Jan 22, 2015

રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯


શ્રી ભગવાનુવાચ-
ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે,જ્ઞાનં વિજ્ઞાનસહિતં યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેશુભાત્.(૧)

ગીતા ના નવમા અધ્યાય ના આ પ્રથમ શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ-અર્જુન ને-શા માટે
ગુહ્યતમં- એટલે કે અત્યંત ગુહ્ય જ્ઞાન આપી રહ્યા છે?

કારણ એક જ છે-અને તે એ છે કે-અર્જુન -અનસૂયુ-એટલે કે ઈર્ષ્યા-રહિત (ઈર્ષ્યા-વગરનો) છે.

આપણા સામાન્ય રોજબરોજ ના જીવનમાં-આપણાથી કોઈ મોટો હોય,વધુ પ્રખ્યાત હોય,કે
વધુ પૈસાવાળો હોય તો -આપણે આપોઆપ તેની ઈર્ષ્યા કરવા લાગીએ છીએ.
આપસમાં એક બીજા પ્રત્યે ઈર્ષા તો સામાન્ય  છે,પણ ભગવાન ની પણ ઈર્ષ્યા કરવાનું આપણે
છોડતા નથી.કારણ જો શ્રીકૃષ્ણ કહે કે -હું સર્વનો સ્વામી છું-તો તેમના વાક્ય પર વિશ્વાસ નથી.

પણ અહીં ગીતામાં અર્જુન એ આપણાથી જુદો છે,તે કોઈ વિવાદ કરતો નથી,અને શ્રીકૃષ્ણ
જે કંઈ કહે છે તેની સાથે સંમત થાય છે.તેને ભગવાન ના વાક્ય વિષે વિશ્વાસ છે. શ્રદ્ધા છે.
અર્જુન ની આ એક વિશિષ્ટ યોગ્યતા છે,

અને ગીતા ને સમજવાની આ એક જ રીત છે.
મનથી અનેક જાતના તર્ક અને અનેક જાતની અટકળો કરીને ભગવાન ને સમજવું અશક્ય છે.
એને માટે આપણે શ્રીકૃષ્ણ કહે છે તે -સાંભળવું અને સ્વીકારવું પડશે.

આમ,અર્જુન ઈર્ષાળુ નથી તો -ભગવાન તેને "અત્યંત-ગુહ્ય-જ્ઞાન" કહે છે.પણ સાથે સાથે તે એમ ને એમ
આ સૈધાંતિક જ્ઞાનને -ભાવના-વશ કે ધર્માન્ધતા થી-માની લેવાનું કહેતા નથી,
પણ "વિજ્ઞાન-સહિતમ" એટલે કે વ્યવહારિક રીતે (વિજ્ઞાન ની રીતે) સમજાવે છે.

અને વચન (ખાત્રી) આપે છે-"યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેશુભાત્"
એટલે કે આ વિજ્ઞાન-મય જ્ઞાન ને જાણી ને -તું અજ્ઞાન માંથી મુક્ત થઇશ.(મુક્તિ)

રાજવિદ્યા રાજગુહ્યં પવિત્રમિદમુત્તમમ્,પ્રત્યક્ષાવગમં ધર્મ્યં સુસુખં કર્તુમવ્યયમ્.(૨)

નવમો અધ્યાય એ "રાજ-વિદ્યા" ના વિષય પર રચાયો છે.
રાજ-એટલે રાજા અને વિદ્યા-એટલે જ્ઞાન, એમ સમજીએ તો -આ જ્ઞાન એ સર્વ જ્ઞાન નો રાજા છે.

"રાજ-ગુહ્યમ" શબ્દથી કહે છે કે-આ રાજ-વિદ્યા એ અત્યંત ગુપ્ત,પવિત્ર અને ઉત્તમ છે.
ઉત્તમ=ઉદ્+તમ. અહીં- "ઉદ્" એટલે પાર કરવું અને "તમ" એટલે અંધકાર.
આ જ્ઞાન એ "પ્રકાશ" નું જ્ઞાન છે,અંધકાર (અજ્ઞાન) ને હટાવવાનું જ્ઞાન છે.

અને આ જ્ઞાન એ કંઈ બહુ અઘરું નથી પણ "પ્રત્યક્ષાવગમં ધર્મ્યં સુસુખં કર્તુમ"  એટલે કે-
પ્રત્યક્ષ અનુભવમાં લેવાય એવું છે,ધર્માનુસાર છે,સુખપૂર્વક પ્રાપ્ત થનારું છે.
અને....છેલ્લે-"અવ્યયમ"  શબ્દ થી એ પણ કહે છે કે-આ જ્ઞાન અવિનાશી છે.

અત્યાર ની ભૌતિક જિંદગીમાં આપણે -શરૂઆતમાં શિક્ષણ અને પછી સંપત્તિ -માટે  ક્રિયાઓ (કર્મો)
કરે જઈએ છીએ.કે જે સર્વ અવિનાશી નથી.શરીર નો અંત આવતાં એ બધાનો અંત આવે છે.
મૃત્યુ ની સાથે જ -ઉચ્ચ શિક્ષણ,ઉચ્ચ પદવી,બેંક બેલેન્સ,કુટુંબ-એ બધું સમાપ્ત થાય છે.
પણ આ જ્ઞાન તેવું નથી-આ જ્ઞાન શાશ્વત-અવિનાશી છે.

