પદ્મરાજાને (નવા અવતાર વિદુરથ-રૂપે) અને સઘળા આગળના સભાસદ અને આગળના ગામના
રહેવાસીઓ ને જોઈ ને લીલા વિચારમાં પડી ગઈ કે-
જુના નગરના રહેવાસીઓ સઘળા મરી ગયા હશે કે શું?
એટલામાં તો સરસ્વતીની કૃપાથી લીલા ની સમાધિમાં (નિર્વિકલ્પ સમાધિ) માંથી વ્યુત્થાન થયું,
(સમાધિ તૂટી) એટલે લીલાએ ક્ષણ માત્રમાં ત્યાં આસપાસ સર્વ પરિજનો ને નિંદ્રામાં તેમનાં તેમ જ દીઠાં.
એટલે લીલાએ તે લોકો ને ઉઠાડી ને કહ્યું કે-
"હું અહીં બહુ દુઃખ થી પીડાઉં છું,એટલા માટે મને સભામાં લઇ જાઓ.હું મારા પતિના સિંહાસન પાસે
ઉભી રહું,અને ત્યાં અનેક સભાસદો ને જોઉં તો જ હું જીવતી રહું,નહિતર જીવીશ નહિ."
એટલે સર્વ રાજકીય પરિવાર અનુક્રમે જાગ્યો અને લીલા ને સભામાં લઇ ગયો.
ત્યારે લીલા,એ રાજાની સિંહાસનની સમીપ આવેલા સુવર્ણ ના વિચિત્ર સિંહાસન પર બેસી.
ત્યાં લીલાએ આગળ ના સર્વ સભાસદો ને -આગલા ની જેમ જ બેઠેલા જોયા.
લીલા બહુ આનંદ પામી અને પતિના જીવન ની આશાએ,ઉદય પામેલા ચંદ્ર ની જેમ શોભવા લાગી.
(૧૮) લીલા અને સરસ્વતી નો સંવાદ-બંને સૃષ્ટિ માં સમાનતા
લીલા સભાસદો ને કહે છે-કે-મારું ચિત્ત અત્યંત દુઃખદાયી થઇ પડ્યું છે,
ને હું, આમ સભામાં આવવા -આદિ-ઉપાયો વડે આશ્વાસિત કરું છું.
આમ સભાસદો ને સમજાવી ને -તે ત્યાંથી ઉઠી અંતઃપુર ના મંડપમાં પુષ્પોથી ઢાંકી મુકેલા
પોતાના પતિના શબ પાસે આવી ને ચિત્તમાં વિચાર કરવા લાગી કે-
"અહો ! આ અમારા નગરનાં માણસો અહીંથી બહારના પ્રદેશ માં પણ રહ્યા છે-અને-
અહીં અંદરના પ્રદેશમાં પણ રહ્યા છે.
જેમ, અરીસામાં બહાર તથા અંદર પર્વતનો અનુભવ થાય છે,
તેમ,ચૈતન્ય ની અંદરના ને બહારના પ્રદેશો માં પણ એવી ને એવી જ સૃષ્ટિ નો અનુભવ થાય છે તો-
આમાંથી કઈ સૃષ્ટિ સાચી અને કઈ સૃષ્ટિ ખોટી? "
આમ વિચારી ને દ્વિધામાં રહેલી લીલા એ નિશ્ચય કર્યો કે-"લાવ, સરસ્વતીદેવી ને જ પૂછી જોઉં."
એમ એણે સરસ્વતી નું પૂજન-ધ્યાન કર્યું એટલે-કુમારિકા નું રૂપ લઈને સરસ્વતી એ દર્શન દીધાં,
ત્યારે લીલાએ તેમને પોતાની દ્વિધા વિષે પૂછ્યું.
ત્યારે દેવી કહે છે કે-હે,સુંદરી,આ બંને માંથી તને કઈ સૃષ્ટિ સાચી લાગે છે?અને કઈ ખોટી લાગે છે?
તે તું મને યથાર્થ રીતે કહે.
લીલા કહે છે કે-હે,દેવેશ્વરી,આ હું અને તમે અહીં બેઠાં છીએ તે સાચી સૃષ્ટિ છે તેમ હું જાણું છું.
અને મારા પતિ,હમણાં જે સૃષ્ટિમાં છે તેને હું ખોટી સૃષ્ટિ છે એમ માનું છું,કારણ કે-
તે નવી સૃષ્ટિ શૂન્ય છે અને પૂરતા દેશ કાળ વિનાની છે.
દેવી કહે છે કે-એ નવી સૃષ્ટિ પણ "કારણ" વિનાની તો હોય જ નહિ, એટલે જો તેના "કારણ" વિષે વિચાર
કરવામાં આવે તો,બીજું કોઈ "કારણ" નહિ મળવાથી,આ જૂની સૃષ્ટિ ને જ "કારણ-રૂપ" માનવી પડે છે.
અને હવે જો -તું કહે છે તેમ આ જૂની સૃષ્ટિ સાચી હોય તો-તેમાંથી કદી પણ ખોટી સૃષ્ટિ ઉત્પન્ન થાય નહિ.
કારણ કે "કાર્ય" ક્યારેય "કારણ' થી અસમાન ઉત્પન્ન થાય નહિ.