તે તે વિકલ્પ અનુસાર,તેનું સાક્ષી-ચૈતન્ય જ તેવા વિવર્ત-રૂપે થઇ જાય છે.
હકીકતમાં તો મન,પોતે સ્વભાવે જડ હોવાથી,તેની અંદર "સંકલ્પ થવો" એમ સંભવતું નથી,પણ,
એ જડ મન (ચિત્ત)માં ચેતન-તત્વની સત્તા વડે જ વિચિત્ર "સંકલ્પો" થવાનું સામર્થ્ય રહેલું છે,
અજ્ઞાની જીવના ચિત્તમાં,જે જે વિકલ્પો (જીવ-જગત-વગેરે) ની વિચિત્ર શોભા ઉદય પામે છે,
તે સર્વ,ચિદાકાશના અનંત-પણા અને સર્વ-વ્યાપી-પણાને લીધે,ચેતન-સત્તાનો વિવર્ત હોવાથી,સત્ય નથી.
એટલે જયારે નિર્વિકાર શુદ્ધ તત્વનું વાસ્તવ-સ્વરૂપ જાણવામાં આવે છે,ત્યારે,કશું ઉદય પામેલું જણાતું જ નથી.
સર્વ સંકલ્પની કલ્પનાઓ મિથ્યા છતાં,સત્ય જેવી ભાસે છે,એ વાત નિર્વિવાદ છે,પણ,
જેમ,સ્વપ્નમાં પોતાની અંદર સત્ય-પણે અનુભવમાં આવેલો પદાર્થ,તે પછી જાગી જતાં કોઈને મળી શકતો નથી,
તેમ,તે સત્ય લાગતી સંકલ્પની કલ્પનાઓ મિથ્યા જ સાબિત થયેલી છે.
૧-જાગ્રત અને સ્વપ્ન અવસ્થા-'કે જે સંકલ્પમય છે-તે',અને
૨-સુષુપ્તિ-અવસ્થા,'કે જે વાસના-માત્ર જ સંસ્કાર-રૂપે,જેમાં શેષ રહેલી હોય છે- તે' તથા,
૩-જીવ- 'કે જે એ સર્વમાં ચૈતન્ય-રૂપે-પ્રતિબિંબવાળો થઇ રહેલો છે અને સર્વનો ભોકતા છે-તે'
આ ત્રણે પદાર્થો,સત્ય-કૂટસ્થ ચૈતન્યે પોતાના સ્વરૂપની અંદર ચિત્રની જેમ આલેખેલા છે.
અને-આવો ચિત્રના જેવો દેખાતો આ સંસાર,સાવ અસત્ય છતાં
અધિષ્ઠાન-સત્તાને લીધે સત્યના જેવો અનુભવમાં આવે છે.
પરંતુ જીવને જ (આ સંસાર-કે-જગત-કે-જગતના પદાર્થો) અનુભવમાં આવવાથી,અને,
અધિષ્ઠાન-ચૈતન્ય કે ખરેખર સત્ય છે,તેને આરોપિત સંસારની સત્તાનો સ્પર્શ નહિ થવાથી-આ સંસાર મિથ્યા જ છે.
ત્રણે કાળમાં નાશ ના પામનાર,સત્ય બ્રહ્મ-પરમ-તત્વ (ચૈતન્ય)નું જ્ઞાન થવાથી,
સૂક્ષ્મ-દેહ સહિત,એક માત્ર પોતાનું અજ્ઞાન જ દૂર થઇ જાય,એટલે પૂર્ણ-પણા-રૂપી વિકાસને પ્રાપ્ત થયેલો,
પોતાનો આત્મા જ નિત્ય-મુક્ત અને પર-બ્રહ્મ-રૂપ છે-તેમ સમજાય છે.
અજ્ઞાન દૃષ્ટિએ જોતાં,જગતો વાયુઓ વડે ખેંચાય છે,અને પરમ-અર્થની દૃષ્ટિએ જોતાં,તે ખેંચાતાં નથી.
કેમ કે તે સંકલ્પમય હોવાથી ખરી રીતે તો છે જ નહિ.
આમ,પ્રત્યગાત્મા (ઈશ્વર) કે જે બરાબર નહિ ઓળખાયાથી,સર્વ પદાર્થોના ખજાના-રૂપ થઇ રહેલ છે,
પણ,તે સર્વત્ર ફેલાઈ રહેલા શૂન્ય આકાશના જેવો છે,અને તેની અંદર અવિદ્યાથી અનંત જગતો રહેલાં છે.
તે જગતોમાંના,કેટલાંક તો પરસ્પરને મળતાં આવે છે,તો કેટલાંક પરસ્પરને મળતાં આવતાં નથી.