સ્કુલ અને કોલેજ ના શિક્ષણ (જ્ઞાન) માટે -આપણે ભલે અભિમાન કરીએ,પણ જયારે પ્રશ્ન આવે કે-
"આપણે શું છીએ?" ત્યારે તેનો જવાબ મોટા ભાગના લોકો આપી શકતા નથી.
લગભગ દરેક ની કલ્પના એવી જ હોય છે કે-"આ શરીર છે -એ જ એ પોતે છે" (હું=શરીર)

વાસ્તવમાં ગીતા અને વૈદિક સાહિત્ય ના આધારે -જયારે-આપણે જાણીએ કે-
"આપણે આ શરીરો નથી" ત્યારે જ આપણો "સત્ય-જ્ઞાન" માં કંઈક પ્રવેશ થાય છે,
કે સત્ય-જ્ઞાન ની અહીંથી શરૂઆત થાય છે.

એટલે જ આ બાબતે -આ અધ્યાય માં શ્રી કૃષ્ણ આગળ કહે છે
અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્,પરં ભાવમજાનન્તો મમ ભૂતમહેશ્વરમ્.(૧૧)

મેં મનુષ્ય દેહ ધારણ કરેલો છે. તેથી મૂઢ મનુષ્યો મારી અવજ્ઞા કરે છે.
હું સર્વ ભૂતોનો ઈશ્વર છું એવું જે મારું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે તેનું જ્ઞાન તેમને હોતું નથી.(૧૧)

અહીં --શ્રીકૃષ્ણે મનુષ્ય-દેહ ધારણ કર્યો  છે-એટલે લોકો તે "દેહ" ને સામાન્ય માનવીના દેહ જેવો
માની ને તેમને ભજતા નથી,તેમનામાં વિશ્વાસ મૂકતા નથી,તેમનામાં શ્રદ્ધા દાખવી શક્તા નથી,
તેમના બોલેલા વાક્ય પર વિશ્વાસ મૂકતા નથી કે તેમની સાથે સંમત થતા નથી.
અહમ થી પોતાના શૈક્ષણિક જ્ઞાન પર કુદમકુદ કરતા આપણે -પરમાત્મા ના એ ઉત્કૃષ્ટ સ્વ-રૂપ
વિષે વિચારી શકતા નથી કે તેનું આપણને જ્ઞાન પણ નથી.

હાલના સમયમાં દુનિયાના અનેક જુદાજુદા ધર્મો ના મનુષ્યો "પોતે -ધર્મ માં શ્રદ્ધા રાખે છે"
એવો દાવો  કરે છે.પણ હકીકતમાં ખરેખર જોવા જાવ-તો તેઓ "ધર્મ-શાસ્ત્ર" માં સંપૂર્ણ પણે વિશ્વાસ
ધરાવતા હોતા નથી.પણ હા,મોટે ભાગે ધર્મ ના પવિત્ર કાર્યોમાં (ધાર્મિક કર્મો) માત્ર જોડાયેલા હોય છે.
અને મંદિર બનાવવાં,મંદિર માં જવું,મંદિર ની પ્રવૃત્તિઓ કરવી,પૂજા કરવી,યજ્ઞ-દાન-તપ-કરવાં,
વગેરે જ ધર્મ છે -એવી સામાન્ય માન્યતા જોવા મળે છે.

આવા ધાર્મિક કર્મો કરનારા કરોડો લોકો માંથી કદાચ બહુ થોડા મનુષ્યો -એ પૂર્ણ (સત્ય) જ્ઞાન મેળવવા
તરફ જાય છે.અને "પોતે શું છે?" (હું-કોણ છું?-નું આત્મ-જ્ઞાન) તેની સમજણ (કદાચ) મેળવે છે.

પણ,માત્ર એમ જાણી લેવું કે "હું આ શરીર નથી પણ ચિદાત્મા છું"  એટલું પૂરતું  થતું નથી.
પણ આ ભૌતિક પ્રકૃતિ નાં (વ્યવહારિક) બંધનો માંથી છૂટા થવાનું છે,અને તે જ મુક્તિ છે.

જે મનુષ્યો ને "પોતે શું છે?" તે વિષે આત્મજ્ઞાન થયેલું છે તેવા હજારો મનુષ્યો માંથી -
ફક્ત-કોઈક -જ  મનુષ્ય....-"ભગવાન શું છે? શ્રીકૃષ્ણ કોણ છે?" ને સમજી શકે છે !!!
અજ્ઞાનતા અને આચાર-વિચાર-વિવેક -વિહીન -આ કળિયુગ ના સમયમાં-
"મુક્ત થવું" એ દરેક ને માટે અશક્ય બાબત લાગે છે-કારણકે -
"મુક્તિ" ની વાત પર જ લોકો હસે છે અને તેનું સાચું સ્વરૂપ જાણતા નથી!!!
પણ...પ્રકૃતિના બંધનમાંથી (અજ્ઞાનમાંથી) મુક્તિ પછી જ પરમાત્મા નું જ્ઞાન (અતિ-ગુહ્ય-જ્ઞાન) મળે છે .

Raj-Yoga-by Swami Vivekanand-in Gujarati-Click here