વશિષ્ઠ કહે છે કે-હે રાઘવ,આ પ્રત્યક્ષ જણાતું જગત એ કેવી રીતે મનોમાત્ર છે? એ પ્રશ્ન મેં બ્રહ્માને પૂછ્યો હતો,અને તેનો તેમણે મને જે ઉત્તર આપ્યો હતો તે તમારા પૂછવાથી તમને કહું છું.સાથે બ્રહ્માએ જે કથાનક મને કહેલાં છે,તે કથાનક પણ તમને કહું છું.તો તે તમે સાંભળો.
બ્રહ્માને મેં પૂછેલું કે- આ સૃષ્ટિના સમૂહ કેવી રીતે ઉત્પન્ન થયા તે મને કહો.
ત્યારે લોક-પિતામહ બ્રહ્માએ એક “ઐન્દવાખ્યાન” સાથે આ મહાન અર્થભર્યું વચન કહ્યું.
બ્રહ્માએ કહ્યું-જળમાં જળાશય ના વિસ્તારથી જે પ્રમાણે અનેક પ્રકારના તરંગ અને ઘુમરીઓ જોવામાં આવે છે,તે પ્રમાણે આ સર્વ જગત મનથી જ ઉત્પન્ન થયું છે,અને મનથી જ તેનો વિસ્તાર છે.
હે,વશિષ્ઠ,પહેલા કલ્પ માં દિવસ ના આદિમાં જાગૃત થયા પછી મને સૃષ્ટિ કરવાની ઈચ્છા થઇ.
ત્યારે શું થયું તે હું કહું છું તે તું સાંભળ.
કોઈ સમયે જયારે દિવસનો ક્ષય થયો,ત્યારે સર્વ સૃષ્ટિનો સંહાર કરીને મેં એકાગ્ર ભાવથી રાત્રિમાં નિંદ્રા કરી,
રાત વીત્યા પછી હું જાગ્યો,વિધિ-પૂર્વક સંધ્યા કરી,અને પછી સૃષ્ટિ ઉત્પન્ન કરવા સારૂ વિસ્તારવાળા આકાશમાં મારી દ્રષ્ટિ જોડી.ત્યાં અંત વિનાનું અને તપ-તથા તેજ થી રહિત એવું શૂન્ય આકાશ જોવામાં આવ્યું.
તે વખતે “સૃષ્ટિ ઉત્પન્ન કરું” એવો “સંકલ્પ” કરી સર્ગ ઉત્પન્ન કરવાની સામગ્રી માટે સૂક્ષ્મ ચિત્ત થી જોવા માંડ્યું.ત્યારે આકાશમાં મોટાં આરંભ વાળાં તથા પ્રતિબંધ થી રહિત એવાં દશ જુદાજુદા બ્રહ્માંડ મારા જોવામાં આવ્યા.તે દરેકમાં જાણે મારું પ્રતિબિંબ હોય તેમ,હંસ પર બેઠેલા દશ બ્રહ્મા મારા જોવામાં આવ્યા.
દરેક બ્રહ્માંડમાં ભિન્નભિન્ન પ્રાણીમાત્ર ના સમૂહ રહેલા હતા.અને તેમાં જળ આપનાર મેઘની પંક્તિઓ જણાતી
હતી.તેમાં મહાનદી નો પ્રવાહ ચાલ્યો જતો હતો.અને સમુદ્રનો ઘૂઘવાટ સંભાળતો હતો.
આકાશમાં સૂર્ય પ્રકાશી રહ્યો હતો અને વાયુ સ્ફૂરી રહ્યો હતો,
સ્વર્ગમાં દેવતાઓ અને પૃથ્વી પર માનવો ક્રીડા કરતા હતા અને પાતાળમાં દાનવો અને ફણીધર સર્પો
રહેતા હતા.ટાઢ,તડકો અને વર્ષાઋતુ થવાથી ત્યાં ફળથી યુક્ત એવી ઋતુઓ શોભાવતી હતી.
નરક અને સ્વર્ગના ફળ આપનાર અશુભ તથા શુભ આચાર સર્વ સ્થળે વૃદ્ધિ પામ્યા હતા.
ભોગ,મોક્ષ,વગેરે ફળની ઈચ્છાવાળા પ્રાણી-માત્ર કાળ પ્રમાણે ઇષ્ટ વસ્તુ મેળવવા સારૂ-ક્રમે કરીને પ્રયત્ન
કરતા હતા.સાત લોક,સાત દ્વીપ,સાત સમુદ્ર,તથા સાત પર્વત-એ કલ્પ ના અંત સુધી સ્ફૂરી રહ્યા હતા.
અંધકાર કોઈ ઠેકાણે હ્રાસ પામીને રહ્યો હતો,કોઈ ઠેકાણે સ્થિર-પણાથી ઉભો હતો તો કોઈ ઠેકાણે
તેજની સાથે મળી ગયો હતો.આકાશ-રૂપી કમળમાં મેઘ-રૂપી ભ્રમર તથા પ્રકાશ પામતા તારા-રૂપી
કેશરાઓ રહ્યા હતા.
આ પ્રમાણે મેં (બ્રહ્માએ) પોતાના શુદ્ધ ચિત્ત થી,દશ બ્રહ્માંડ જોયાં.અને તેથી વિસ્મય પામીને વિચાર કર્યો કે-
બહારનાં નેત્રો થી આ બ્રહ્માંડ જોવામાં આવતા નથી,પણ શુદ્ધ-ચિત્તથી અંતઃકરણમાં દેખાય છે તેનું શું કારણ? એ પ્રમાણે ઘણી વાર સુધી વિચાર કરીને,મેં બ્રહ્માંડમાંના એક સૂર્ય ને પાસે બોલાવી તેને પૂછ્યું કે-
હે,મહાકાંતિમાન,તમે કોણ છો? અને આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું? તેની આપને જો ખબર હોય તો કહો.
મારાં વચન સાંભળી,સૂર્યે મને નમસ્કાર કરીને કહ્યું કે-
હે,પ્રભુ,તમે જ આ દૃશ્ય-પ્રપંચ નું કારણ છો,છતાં તમે આ કેમ નથી જાણતા અને મને પ્રશ્ન પૂછો છો?
હે,સર્વ સ્થળે રહેનાર બ્રહ્મા,જો તમને મારું વચન સાંભળવાનું કુતૂહલ હોય તો-
હું આ જગતની અચિંતિત ઉત્પત્તિ વિષે તમને કહું છું તે તમે સાંભળો.
હે,મહાત્માન,આ જે “સત્ તથા અસત્ કળા” વડે વિસ્તાર પામ્યું છે,અને
જે “સત્ –અસત્ ના બોધ ને મોહ આપનારી અવિરત રચનાઓ” વડે (આ જગત) વિલસે છે,
તે-માત્ર “મનો-વિલાસ” છે એમ જ સમજો.