વસિષ્ઠ કહે છે કે-હું ઊંચા હાથ કરીને પોકારું છું,કે "સંકલ્પ ના ઉઠવા તે પરમ કલ્યાણ-રૂપ છે" તેને શા માટે લોકો અંદર દૃઢ રીતે ધારણ કરતા નથી? મારી વાત કોઈ સાંભળતું જ નથી.
અહો,"મોહ"નો મહિમા કેટલો બળવાન છે! કે સર્વ દુઃખોની નિવૃત્તિ કરવા-વાળો "વિચાર" નામનો ચિંતામણિ,હૃદયમાં રહ્યા છતાં,મનુષ્યો તેનો ત્યાગ કરે છે ! "સંકલ્પ ના ઉઠવો" એટલે "ચિત્તમાં કોઈ જ જાતની વૃત્તિને સ્ફૂરવા ના દેવી" તેટલું જ માત્ર પરમ-કલ્યાણકારક છે,માટે,એનો અનુભવ તમે જાતે જ કરી લો.
હે રામચંદ્રજી,સંકલ્પ-રહિત સ્થિતિમાં રહેવાથી એવું ઉત્કૃષ્ટ પરમપદ પ્રાપ્ત થાય છે કે-જ્યાં મોટું રાજ્ય પણ તણખલા માત્ર જેવું હલકું લાગે છે.માત્ર જવાના (પહોંચવાના) પ્રદેશ તરફ લક્ષ્ય રાખનારા,મુસાફરના પગની જેમ,સંકલ્પ વિના સ્વાભાવિક રીતે જ જે પ્રક્રિયા થયા કરે છે,તે પ્રમાણે તમે પોતાનાં કૃત્યોમાં ઉઠતા સંકલ્પોને છોડી દઈને આવી પડેલું કામ પૂરું કરો.સુતેલા મનુષ્યની જેમ,સર્વ કર્મ-માત્રના ફળની તૃષ્ણાને છોડી દઈ આવી પડેલાં કાર્યોમાં સંકલ્પ વિના જ તમે તે કાર્યો (કાર્યોની ચેષ્ટા) કરો.
જેમ,જડ એવું કોમળ ઘાસ (જે પોતાની મેળે ગતિ ના કરી શકે પણ) વાયુના પ્રવાહમાં તણાઈને તે પોતે ગતિ કરતું હોય તેવું લાગે છે,તેમ,તમે પણ આવી પડેલાં કાર્યોમાં સંકલ્પ વિના અને સુખ-દુઃખની ભાવના વિના જ પ્રવૃત્તિ કરો.
જેમ,ઉનાળામાં સૂકાયેલી વેલો,જેમ કહેવા પૂરતી જ દેખાય છે,
તેમ તમારી ઇન્દ્રિયોને,તેમના વિષયો (સુકાયેલ વેલો જેવા) રસ વિનાના (માત્ર દેખાવ પૂરતા જ) લાગવા જોઈએ.
"અન્નમય આદિ પાંચ કોશો સાથેની ચિદાભાસની સત્તા" કે જેનો વાસના-રૂપી-રસ,જ્ઞાન-રૂપી-સૂર્યે ખેંચી લીધો છે,તે વડે,તમે ચેષ્ટા (કે કર્મો) કરતા રહી (એટલે કે અંદર વાસના-રહિત થઇ) "યંત્ર"ની ચેષ્ટાના જેવા,
સંકલ્પ-રહિત-ચેષ્ટા કરનારા થઈને રહો.
જેમ,શિયાળામાં વૃક્ષો,બહારનું જળ ના મળવાથી પોતાના અંદરના રસથી જ પોતાનો નિભાવ કરે છે,
તેમ,જો કે ઇન્દ્રિયો પોતાના સ્વભાવથી જ બહારના રસ લેવામાં પ્રેરાતી હોવા છતાં,તે ઇન્દ્રિયોને રોકી રાખી,
તેને આત્માકારે બનાવી દઈ તેનું ધારણ કરો.(એટલે કે આત્માથી તે ઇન્દ્રિયોનો નિભાવ કરો)
તમે કર્મ કરો કે ના કરો,પરંતુ જ્યાં સુધી તમારી ઇન્દ્રિયોની વૃત્તિઓ વિષય-રસમાં વાસના-વાળી હશે,
ત્યાં સુધી,આ સંસારના જન્મ-મરણ-વગેરે અનર્થોનો સાથ કદીપણ છૂટવાનો નથી.
જેમ,પવન,અગ્નિની જવાળા,યંત્ર અને પાણી -એ કોઈ વિચાર વિના જ આપોઆપ ગતિ કરે છે,
તેમ તમે પણ સંકલ્પ-રહિત થઈને કર્મ કરતા રહેશો,તો અંત-રહિત મોક્ષ-રૂપ-પરમ-કલ્યાણને મેળવવા સમર્થ થશો.વાસના વિના કર્મો કરવા,એ જ પરમ ધૈર્ય કહેવાય છે.અને એ જ જન્મ-રૂપી તાપને દૂર કરનાર છે.
આમ વાસના અને સંકલ્પથી રહિત થઇ,આવી પડેલા સંજોગો સ્વીકારી લઇ,તમે કર્મોમાં પ્રવૃત્તિ રાખો.
તમે કર્મના ફળની ઈચ્છા રાખો નહિ,અને કર્મનો ત્યાગ કરવાથી "અમુક ફળ મળવાનું છે" એવી ઈચ્છા પણ રાખો નહિ.એ આસક્તિ અથવા ફળની ઈચ્છાને છોડી દઈ,"કર્મ કરવા કે તેનો ત્યાગ કરવો"-એ બંને વાતનો તમે
"કાં તો અંગીકાર કરો- કે ત્યાગ કરો" -કારણકે તે બંને સરખું જ છે.અહી વિશેષ કહેવાની કોઈ જરૂર નથી.