાવેલું છે.
જેમ,સ્વપ્નમાં અંતરાત્મા-રૂપી ચિદાકાશ જ સ્વપ્ન-સૃષ્ટિ-રૂપે (આભાસ-રૂપે) ઉદય પામે છે,
તેમ,વિચિત્ર પ્રકારના આરંભ-વાળી આ સૃષ્ટિ પણ સૃષ્ટિ-રૂપે (આભાસ-રૂપે) ખડી થઇ ગયેલ દેખાય છે.આમ વસ્તુતઃ નિષ્પ્રપંચ ચિદાકાશ જ વિવર્ત-ભાવથી તે આભાસ-માત્ર સૃષ્ટિ-રૂપે થઇ રહેલ છે.

આદિ-સૃષ્ટિમાં ચિદાત્માનું જે સ્વપ્ન છે તે "જાગ્રત" (જગત) કહેવાય છે,અને રાત્રિમાં જે સ્વપ્ન આવે છે
તેને  "સ્વપ્ન"કહેવામાં આવે છે.જેમ,જળ અને તરંગોની શોભા જ નદીની રચના-રૂપે થઇ રહે છે,
તેમ,ચિદાકાશમાં ચૈતન્ય-રૂપ-બીજની સત્તા જ,અંદર સૃષ્ટિ-ભાવને પ્રાપ્ત થઇ રહેલ છે.

જો મરી ગયેલા જીવનો અત્યંત નાશ થતો હોય,તો તે નિંદ્રાના જેવું મહાસુખ છે.
પણ,જો મરી ગયા પછી દુષ્કર્મોને લીધે નરક આદિ ફાળો ભોગવવાનો ભય રહેતો હોય,તો એ ભય,આ લોકમાં
અને પરલોકમાં બંને જગ્યાએ એક સરખી રીતે જ રહેલો છે,માટે મરણ અને જન્મ-એ બંને સર્વને સરખું જ સુખ આપનાર છે,અને બધા બ્રહ્મ-સત્તા વડે જ સત્તા-વાળાં હોવાથી બ્રહ્મમય છે.

"આથી ભલે જન્મ થાય કે મરણ થાય,તેમાં કશી ચિંતા નથી કેમ કે બંનેની સૂક્ષ્મ-રૂપે સ્થિતિ થવારૂપી સત્તા સ્વાભાવિક બ્રહ્મસુખમય જ છે" આવા વિચારો વડે જે પુરુષનું ચિત્ત અંદર શાંત થયું હોય છે,
તે જ શીતળતાવાળો કહેવાય છે.સર્વ દૃશ્યનો અભાવ થતાં ચૈતન્યસત્તાની જે સ્થિતિ અવશેષ રહે છે,
તે સ્થિતિમાં,મહાન પુરુષો એકરૂપતાથી રહેલા હોય છે માટે તેમને મુક્ત કહેવામાં આવે છે.

જ્ઞાન વડે દૃશ્યનો અત્યંત અભાવ જણાયા પછી,પરબ્રહ્મની સત્તા વડે,સૃષ્ટિ,ભલે,અધિષ્ઠાન-રૂપે સત્ય હો કે
ભલે આરોપિત દૃષ્ટિએ અસત્ય હો,પરંતુ એ દૃશ્ય (સૃષ્ટિ)નું જ્ઞાન દૃશ્ય-ભાવથી રહિત થઇ ગયા પછી,
તે (દૃશ્ય કે સૃષ્ટિ) નિર્વિષય-ચૈતન્ય-રૂપે જ ઉદય પામે છે.એવા નિત્ય-ચૈતન્ય-તત્વની સાથે વિવેકી પુરુષો
એકતા પામેલા હોય છે અને વ્યવહારમાં પણ તેમની સ્થિતિ શાંત અને નિર્વિકાર જ હોય છે.

(૫૬) સર્વ ચિદ્રૂપ છે-તે દૃઢ કરવાને-પાષાણનું આખ્યાન

વસિષ્ઠ કહે છે કે-ચિદાકાશ (બ્રહ્મ) ની અંદર,તેની (પોતાની) સત્તાને લીધે બધું (જગત) સારી રીતે સંભવે છે,છતાં,
તે ચિદાકાશ (બ્રહ્મ) ના સ્વરૂપને દુષિત કરતુ નથી.જ્યાં જ્યાં ચૈતન્ય-સત્તા છે,ત્યાંત્યાં સૃષ્ટિની શોભા ખડી થઇ જાય છે.આકાશ,પૃથ્વી-આદિ સર્વમાં સર્વત્ર ચૈતન્ય-સત્તા જ રહેલી છે.સર્વ પદાર્થો ચૈતન્ય-રૂપ હોવાથી
ચૈતન્ય-સત્તા વિનાનું કશું પણ કોઈ જગ્યાએ છે જ નહિ.જાગ્રત અવસ્થામાં જે પદાર્થો દેખવામાં આવે છે -
તે પણ ચૈતન્ય-રૂપ-તત્વનો જ એક વિવર્ત હોવાથી ચિદાકાશ-રૂપ જ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE