Jan 26, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૪

રામજીએ સમુદ્રને સુકવી નાખ્યો હોત તો તેમનું ઐશ્વર્ય દેખાઈ જાત,પણ “મનુષ્ય દેહ ધારણ કરીને મનુષ્યની જેમ જ વર્તવું છે”-એમ સમજીને તેમણે મધ્યમ-માર્ગ લીધો,ને આગેવાનોને બોલાવી કહ્યું કે –ઝટપટ પુલ બાંધવાની તૈયારી કરો.
નલ અને નીલને આ કામ સોંપવામાં આવ્યું.જાંબવાને બધા વાનરોને અને રીંછોને હુકમ કર્યો કે-જાઓ વૃક્ષોને શિલાઓ ઉપાડી લાવો.

અને બધી સેના “શ્રી રામચંદ્રની જય” ના પોકાર સાથે શિલાઓ ઉપાડી લાવી,તેના પર “રામ” નું નામ લખી,પાણી પર નાખવા માંડી,અને રામનામનો મહિમા જુઓ!!! સો-મણની શિલાઓ પણ પાણી પર તરવા લાગી,નલ-નીલ –તે શિલાઓને આંગળ ખસેડીને નવી નવી શિલાઓ તેની પાછળ ગોઠવતા ગયા.

રામ-નામથી જડ પથ્થરો તરે તો શું મનુષ્ય ન તરે?
સંતો કહે છે કે-મનુષ્ય પણ આ સંસાર સાગરમાં ડૂબવાને બદલે તરી જઈ શકે છે,પણ તે માટે, 
વિશ્વાસ રાખી શ્રદ્ધાથી રામનું નામ લેવું જોઈએ,કલિકાળમાં એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
નલ-નીલે પુલ બાંધ્યો.તેમાં તેમનો,કે સમુદ્રનો કંઈ મહિમા નથી,તેમાં વાનરોની કંઈ કરામત નથી,કે 
પથ્થરોનો યે કોઈ ગુણ નથી,જે પથ્થર પોતે ડૂબે ને બીજાને પણ ડુબાડે જ-એ વહાણની પેઠે તરતા થયા છે 
તે-પ્રતાપ બધો શ્રીરામનો છે.શ્રીરામના નામનો છે.

પુલ બંધાઈ ગયા પછી,શ્રીરામજીએ કહ્યું કે-આ ભૂમિ ઘણી સુંદર છે,હું અહીં ભગવાન શંકરની સ્થાપના કરીશ.શ્રીરામ રોજ શંકર ભગવાનની પૂજા કરતા હતા,તેમણે હનુમાનજી ને શિવ-લિંગ લઇ આવવા મોકલ્યા.હનુમાનજીને આવતાં વાર થઇ એટલે,શ્રીરામે રેતીનું શિવ-લિંગ બનાવીને તેની સ્થાપના કરી.
ને વિધિ-પૂર્વક તેની પૂજા કરી. શ્રીરામે સ્થાપેલા શંકર તે રામેશ્વર.
શ્રીરામ કહે છે કે-જે રામેશ્વરને સેવશે તેને શંકર મારી ભક્તિ આપશે,શંકર સમાન મને બીજું કોઈ પ્રિય નથી.
હું અને શિવ એ –બે-જુદાજુદા નથી પણ એક જ છીએ.
શ્રીમદ્ ભાગવતમાં અનેક વાર પ્રતિપાદન કર્યું છે કે-શિવ અને કૃષ્ણ એક જ છે.

એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં પણ હરિ-હર નો અભેદ બતાવ્યો છે.
વિષ્ણુ ભગવાન સત્વગુણના માલિક છે એટલે તે હોવા જોઈએ શ્વેત (સફેદ) પણ તે કાળા (કૃષ્ણ) છે,
અને શંકર ભગવાન તમોગુણના માલિક છે,એટલે તે હોવા જોઈએ કાળા,પણ તે સફેદ છે.
આનું કારણ શું? કૃષ્ણ કાળા ને શિવજી ગોરા કેમ?
તો એકનાથજી કહે છે કે-શિવજી આખો દિવસ નારાયણનું ધ્યાન કરે છે એટલે નારાયણનો અસલી ગોરો રંગ તેમનામાં આવ્યો અને નારાયણ આખો દિવસ શિવજી નું ધ્યાન કરે છે એટલે તેમનો અસલી કાળો રંગ 
તેમનામાં આવ્યો.ધ્યાનમાં એવો ગુણ છે કે-જે જેનું ધ્યાન ધરે તેવો તે થાય છે.
આમ,હરિ-હરનો અભેદ સિદ્ધ છે.

શિવજી નિવૃત્તિ ધર્મના આચાર્ય છે,શ્રીરામ અને શ્રીકૃષ્ણ એ પ્રવૃત્તિધર્મના આચાર્ય છે.
અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવા છતાં પ્રવૃત્તિમાં જરાયે ના લેપાય,તે આદર્શ જગતને બતાવ્યો છે.
ભાગવતમાં શ્રીવ્યાસે ભક્તિનો અર્થ એવો નથી કર્યો કે-એક જ દેવને માનો ને બીજાને ના માનો.

મહાત્માઓ કહે છે કે-અનન્ય ભક્તિનો અર્થ છે કે-અનેકમાં એક જ દેવને નિહાળો.
પ્રભુ તો સર્વ-વ્યાપક છે એટલે જે સર્વમાં પ્રભુનાં દર્શન કરે છે તે,જ ઉત્તમ વૈષ્ણવ (ભક્ત) છે.
પોતાના ઇષ્ટદેવમાં પરિપૂર્ણ ભાવ રાખવો અને બીજા દેવો ને પોતાના ઇષ્ટદેવના અંશરૂપ સમજીને પૂજવા.
પત્ની જેમ,પતિમાં અનન્યભાવ રાખે છે અને બીજાં સગાઓમાં સામાન્ય પ્રેમ રાખે છે તેમ.
કેટલાક વૈષ્ણવો (વિષ્ણુના ભક્તો) કહે છે કે-અમે શિવજીનું નામ લઈએ તો અન્યાશ્રયનો દોષ લાગે.
પણ આમ સમજવું તે ભૂલ-ભરેલું છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE