Jul 9, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-547-Chapter-6-Nirvaan Prakaran-Purvardh

(૧) દૈનિક વ્યવહારનું વર્ણન
વાલ્મીકિ કહે છે કે-ઉપશમ-પ્રકરણ પછીનું હવે,આ નિર્વાણ-પ્રકરણ તમે સાંભળો.કે જે પ્રકરણ જાણવાથી મુક્તિ મળે છે.

સભાની અંદર વસિષ્ઠ મુનિ (અત્યાર સુધીનાં આગળ મુજબનાં પાંચ પ્રકરણ) કહેતા હતા અને શ્રીરામચંદ્રજી મૌન ધરીને એક ચિત્તથી સાંભળતા હતા.દશરથ રાજા અને સભાના લોકો પણ,વસિષ્ઠ મુનિની વાણીના અર્થમાં તલ્લીન થઈને,મન અને શરીરના વ્યાપારો ભૂલી ગયા હતા,જેથી તેઓ ચિત્રમાં આલેખાયેલા જેવા સ્થિર જેવા જણાતા હતા.

તેવે વખતે સૂર્ય અસ્તાચળ તરફ ઢળવાથી શાંત લાગતો હતો,અને તે જાણે જ્ઞાનથી -હૃદયમાં કંઇક ઉપશમ પામ્યો હોય તેવો દેખાતો હતો.પુષ્પો ના સમુહને હલાવનાર પવન જાણે શ્રવણ પછી મનનને માટે શાંત થવા લાગ્યો હોય,એમ જણાવા લાગ્યું.સૂર્યાસ્ત થવાની તૈયારી થતાં,દશરથ રાજાની સઘળી સભા,ઉઠવાને માટે ચંચલ થતાં,વસિષ્ઠ મુનિએ,મધુર વિચારવાળા વિષયનો ઉપસંહાર કરતાં રામચંદ્રજી ને કહ્યું.

વસિષ્ઠ કહે છે કે-હે રામ,મારા આ આખ્યાનના જ્ઞાન વડે,તમે તમારા ચિત્ત-રૂપી-પક્ષીને બાંધીને,
હૃદયમાં રોકીને,આત્મા-રૂપ બનાવી દો.હંસ જેમ, પાણીને ત્યજી દઈને દુધને ગ્રહણ કરે છે-
તેમ તમે અવળી સમજણને ત્યજી દઈને,મારી વાણીના અક્ષય અર્થનું ગ્રહણ કર્યું છે ને?

હે રામ,તમે પોતાની બુદ્ધિથી વારંવાર સંપૂર્ણ વિચાર કરીને,હવે (મારા કહેલા) આ રસ્તે જ ચાલવું.
મારા કહેલા વિચારોને અનુસરીને જ વ્યવહાર કર્યા કરશો તો તમે સંસારમાં બંધાશો નહિ.
નહિ તો તમે મોહ-રૂપી ખાડામાં પડશો.
મારા કહેલા મુજબ "આવી પડેલો વ્યવહાર અસંગ-પણાથી કરવો"
એ શાસ્ત્રીય સિદ્ધાંતને હૃદયમાં રાખીને,અખંડ આત્મ-બોધવાળા થાઓ.

હે મહારાજ દશરથ અને સભાસદો,આજનો દિવસ પૂરો થવા આવ્યો છે,હવે પછી જે વિચારવાનું છે-તે
આવતી કાલે પ્રાતઃકાળે સાથે મળીને વિચારીશું.

વાલ્મિકી કહે છે કે-એ પ્રમાણે વસિષ્ઠ મુનિએ આજ્ઞા કરતાં,સર્વ સભા ઉઠી,વસિષ્ઠ મુનિને પ્રણામ કરી,
તેમની પ્રશંસા કરીને -સર્વે લોકો પોતાના નિવાસસ્થાન તરફ ગયા.
અને તે રાતે,સર્વે પોતાની બુદ્ધિને એકાગ્ર કરીને વસિષ્ઠ મુનિએ કહેલા બોધનું મનન કરવા લાગ્યા.
રામ,લક્ષ્મણ અને શત્રુઘ્ને પણ ત્રણ પહોર સુધી મનન કર્યું અને અર્ધા પહોર સુધી ઉત્તમ સ્વપ્નો-વાળી
નિંદ્રા લીધી કે જેનાથી ક્ષણ માત્રમાં તેમનો પરિશ્રમ દુર થઇ ગયો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE