Nov 30, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૦

રાધાજીના મંદિરમાં કોઈ પુરુષને પ્રવેશવાની મનાઈ હતી,એક વાર રાધાજીએ શ્રીકૃષ્ણને મળવાની ઈચ્છા કરી.શ્રીકૃષ્ણ વિચારે છે કે-હું પીતાંબર પહેરીને જઈશ તો રાધાજી ના મંદિરમાં કોઈ પ્રવેશવા નહિ દે.એટલે તેમણે સ્ત્રીનાં વસ્ત્રો પહેર્યા,અને રાધાજીની સખી બનીને મંદિરમાં ગયા.આમ પરમાત્મા જુદા જુદા સ્વરૂપે,અનેક લીલાઓ કરે છે.
એટલે કહ્યું છે કે-પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે ને સગુણ સાકાર પણ છે.

ગીતાજીમાં પરમાત્મા કહે છે કે-મારા ભક્તો જે સ્વરૂપે મને ભજે છે,એ સ્વરૂપ હું ધારણ કરું છું.
નિરાકારની 'સત્તા' તો સાકાર સ્વરૂપે જ વ્યાપેલી છે.
આમ જોવા જાવ તો ફુલ સાકાર છે,પણ ફુલમાં જે સુગંધ છે તે નિરાકાર છે.
એમ શ્રીરામ સાકાર પણ છે ને નિરાકાર પણ છે.

પરમાત્મા જે કરે તે લીલા અને માનવી કરે તે ક્રિયા. લીલાને ક્રિયા વચ્ચે ભેદ છે,
જગતની ઉત્પત્તિ,સ્થિતિ અને લય –એ પ્રભુની લીલા છે.
માનવીની ક્રિયામાં “હું” પણું છે,અહંકાર છે,સ્વાર્થ છે.પણ નિસ્વાર્થ-નિષ્કપટ કરાય તે લીલા છે.
પરમાત્મા સ્વાર્થ રહિત છે,માટે એ જે કરે તે લીલા કહેવાય.કનૈયો માખણ ચોરે તે લીલા કહેવાય અને 
માનવી જો ચોરી કરે તો તે ક્રિયા કહેવાય.લાલાએ માખણ પોતે ખાધું નથી મિત્રોને ખવડાવ્યું .
ક્રિયા બંધન કારક છે અને લીલામાં બંધન નથી.

શ્રીરામની ક્રિયાઓ પણ આવી લીલા-રૂપ છે.શ્રીરામ વનમાં જાય,રાક્ષસો સંહારે,અને સીતાજીની પાછળ વિલાપ કરે,-આ બધી  છે.જીવ રોજ અજ્ઞાનથી રડે છે,પણ રામજીમાં તો જ્ઞાનનો પ્રકાશ છે,પોતે જ પ્રકાશ-સ્વ-રૂપ છે.છતાં સીતાજીના વિયોગમાં રડવાનું થોડું નાટક કર્યું છે.અને એ નાટક એવું વાસ્તવિક લાગે છે કે-
શ્રીરામ સામાન્ય મનુષ્યની જેમ જ રડે છે.પણ રામજીને વિયોગ છે જ નહિ,સીતા અને રામ અલગ નથી.
રામની લીલામાં માયા દેખાય,પણ તેમ છતાં તે માયા નથી.

પરમાત્મા રડે છે ત્યારે પોતાના સ્વ-રૂપમાં સ્થિર થઇને રડે છે,પણ માનવી રડે ત્યારે પોતાના સ્વરૂપને 
ભૂલી જાય છે.એટલે પરમાત્મા રડે તેમાં પણ આનંદ હોય છે.માનવી રડે ને દુઃખી થાય છે.
એટલે જ ભગવાન ને “નટવર” પણ કહેવામાં આવે છે.તે નાટક કરવામાં અતિ નિપુણ છે.
નાટક કરનારો,નાટક પોતાને માટે નહિ,પણ જોનારાઓના મનોરંજન માટે નાટક કરે છે,
એટલે જોનારના પર તે અભિનયની અસર પડવાની જ, અને તે જ તેની નેમ હોય છે.
એનું અસલી સ્વરૂપ કેવું છે?તેની જોનારને ખબર પડતી નથી.

રામજી એવું નાટક કરે છે,બહારથી તે અતિ-દુઃખી જણાય છે,પણ તે તો સંયોગ-વિયોગથી પર છે.
સુખ-દુઃખથી પર છે.છતાં પણ પોતાનું ઐશ્વર્ય છુપાવી ને સાધારણ માનવીના જેવું નાટક કરે છે.
શ્રીરામ આમ વિલાપ કરે છે,ત્યારે લક્ષ્મણ તેમને આશ્વાસન આપે છે.
શ્રીરામ કહે છે કે-હે,લક્ષ્મણ હું ખાતરીથી કહું છું કે-સીતાને રાક્ષસો હરી ગયા છે,કે ખાઈ ગયા છે.
આમ બોલતાં બોલતાં શ્રીરામ ફરીથી અતિ વ્યાકુળ બની જાય છે,તેમના આંસુ સુકાતાં નથી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE