Nov 18, 2017

Pranav-ॐ-As per Yoga-Sutra-પ્રણવ-ॐ-યોગસૂત્ર મુજબ

  • तस्य वाचकः प्रणवः (પતંજલિ યોગસૂત્ર-૨૭)

તે (ઈશ્વર) નો બોધક (ઓળખાવનાર શબ્દ)  છે -"પ્રણવ" એટલે કે-ॐ

મન જે "વિચાર" કરે છે,તે "વિચાર" પહેલાં (તેના ઉતરાર્ધ-રૂપે) એક "શબ્દ" હોય છે.
શબ્દ અને વિચારને,કોઈ મનુષ્ય,કોઈ પણ પૃથ્થકરણ દ્વારા છૂટા પાડી શકે નહિ.
કારણકે,એક જ વસ્તુના બાહ્ય ભાગને જો "શબ્દ" કહીએ તો અંદરનો ભાગ "વિચાર" છે.


થોડુંક આગળ વિચારવામાં આવે તો સમજાય છે કે-
"એક વિચાર" ની જોડે એ  "એક જ શબ્દ" હોવો આવશ્યક નથી.કારણકે -
દુનિયાના જુદા જુદા દેશોમાં વિચાર ભલે એક હોય,પણ દરેક દેશની ભાષા ને લીધે તે વિચારને
જુદા જુદા શબ્દ અને ઉચ્ચાર લાગુ પડવાના.
દરેક વિચારને વ્યક્ત કરવા એક શબ્દ હોવો જ જોઈએ.પણ માનો કે- "અ" શબ્દ છે તેનો
ઉચ્ચાર કે ધ્વનિ એક જ હોતો નથી. તે "અ" એ જુદા જુદા દેશોમાં જુદી જુદી રીતે બોલાય છે.

યોગસૂત્રના ભાષ્યકારો કહે છે કે-ભલે વિચાર-અને-શબ્દ વચ્ચેનો આ સંબંધ કુદરતી છે,તો પણ તેનો
અર્થ એ નથી કે-એક વિચાર અને એક શબ્દ સાથેનો ઉચ્ચાર સંબંધ અફર છે.(ઉચ્ચાર જુદા હોઈ શકે)

"ઈશ્વર" ને જો (ક્ષણભર)અહીં "વિચાર" સાથે સરખાવીએ તો-
આ "ઈશ્વર-વિચાર" એ "સેંકડો શબ્દો" સાથે જોડાયેલો છે.અને "દરેક શબ્દ" એ ઈશ્વરના "પ્રતિક-રૂપે" છે.
અને આ પ્રતિક-રૂપી શબ્દથી સૂચિત-વસ્તુ-ઈશ્વરને ઓળખવામાં આવે છે-
પણ આ સેંકડો "પ્રતિકો"માં કોઈ એક "સર્વ સામાન્ય પ્રતિક" હોવું જ જોઈએ-કે જેનાથી-
ઈશ્વર (સૂચિત-વસ્તુ) ને ઓળખાવવામાં આવે-અને તે -"સર્વ સામાન્ય પ્રતિક શબ્દ" છે -પ્રણવ- ॐ

કોઈ પણ ઉચ્ચાર,ગળામાં ના ધ્વનિ-યંત્ર (સ્વર-પેટી) અને
જીભ-તથા-તાળવા ના "ઉચ્ચાર-ફલક" ને આધારે થાય છે.

ॐ  (અ-ઊ-મ) એ સઘળા ઉચ્ચારો નો એક  આધાર છે,કે જેનો
પહેલો અક્ષર "અ" એ મૂળ ઉચ્ચાર છે,સર્વ ઉચ્ચારોની ચાવી રૂપ છે,
કે જેનો ઉચ્ચાર એ જીભ કે તાળવાના કોઈ પણ ભાગને અડ્યા વગર થાય છે.

બીજો અક્ષર  "ઊ" તાળવા (ઉચ્ચાર-ફલક) ના છેક મૂળમાંથી શરૂ થઇ અંત (છેડા) સુધી આળોટે છે,

અને ત્રીજો "મ" એ છેલ્લો અક્ષર હોઠ બંધ કરવાથી બોલાય છે.



આ રીતે ॐ એ આખી ઉચ્ચાર ક્રિયા ના પ્રતિનિધિ અને મૂળ ના જેવો છે.
અને એટલે ઈશ્વર નો "પ્રતિક શબ્દ" છે.