Feb 1, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-67



રામ બોલ્યા-હે,પ્રભો,આ તો,વાંઝણી નો પુત્ર પર્વતો નો ભૂકો કરી  નાખે,સસલાનું શિંગડું નાદ કરવા લાગે,
શિલા હાથ લાંબા કરી નાચવા લાગે,રેતીમાંથી તેલ નીકળે,પથ્થરની પૂતળી ભણવા લાગે,અને
ચિત્રમાં આલેખેલાં વાદળ ગર્જના કેવાં લાગે-તેવી  વાત છે. (આ બધું જેમ અશક્ય છે-તેમ તે અશક્ય છે)
જરા (વૃદ્ધાવસ્થા),મરણ તથા દુઃખો આદિ થી ભરપૂર અને પર્વતો-વગેરે આ જે પ્રત્યક્ષ જગત છે જ નહિ-
એવું આપ મારી આગળ કેવી રીતે કહો છો?
હે,બ્રહ્મન.આ જગત નથી(જગત મિથ્યા છે) જે રીતે તે ઉત્પન્ન થયું નથી,અને જે રીતે તે છે જ નહિ,
તે સઘળી રીતિઓ મને કહો એટલે મને એ વિષયો નો નિશ્ચય થાય.

વશિષ્ઠ બોલ્યા-હે, રાઘવ, મારું બોલવું કંઈ અસંબંધ (અયોગ્ય કે ખોટું) નથી,પણ યથાર્થ જ છે.
આ જગત ખરી રીતે સૃષ્ટિ ના આરંભ માં થયું નથી,અને વર્તમાન-કાળ માં પણ તેનો અભાવ જ છે.
જેમ મન ને લીધે,સ્વપ્ન-વગેરેમાં નગર જોવામાં આવે છે,તેમ મન ને લીધે જ આ જગત જોવામાં આવે છે.
જો,મિથ્યા-સ્વ-રૂપ-વાળું મન સૃષ્ટિ ના આરંભ માં ઉત્પન્ન થયું જ નથી,તો જગત કેવી રીતે ઉત્પન્ન થાય?
આ વાત તમારા અનુભવ માં આવે તે રીતે હું કહું છું તે તમે સાંભળો.

મન મિથ્યા છે,છતાં તે ખરા જેવું જણાય છે. જેમ એક સ્વપ્ન બીજા સ્વપ્ન ને ઉત્પન્ન કરે,તેમ એ મન આ વિનાશી જગતને ઉત્પન્ન કરે છે. એ મન પોતાની મેળે જ-સ્થૂળ દેહની કલ્પના કરે છે.
અને લાંબા કાળની ભાવના થી વૃદ્ધિ પામેલા એ "સંકલ્પ" થી જ-આ ઇન્દ્રજાળ ઉભી થઇ છે.
એકલું મન પોતે ચંચળ શક્તિ-વાળું છે,તેથી તે ચાલે છે,ફરક્યા કરે છે,માગે છે,ભમે છે,કૂદકા માર્યા કરે છે,
ચાલ્યા કરે છે.ડૂબે છે,સંહારે છે,સંસારી-પણું ભોગવે છે અને મોક્ષ-રૂપી ઉત્કર્ષ પણ પામે છે.

(૫) જગત તથા મન નું મૂળ તત્વ-

રામ બોલ્યા-હે,ભગવન,આ મન-રૂપી ભ્રાંતિમાં મૂળ કારણ શું છે? અને આ મન કેવી રીતે અને શાથી ઉત્પન્ન થયું છે? પ્રથમ તો મને મન ની ઉત્પતિના કારણ  વિશે સંક્ષેપ થી કહો.જે બાકી રહે તે પાછળ થી કહેજો.

વશિષ્ઠ બોલ્યા-મહાપ્રલયમાં સઘળું સૂક્ષ્મ-રૂપ  થઇ જવાથી -અશક્ત થઇ ગયું હતું.અને
સઘળાં દ્રશ્યો (સૃષ્ટિ) નો આરંભ થયો નહોતો,ત્યારે-
વિક્ષેપ-રહિત,અસ્ત-રહિત,પ્રકાશમાન,અજન્મા,ઉપદ્રવ-રહિત,અને સર્વદા સઘળું કરવાની શક્તિવાળા,
સર્વ-રૂપ અને મહેશ્વર -એવા એક શાંત "પરમાત્મા" જ અવશેષ (બાકી) રહ્યા હતા.

તેમના સ્વ-રૂપ ને ઇન્દ્રિયો પહોંચી શકતી નથી.અને ત્યાંથી પાછી વળે છે.મુક્ત-લોકો તેમનો પ્રત્યક્ષ  અનુભવ
કરે છે.તેમનાં "આત્મા" -વગેરે નામો એ સ્વાભાવિક નથી પણ "આરોપિત-ધર્મો" થી કલ્પી કાઢેલાં છે.

સાંખ્ય-શાસ્ત્રીઓ તેમને "પુરુષ" કહે છે,વેદાંત-શાસ્ત્રીઓ તેમને અત્યંત નિર્મળ "બ્રહ્મ" કહે છે,
વિજ્ઞાન-વાદીઓ તેમને ક્ષણિક "વિજ્ઞાન-રૂપ" કહે છે,તો શૂન્ય વાદીઓ  તેમને "શૂન્ય" કહે છે.

અને આવા તે સૂર્ય ના તેજ ને પણ પ્રકાશ આપનારા છે.વળી તે સર્વના "પ્રત્યગાત્મા-રૂપે" સર્વદા બોલનાર,
વિચાર કરનાર,કર્મ ના ફળોને ભોગવનાર,કર્મો ના જોનાર -કર્મોના કરનાર છે.
એ પરમાત્મા જગતમાં વિદ્યમાન છતાં પણ પામર લોકો ની દૃષ્ટિ થી અવિદ્યમાન છે.
દેહમાં રહેલા હોવા છતાં તે દેહથી દૂર છે.
જેમ સૂર્યથી પ્રકાશ થાય છે,તેમ એમનાથી આ પ્રપંચ થાય છે.
જેમ,સૂર્ય થી કિરણો થાય છે તેમ, વિષ્ણુ -વગેરે દેવતાઓ એમના (પરમાત્મા) થી થાય છે.
જેમ,સમુદ્રમાંથી પરપોટા થાય છે તેમ એમનામાંથી અનંત બ્રહ્માંડો થાય છે.
જેમ,સઘળાં પાણી સમુદ્રમાં લય પામે છે,તેમ સઘળા દૃશ્ય પદાર્થો એમનામાં લય પામે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE