Nov 9, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૨

તપ કરીને જે,મનુષ્યનો આત્મા,પરમાત્મા સાથે એક-ચિત્ત બને તો,પરમાત્માની શક્તિ તેના દ્વારા વહે.અને પછી કશું જ અશક્ય નથી,કશું જ અસાધ્ય નથી.અને એવા તપસ્વીને ઘેર પ્રભુ એમને શોધતાં શોધતા એમના દ્વારે ટકોરા મારે છે.અતિથી બને છે.તપનું આ ફળ છે.એકવાર,તુકારામ માંદા હતા અને તેથી વિઠોબા(વિઠ્ઠલ)ના દર્શન કરવા જઈ શક્યા નહિ,તો વિઠોબા જાતે તુકારામને ઘેર પહોંચી ગયા ને દર્શન આપ્યા.
ભક્તને પરમાત્માનાં દર્શનની જેટલી આતુરતા છે એટલી જ ભગવાનને ભક્તનાં દર્શનની આતુરતા છે!!! ખરો ભક્ત એ છે કે જેની ભગવાન ચિંતા કરે.

અનસૂયાએ સીતાજીને ખૂબ હર્ષથી આશીર્વાદ આપ્યા.સીતાજીને પતિ સાથે વનવાસ ભોગવતા જોઈ તેમણે,તેમને ખૂબ ધન્યવાદ આપ્યા,ને કહ્યું કે-જે સ્ત્રી પતિની સાથે રહીને,તેની આજ્ઞામાં રહીને ધર્માચરણ કરે 
તેને ધન્ય છે.પતિસેવા એ સ્ત્રી માટે મોટું તપ છે,તારું તપ જોઈ હું પ્રસન્ન છું,માટે મારી પાસેથી કંઈક માગ. 
ત્યારે સીતાજીએ કહ્યું કે-આપની દયા સિવાય મારે બીજું કશું ના જોઈએ.
તેમ છતાં પણ અનસૂયાએ કદી પણ કરમાય નહિ તેવી ફૂલની માળા અને કેટલાંક દિવ્ય વસ્ત્રો આપ્યાં.
આ વસ્ત્રો એવાં હતા કે તે કદી બગડે નહિ કે ભીનાં પણ થાય નહિ.

અત્રિ-ઋષિનો આશ્રમ છોડીને શ્રીરામ આગળ ચાલ્યા.દક્ષિણ તરફ જવાનો તેમનો નિર્ધાર હતો.
હવે વધારે ભીષણ વનમાં તેમનો પ્રવેશ થયો.વન સુંદર છે,પણ એ ગીચ હોવાને કારણે ભીષણ લાગે છે.
તેમાં અનેક તપસ્વીના આશ્રમો છે અને રાક્ષસોનો પણ વાસ છે.
રસ્તામાં રામ-લક્ષ્મણે એક વિકરાળ રાક્ષસને રસ્તો રોકીને પડેલો જોયો,ઘડીકમાં તો તેણે સર્પનું સ્વરૂપ લઇને સીતાજીને ઉપાડી ને લઇ ગયો અને રામ-લક્ષ્મણને ડરાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે-
હું મહા ભયંકર વરાધ (રાક્ષસ) છું,અહીંથી ભાગી જાઓ નહિતર હું તમને ખાઈ જઈશ,

લક્ષ્મણે એકદમ બાણનો મારો ચલાવી તેને અટકાવ્યો.ત્યારે ગુસ્સે થઇ વરાધ,સીતાજીને બાજુ પર મૂકી દઈને, ત્રિશુલ લઇને રામ-લક્ષ્મણને મારવા ધસ્યો.ત્યારે રામજીએ બાણ ચલાવી ત્રિશુલના બે ટુકડા કરી દીધા.
વરાધ ચમક્યો-તેણે આવું બળ પહેલાં ક્યાંય જોયું નહોતું,પણ હવે તે મરણિયો બનીને વિકરાળ સ્વરૂપ 
ધારણ કરીને મોં ફાડીને રામ-લક્ષ્મણને જાણે,ગળી જવા દોડ્યો.

