Sep 9, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-914

મંકિઋષિ કહે છે કે-અનેક પ્રકારના ભોગોની વાસનાઓ-રૂપી-દુર્ગંધને પોતાના અંગમાં ધારણ કરી રહેલી,અને
વિષયો-તરફ જવા જ ઉત્સુક એવી ઇન્દ્રિયો,જીવન જીવવાની સ્થિતિમાં,અનેક પાપ ઉપજાવનારી છે.
બુદ્ધિ પણ એવી જ કુટિલ છે.અજ્ઞાન-રૂપી-અંધકાર-વાળી તથા નિત્ય વહેતી "વિષય-ચિંતા" પરિશ્રમ આપે છે,
અને જીવન દરમિયાન બ્રહ્મજ્ઞાન-રૂપી-પ્રકાશને પ્રાપ્ત નહિ થતાં,
પોતાનું પરમ-પુરુષાર્થ-રૂપી-કાર્ય કરી શકાતું નથી અને તેથી જીવન નિષ્ફળ-રીતે ચાલ્યું જાય છે.

મારી આ તુષ્ણા,સુકાયેલી લતાની પેઠે જરા પણ "વિવેક-રૂપી-રસ"ને લઇ શકતી નથી.
જોકે વારંવાર નિષ્ફળ થવાથી તે (તુષ્ણા) નાશ પામેલી હોય,તેમ લાગે છે,
પરંતુ તે કદી નિર્મૂળ થતી નથી.કે ફળ-ફૂલ-વાળી પણ થતી નથી.
જે કોઈ નિત્ય-નૈમિત્તિક-આદિ કર્મો કરવામાં આવે છે,તે તો બીજા જન્મોમાં સંચિત કરેલા
અને દુષ્કર્મોના ઢગલાઓમાંથી થોડા ભાગને દૂર કરી પોતે પણ ક્ષીણ થઇ જાય છે.
વાસના-રૂપી-બીજ તો એક પછી એક,અનર્થ ઉત્પન્ન કરનારાં નિષિદ્ધ કર્મમાં જ પ્રવૃત્તિ કરાવે છે.

આખું જીવન સ્ત્રી,પુત્ર-મિત્ર-આદિ લોકોમાં આસક્તિ વડે જ પસાર થઇ ગયું,પણ,સંસાર-રૂપી સમુદ્ર તરી શકાયો નહિ.પ્રતિદિન ભય ઉત્પન્ન કરનારી ભોગોની આશા પ્રબળ થવા માંડી અને મેં લક્ષ્મી મેળવવા માટે અનેક ચિંતાઓ કરીને મોટોમોટી આપદાઓ સહન કરી છે.આ લક્ષ્મી,પણ વારંવાર લાલચમાં નાખી,છેતરીને અનેક પ્રકારના દુઃખો પેદા કરાવે-તેવી અતિ ક્રૂર છે.મારુ ચિત્ત આશાઓ-રૂપી અનેક તરંગોથી ડહોળાયેલું છે અને તે ચોતરફ દોડ્યા કરે છે,તો પણ કશા અર્થને પ્રાપ્ત થતું નથી.તે કદી તૃપ્ત થતું નથી અને મહા અભાગિયું છે.

એવા ચિત્તને હું પરવશ થઇ ગયો છું,અને કેવળ ઇન્દ્રિયોના વિષયમાં જ લંપટ થઈને રહ્યો છું,
તેથી વિવેકી પુરુષો મારી ઉપેક્ષા કરે છે.
તાત્વિક દૃષ્ટિએ  તો તે ચિત્ત મિથ્યા જ છે છતાં તે  મોટામોટા કર્મોનો આરંભ કરીને રહ્યું છે.
આ ચિત્ત પોતાની ચંચળતાને લીધે નિરંતર ભ્રમણ કર્યા કરે છે.
હું વારંવાર દેહ પડવાથી મરણ પામું છું,છતાં પણ મરણને નહિ પામેલું,અને ઇચ્છેલો પદાર્થ નહિ મળવાથી,
એ ચિત્ત તો કેવળ દુઃખ જ ઉપજાવવા માટે ચોતરફ દોડ્યા કરે છે.

મારી,અજ્ઞાન-રૂપી રાત્રિ હજી સુધી ઓસરી ગઈ નથી.વાસના-રૂપી રાત્રિનો ક્ષય કરી નાખે તેવો વિવેક-રૂપી સૂર્ય હજુ ઉદય પામ્યો નથી.દૃશ્ય-આદિ અવસ્તુને મેં વસ્તુ-રૂપે માનેલ છે.મારુ ચિત્ત મદોન્મત છે.ઇન્દ્રિયો મારા કલેજાને કોતરી ખાય છે.આગળ પર મારી શું ગતિ થશે એ મારા જાણવામાં આવતું નથી.હું અતિ દારુણ મહામોહમાં ડૂબી ગયેલ છું,તો,આ મહામોહ ને તરી  જવાને અને ઉત્તર (પછીના)કાળમાં મોક્ષ મેળવવા માટે મારે જે કૈં કરવા લાયક હોય,તેના માટે આપને હું પૂછું છું.તો હે મહારાજ આપ કૃપા કરીને મને કહો.

હે મહારાજ,જયારે કોઈ વિવેક-આદિ શુભ ગુણવાળા મહાત્મા ગુરુ મળી જાય ત્યારે શિષ્યનું મોહ-રૂપી ઝાકળ શમી જાય છે,અને સર્વ મનોરથો રાગ-દ્વેષ-આદિ મેલથી રહિત થઇ નિર્મળ  થઇ જાય છે.
એવી જે લોકમાં પ્રસિદ્ધ વાત છે,તે મુજબ આપ મને સંસારની નિવૃત્તિ કરવાનો બોધ આપી અને
મારુ કાર્ય સિદ્ધ કરી આપો.હું આપના શરણે આવ્યો છું.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE