Oct 6, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-303



હે,રામ,જેમ દામ-વ્યાલ-કટ નું ચિત્ત દેહાત્મ-ભાવમાં પરિણામ પામ્યું હતું,
તેમ તમારું ચિત્ત દેહાત્મ-ભાવમાં  પરિણામ ના પામો.પણ,
જેમ,ભીમ-ભાસ-દૃઢ નું ચિત્ત બ્રહ્માત્મભાવમાં  પરિણામ પામ્યું હતું,
તેમ,તમારું ચિત્ત અવિચળ બ્રહ્માત્મ-ભાવમાં  પરિણામ પામો.

હે,રામ,મારા પિતા.બ્રહ્માએ મને પૂર્વે કહ્યું હતું કે-"તમે દામ-વ્યાલ-કટ ની પદ્ધતિ ને પ્રાપ્ત ના થાઓ"
તમે અત્યંત બુદ્ધિમાન શિષ્ય છે,એટલે મારા પિતાની વાત જ હું તમને કહું છું .અને એ પ્રમાણે,
હે,રામ, તમે પણ  સર્વદા,ભીમ-ભાસ-દૃઢની પદ્ધતિને જ ધારણ કરજો.
એ પ્રમાણે વ્યવહાર કરવાથી,વ્યવહારોમાં આસક્તિ થતી નથી,અને તેથી તત્વ-બોધ-રૂપ ઐશ્વર્યની પ્રાપ્તિ
થાય છે,ત્યારે,અપાર સુખ-દુઃખોની સાંકળો-વાળી અને અનેક જન્મો માં તાપ આપવાને સારું જ પ્રાપ્ત થયેલી
એવી આ "સંસારની પદવી" નો પોતાના મૂળ અજ્ઞાન સહિત સમૂળો નાશ થઇ જાય છે.

(૩૫) વાસના-ત્યાગનું નિરૂપણ

વસિષ્ઠ કહે છે કે-હે,રામ, જે સાધુ પુરુષોએ "અવિદ્યાથી થનારા પ્રબળ વિલાસો થી વિષયોમાં પ્રવૃત્ત થનારા"
પોતાના "મન" ને જીત્યું છે,તેમણે "મહા-શૂરવીર" સમજવા.
આ સંસાર દુઃખ-રૂપ છે ને સઘળા ઉપદ્રવ આપનારો છે,તેને ટાળવા માટે મનનો નિગ્રહ કરવો એ જ ઉપાય છે.
હવે હું જ્ઞાન નું સર્વ તત્વ કહું છું તે તમે સાંભળો,અને તે સાંભળ્યા પછી તેને મનમાં ઘૂંટી રાખો.

ભોગ ની "ઈચ્છા" એ જ બંધન છે અને "ઈચ્છાનો ત્યાગ" એ જ મોક્ષ છે એમ કહેવાય છે.
હે,રામ, બીજાં શાસ્ત્રોની રચનાઓ જોવાનું કોઈ પ્રયોજન નથી.પણ,તમે માત્ર એટલું જ કરો કે-
જે આ સંસારમાં જે મીઠું (વિષયો મીઠા લાગે છે) લાગે છે તેને ઝેર જેવું કે અગ્નિ જેવું સમજો.
વિષયોનો ત્યાગ કરવો બહુ કઠિન છે,તો પણ વારંવાર વિચાર કરીને વિષયો નો ત્યાગ જ કરવો જોઈએ.
જેમ,કાંટા-વાળા ઝાડના બીજ થી પથરાયેલી પૃથ્વી.કાંટા-વાળા ઝાડોને જ ઉત્પન્ન કરે છે,
તેમ,વાસનાથી ઘેરાયેલી બુદ્ધિ,રાગ-દ્વેષ-વગેરે જેવા,ઘણા-ઘણા દોષોને ઉત્પન્ન કરે છે.

જેનામાં વાસનાઓની જાળ લાગી ના હોય,અને જેમને રાગ-દ્વેષ આદિએ વશ કર્યા ના હોય,તેવી બુદ્ધિવાળા,મનુષ્યો,ચંચળ-પણાથી રહિત થઈને ધીરે ધીરે શાંતિ-પણાને પ્રાપ્ત થાય છે.અને તેઓ,
મોક્ષ-રૂપ- ફળ આપનારા,સમાધિ-વગેરે-જેવા  શુભ અંકુરો ને સર્વદા ઉત્પન્ન કર્યા કરે છે.

જયારે,
--દયા-ક્ષમા વગેરે સદગુણો ના અનુસંધાનથી-પ્રસન્નતા પ્રાપ્ત થાય છે,
--ખોટી સમજણ-રૂપ-ગાઢ-મેઘ ધીરે ધીરે શાંત થાય છે,અને સૌજન્ય (સાચી સમજ) વૃદ્ધિ પામે છે,
--આકાશમાં પ્રસરતા સુર્યના તેજની જેમ,જયારે હૃદયમાં પવિત્ર વિવેક ફેલાય છે,
--માછલાંમાં થતા મોતીની વૃદ્ધિ ની જેમ ચિત્તમાં જયારે ધીરજ વૃદ્ધિ પામે છે,
--અંદર આત્મ-સુખ ની સારી સ્થિતિ પેદા થઇ જયારે મનુષ્ય કૃતાર્થ થાય છે,
--શીતલ છાયા-વાળું,સત્સંગ-રૂપી વૃક્ષ ફલિત થાય છે,અને-
--આનંદ-રૂપ રસથી ભરેલું,સમાધિ-રૂપી આનંદનું અખંડ ઝરણું અંતરમાં વહે છે,

ત્યારે,
મનમાંથી સુખ-દુઃખ તથા કામ-ક્રોધ-આદિ દ્વંદ્વો ટળી જાય છે,વાસના જતી રહે છે,
ઉપદ્રવો નાશ પામે છે,અને ચપળતા,અનર્થ,શોક,મોહ તથા ભય-રૂપ રોગો શાંત થઇ જાય છે.
ત્યારે,શાસ્ત્રો ના અર્થો સંબંધી સંદેહો ક્ષીણ થઇ જાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE