ત્યાં સુધી સંસારનો ત્યાગ કરવાના સમયે,
મન ને (સ્નેહ કે આસક્તિ-લોભ વગેરે ને લીધે) અતિશય દુઃખ (પરિતાપ) થાય છે.
પણ જેમણે હાસ્ય કર્યું- એમ જે કહ્યું --તેમને મારા જ્ઞાન વડે વિવેક ની પ્રાપ્તિ થઇ,
તેથી તેમના મનમાં સંતોષ-થઈને આનંદ થયો છે તેમ સમજવું.
વિવેક ની પ્રાપ્તિ થયા પછી જેણે “સંસાર ની સ્થિતિ” નો ત્યાગ કર્યો છે,
એવા મન ને પોતાના શરીર નો ત્યાગ કરતી વખતે આનંદ ની અભિવૃદ્ધિ થાય છે.
અને તેવો (વિવેકી) મનુષ્ય પોતાના અંગો તરફ દૃષ્ટિ કરીને હાસ્ય કરે છે -એમ જે કહ્યું-
તે એ બતાવે છે કે-તે એવો વિચાર કરે છે કે-“અહો,આ મારા અંગો જ મને છેતરવાનું સાધન છે,
અને મિથ્યા વિકલ્પથી રચાયેલા અંગો વડે હું ઘણી વાર છેતરાયો.”
એટલે કે-વિવેક પ્રાપ્ત થયા પછી,પરમ-પદમાં વિશ્રાંતિ પામેલું,મન -
પહેલાંની “દીનતા ના આધાર-રૂપ-પદાર્થ” (એટલે કે શરીર) ને દુરથી હાસ્ય કરતાં કરતાં જુએ છે.
“મેં તેને (તે ભટકતા પુરુષ -મન ને) માર્ગ માં રોકીને પ્રયત્ન થી પ્રશ્ન કર્યો”-એમ જે કહ્યું-
તે એ બતાવે છે કે-“વિવેક (વશિષ્ઠ) એ પ્રયત્ન થી મન ને રોકે છે”
અને “મારી સામે તેનાં અંગો તૂટીને અંતર્ધાન થઇ ગયા” તે એ બતાવે છે કે-
વિવેક ને લીધે મન નો નાશ થતી વખતે અર્થ ની અનેક પ્રકારની આશાઓ નો નાશ થાય છે,
“તે પુરુષને હજાર નેત્ર અને હજાર હાથ હતા” એમ જે કહેલું છે-તે ઉપરથી-
તે મન ને અનંત આકૃતિ-પણું છે-એમ સમજવાનું છે.
“પુરુષ પોતાની મેળે જ પોતાના પર પ્રહાર કરતો હતો” એમ જે કહેલું છે-તે ઉપરથી-
મન અનેક પ્રકાર ની કુ-કલ્પનાઓ કરીને પોતાના શરીર ને પ્રહાર કરે છે તેમ સમજવાનું છે.
“તે પુરુષ પોતાના પર પ્રહાર કરીને ચારે બાજુ દોડતો હતો” એમ જે કહેલું છે-તેના ઉપરથી-
મનુષ્ય નું મન પોતાની વાસના-રૂપ પ્રહારથી તે વાસના અનુસાર દોડ્યા કરે છે-એમ સમજવાનું છે.
મન પોતાની મેળે જ પોતાને પ્રહાર કરે છે અને ચારે તરફ દોડાદોડ કરે છે !!
જુઓ,અજ્ઞાન (અવિદ્યા-માયા) નું આ કેવું કૌતુક છે!!
પોતાની વાસનાથી તાપ પામેલાં મન સ્વેચ્છાથી પલાયન વૃત્તિ થી દોડાદોડી કરી મૂકે છે.
આ જગતમાં જે દુઃખ નો વિસ્તાર થયો છે તે મન ને લીધે જ છે.અને મન પોતે ખેદ પામી,
પોતાને જ મારીને,ઘવાઈને - ચારે બાજુ દોડ્યા કરે છે.
જેવી રીતે કોશેટો પોતાની લાળ-રૂપી જાળ થી પોતાને જ બંધન કરે છે,
તેવી રીતે મન,પોતાની સંકલ્પિત વાસના-રૂપી જાળ થી પોતાને બંધનમાં નાખે છે.
જેમ,બાળક રમત કરવા સમયે,પાછળ થી પોતાને જ દુઃખ થાય તેવી રમત અજ્ઞાનથી રમે છે,
તેમ,મન,પોતે ભવિષ્યના દુઃખ નો વિચાર કર્યા વગર,પાછળ થી અનર્થ થાય તેવી ક્રીડા પણ કરે છે.
એટલે લાંબો સમય સુધી આત્મ-વિચાર કરીને યોગાભ્યાસ થી મન ને વશ કરી લેવું.
કે જેથી શોક કરવાનો વખત આવે નહિ.
મન ના પ્રમાદ (આળસ) થી દુઃખના પહાડ વધે છે.પણ,
જેમ સૂર્યોદય થી હિમ (બરફ) નો નાશ થાય છે,તેમ,મન ને વશ રાખવાથી દુઃખનો નાશ થાય છે.
જે મનુષ્ય નું મન,વાસનાઓ વડે સંસારના રાગ (આસક્તિ) માં રમ્યા કરે છે,તે જ
મનુષ્ય નું મન પાછળથી,તત્વ-જ્ઞાન ને લીધે પરમ પવિત્ર થાય છે. (થઇ શકે છે) અને
જન્મ-મરણ થી રહિત,એવા પરમ-પદને પ્રાપ્ત થાય છે.ત્યારે તેને મહા-આપત્તિમાં પણ શોક થતો નથી.