પણ રામજીની આગળ તેનું કશું ચાલ્યું નહિ,રામજીના એક બાણે તે ધરાશયી થઇ ગયો.ત્યારે લક્ષ્મણે એક મોટા ખાડામાં હાથીને દાટે તેમ દાટી દીધો.શ્રીરામના હાથે મરણ પામતાં તે વરાધ રાક્ષસ દિવ્યરૂપ શરીરે પ્રભુના ધામમાં ગયો,પૂર્વ-જન્મમાં તે એક ગંધર્વ હતો ને કુબેરના શાપથી તે રાક્ષસ થયો હતો.
રાક્ષસ એટલે અવિવેક અને અધર્મ-બુદ્ધિ.રામજી તેમનામાં વિવેક અને ધર્મ-બુદ્ધિનો પ્રકાશ પ્રેરી 
અને તે અવિવેક-અધર્મ બુદ્ધિના અંધકારને દૂર કરે છે.

ત્યાંથી આગળ ચાલતાં શ્રીરામ,શરભંગ-ઋષિના આશ્રમમાં પહોંચ્યા.ત્યારે દેવાધિદેવ ઇન્દ્ર શરભંગ-ઋષિના 
દર્શને પોતાના રસાલા સાથે આવ્યો હતો,પણ એકાએક રામને ત્યાં આવી ચડેલા જોઈ તેણે ચુપચાપ 
ત્યાંથી વિદાઈ લઇ લીધી. શ્રીરામ તો સહુના માલિક અને તેમની આગળ પોતે મોટો ઠાઠ કરે તે શોભે નહિ,
એમ સમજીને ઇન્દ્ર શરમાઈ ગયો હતો અને ત્યાંથી ચાલ્યો ગયો.

ઇન્દ્રને સત્કારવા શરભંગ-ઋષિ પોતાના આસન પરથી ઉઠયા નહોતા પણ રામ આવ્યા છે તે જોઈને તેઓ એકદમ ઉભા થઇ ને રામને મળવા દોડ્યા અને ભાવથી ભેટી પડ્યા,અતિ પ્રસન્નતાથી સ્વાગત કરીને,
તે શ્રીરામને કહેવા લાગ્યા કે-આપે વનવાસ લીધો છે એવું સાંભળ્યું,ત્યારથી હું રાત-દિવસ આપની રાહ જોઈ 
રહ્યો છું,કેટલાય વખતથી હું શરીર છોડી દેવાનો વિચાર કરું છું,પણ આપનાં દર્શન અર્થે શરીરને ટકાવી 
રાખ્યું છે.હવે આપનાં દર્શન થયા એટલે મને મારી તપસ્યાનું ફળ મળી ગયું.

અત્યાર સુધી મેં જે જપ,તપ,યજ્ઞ વગેરે જે સર્વ કર્યાં છે,તે સર્વ હું આપનાં ચરણમાં અર્પણ કરી દઉં છું,
હવે હું એટલું જ માગું કે નિરંતર મારા હૃદયમાં નિવાસ કરીને રહો.અને હું દેહ છોડી દઉં ત્યાં સુધી મારી નજર સામે રહો.આમ કહી તેમણે શ્રીરામના ચરણમાં પ્રણામ કર્યા,અને તે અગ્નિહોત્રી ઋષિએ,ચિત્તને પ્રભુ સ્મરણમાં સ્થિર કરીને શરીરને અગ્નિમાં સમર્પિત કરી દીધું,થોડીવાર પછી,અગ્નિકુંડમાંથી એક દિવ્ય દેહવાળો કુમાર 
બહાર નીકળ્યો,કે જે શરભંગ-ઋષિ પોતે હતા,અને આ દિવ્ય રૂપે તેઓ આ શરીર છોડીને બ્રહ્મ-લોકમાં 
પધાર્યા. ઋષિ-મુનિઓએ એમનો જયજયકાર કર્યો.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE