અને અનેક કાર્યોના આરંભ-વાળાં તથા દિશાઓના અંત સુધી રહેનારાં મનુષ્યો વડે સંપૂર્ણ રીતે ભરેલાં છે,
છતાં,પણ તે જગતો, તે,ચપળ જળની અંદર પડેલા પ્રતિબિંબની જેમ ક્ષણ-ભંગુર માત્ર જ છે.
તેઓ (તે જગતો) અધિષ્ઠાન-સત્તાને લીધે જ ટકી રહે છે,પણ તે ભાવ-વિકાર-વાળાં હોવાથી ક્ષણ-ભંગુર છે.તે જગતો જુદાં જુદાં રહ્યા છતાં,અધિષ્ઠાન-ચૈતન્ય-રૂપે તો,એકબીજાને મળતાં આવે છે,
(૧૯) સમષ્ટિ-વ્યષ્ટિ દેહની કલ્પના અને ભોગોનું વર્ણન
રામ કહે છે કે-હે મુનિ,જીવનું જે કંઈ સ્વરૂપ છે,જે રીતે તે સ્થૂળ-શરીર આકૃતિને કરે છે,
જે રીતે પરમાત્માને પ્રાપ્ત થાય છે,અને જે રીતે બહારના વ્યવહાર કરે છે-તે વિષે આપ કહો.
વસિષ્ઠ કહે છે કે-તે બ્રહ્મ,અનંત-ચિદાકાશ-રૂપે જ છે,પણ તે પોતાના સંકલ્પ વડે,
પોતાનાથી જ સત્તા-વાળી-એવી સૂક્ષ્મ-શરીર-રૂપી-ઉપાધિમાં પ્રવેશ કરે છે,અને તે ઉપાધિને ટકાવી
રાખનાર "પ્રાણ"નો પોતે "આધાર" હોવાથી,તે (જીવ -કે) "સમષ્ટિ જીવ" તરીકે ઓળખાય છે.
તે ચેતન-રૂપ છે તેથી તેને "ચિદરૂપ" એવું બીજું (કલ્પિત) "નામ-રૂપ" પણ આપવામાં આવે છે.
આ "સમષ્ટિ-જીવ"નું વાસ્તવ સ્વરૂપ જોઈએ તો-તે પરમાણુ-રૂપ પણ નથી,સ્થૂળ-રૂપ પણ નથી,અને
સાવ-શૂન્ય-એવું-આકાશ-રૂપ પણ નથી,વળી તે આકશની અંદર રહેલા કોઈ પદાર્થ-રૂપ પણ નથી,
એ તો કેવળ ચૈતન્ય-માત્ર છે.પોતાના "અનુભવ-રૂપ" છે અને સર્વત્ર વ્યાપેલું છે.
આવો "સમષ્ટિ-જીવ" અતિ-અણુ પદાર્થના કરતાં પણ અતિ-અણુ છે.અને અતિ-સૂક્ષ્મ પદાર્થના કરતાં પણ અતિ-સૂક્ષ્મ છે.ખરી રીતે તે દૃશ્ય-વર્ગમાં-કે-કશા ય રૂપ નથી,છતાં તે સર્વ-રૂપ થઇ રહેલ છે.
તત્વજ્ઞ પુરુષો એને "સમષ્ટિ-જીવ-રૂપે" કહે છે.
એ સમષ્ટિ જીવ,જે જે પદાર્થનું,જે કંઈ અસાધારણ-રૂપ (જાતિ,ગુણ,આકૃતિ-વગેરે) છે,
તે તે રૂપે તે તે પદાર્થની અંદર રહેલ છે.વારંવાર તેનો તે પદાર્થ જોવામાં આવતાં,તેની તે જ આકૃતિની જ
પ્રતીતિ થવાથી,કેમ જાણે પોતે (સમષ્ટિ-જીવ) તે રૂપે જ થઇ ગયેલ હોય,તે રીતે ભાસે છે,એમ તમે સમજો.
હે રામચંદ્રજી,એ સમષ્ટિ જીવ,પોતાના "સત્ય-સંકલ્પ-પણા"ને લીધે,જ્યાં જ્યાં જેવી કલ્પના કરે છે,
ત્યાં ત્યાં -તેવી જ રીતે થઇ જાય છે અને તેવી જ રીતે સર્વના અનુભવમાં આવે છે.
જેમ પવનમાં "ચલન-શક્તિ" રહેલી છે,તેમ સમષ્ટિ-જીવમાં આ વિચિત્ર "ચેતનાત્મક સૃષ્ટિ" રહેલી છે.
એ સૃષ્ટિ માત્ર પોતાના "અનુભવથી જ સિદ્ધ અને સ્વાભાવિક" છે.
નાના બાળકને "હાઉ"ની બીક બતાવતાં,તેને તે વાતોના સંસ્કાર લાગી જાય છે,
પણ,સમષ્ટિ-જીવની કથા-તેવી રીતની (ઉપદેશ-સાધ્ય) નથી,તે તો "સ્વયં-સિદ્ધ" છે.
આથી એનો (એના સ્વરૂપનો) અમે ઉપદેશ કરતા નથી.