ઉપશમ (નિવૃત્તિ) પ્રકરણ
(૧) મધ્યાહ્નનો શંખનાદ અને આહનિક (દૈનિક) કર્મો નું વર્ણન
(૧) મધ્યાહ્નનો શંખનાદ અને આહનિક (દૈનિક) કર્મો નું વર્ણન
વાલ્મીકિ કહે (લખે) છે કે-વસિષ્ઠ મુનિ આ પ્રમાણે પરમ સુખ આપનારો ઉપદેશનો પ્રવાહ ચલાવતા હતા,ત્યારે સઘળી સભા નિશ્ચળ થઇ ગઈ હતી.સભાની અંદર સઘળા રાજાઓ-મંત્રીઓ શ્રવણની ઇચ્છાથી મૌન ધારણ કરીને સ્થિર થયેલા દેખાતા હતા.ચામળ (પંખો) ઢોળનારી સુંદરીઓ પણ તેમના અંતઃકરણ માં વધારે ને વધારે શાંતિ પામતી જતી હતી.વિચારની પદ્ધતિને જાણનારા રાજાઓ પોતપોતાના નાકની અણીઓ ઉપર તર્જની-આંગળીની અણીઓ ધરીને જ્ઞાનના વિષયનો વિચાર કરતા હતા.
જેમ,સૂર્યનો ઉદય થતાં આકાશ અંધકાર છોડી દે છે,તેમ ઉપદેશનો ઉદય થતાં રામે અજ્ઞાન છોડી દીધું હતું.
અને તે પ્રભાત-કાળ ના કમળની જેમ પ્રફુલ્લિત થયા હતા.
જેમ,મોર,વૃષ્ટિથી ભીંજાઈને,મેઘની ગર્જના સાંભળ્યા કરે,
તેમ,દશરથ રાજા પ્રેમથી ભીંજાઈને વસિષ્ઠ-મુનિની વાતો (ઉપદેશ) સાંભળતા હતા.
"સારણ" નામનો મંત્રી,
વાંદરા જેવા પોતાના મન ને યત્ન-પૂર્વક સર્વ ભોગમાંથી પાછું વાળીને ઉપદેશનું શ્રવણ કરતો હતો.
ચંદ્રની કળા જેવા નિર્મળ અને વિચારની પદ્ધતિમાં ભારે વિચક્ષણતા ધરાવતા,લક્ષ્મણજી,
વસિષ્ઠનાં વચનોથી, "આત્મ-તત્વ પોતાના જાણવામાં આવતાં" હૃદયમાં તેનો અનુભવ કરવા લાગ્યા હતા.
શત્રુઓને હણનારા શત્રુઘ્ન ચિત્તથી પૂર્ણ થઈને અત્યંત આનંદ પામીને,પૂર્ણિમા ના ચંદ્રની જેમ શોભતા હતા.
"સુમિત્ર" નામનો મંત્રી,
ઘણી ખટપટોના અભ્યાસ-વાળું પોતાનું મન,"ઉપદેશના બળથી પોતાને વશ થતાં"
ઘણી ખટપટોના અભ્યાસ-વાળું પોતાનું મન,"ઉપદેશના બળથી પોતાને વશ થતાં"
પ્રભાત-કાળના કમળની પેઠે,અત્યંત પ્રફુલ્લિત હૃદય-વાળો થઇ ગયો હતો.
તે સભામાં બેઠેલા બીજા લોકો,બીજા રાજાઓ,મુનિઓ,અને સર્વ લોકો,
પોતાના ચિત્ત-રૂપી રત્નો સારી પેઠે ધોવાયાને લીધે,પ્રફુલ્લિત જેવા થઇ ગયા હતા.
ત્યારે મધ્યાહ્ન-કાળ ને સમયે,સમયને સૂચવનારો શંખો નો નાદ ઉઠ્યો.
કે જે શંખોના નાદ થી વસિષ્ઠ ની વાણી જાણે ઢંકાઈ ગઈ,અને વસિષ્ઠે ત્યારે પોતાના વ્યાખ્યાનને વિરામ આપ્યો.
અને વસિષ્ઠે શ્રીરામને કહ્યું કે-હે,રામ,આજ તો આટલે સુધી જ વ્યાખ્યાન કહેવાનું હતું,તે કહ્યું,
હવે બીજું જે કહેવાનું છે તે સવારે કહીશ.
મધ્યાહ્ન-કાળમાં બ્રાહ્મણો ને સ્નાન-સંધ્યાદિક જે કર્મો,શાસ્ત્ર ના નિયમથી પ્રાપ્ત થયા છે-
તેથી તે (કર્મો કરવાનો) સમય ગુમાવવો યોગ્ય નથી.એટલા માટે મારે તે કર્મો કરવાનો સમય થયો છે.
તમે પણ ઉઠો અને આચારથી પ્રાપ્ત થયેલી,સ્નાન-દાન-દેવાર્ચન-વગેરે શુભ ક્રિયાઓ કરો.
વસિષ્ઠે જયારે આ પ્રમાણે કહ્યું ત્યારે સર્વ સભા ત્યાંથી ઉઠીને,પોતપોતાને સ્થાનકે ગઈ,
અને પોતપોતાની દૈનિક કર્મો (ક્રિયાઓ) કરવામાં લાગી ગયા.