Nov 25, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૭


ભક્તિમાર્ગ બધી ઈન્દ્રિયોને ઈશ્વરની સેવામાં લગાવવાનું કહે છે,
આંખ પ્રભુ માટે,
કાન પ્રભુ માટે,આખું શરીર પ્રભુ માટે.આંખથી પ્રભુને બધે જોવાના,કાનથી પ્રભુને બધે સાંભળવાના,હાથ-પગથી બધે પ્રભુની સેવા કરવાની.આમ બધે જ પ્રભુનું દર્શન થાય તે જ પ્રભુનું સાચું ધ્યાન.યોગીઓ આંખો મીંચીને બેસે છે,તો યે ઘણી વખત પ્રભુને નથી પામતા,પણ ગોપીઓ ઉઘાડી આંખે પ્રભુનાં સર્વ જગ્યાએ દર્શન કરતી હતી. 
બધે પ્રભુનાં દર્શન થાય તે જ જ્ઞાન.તે જ ધ્યાન.,તે જ સમાધિ.

બળ-જબરીથી ઇન્દ્રિયોના દરવાજા બંધ કરવાથી તે બંધ થતા નથી,
તે કદીક ઓચિંતા ઉઘડી જાય છે,ને ભયાનક વંટોળ અંદર ધસી આવે છે.
વિશ્વામિત્રનું મેનકાથી પતન એ એનું ઉદાહરણ છે.
તેથી ભક્તો ઇન્દ્રિયોના દરવાજા બંધ કરવા કરતાં એ દરવાજાઓ પર પ્રભુને પધરાવવાનું પસંદ કરે છે.
તે દશે ઇન્દ્રિયોને પ્રભુ તરફ વાળે છે અને મન-બુદ્ધિથી પ્રભુનું સ્મરણ કરે છે,
ભક્તિનો સહુથી સલામત માર્ગ આ છે.

સીતાજી,શ્રીરામનું ધ્યાન કરે છે અને શ્રીરામ એ સીતાજીનું ધ્યાન કરે છે,
ભક્ત ભગવાનનું અને ભગવાન ભક્તનું ધ્યાન કરે છે.
એકવાર નારદજી વૈકુંઠ-લોકમાં આવ્યા,તો તેમણે ભગવાનને ધ્યાનમાં બેઠેલા જોયા.
નારદજીને નવાઈ લાગી,તેમણે પ્રભુને પૂછ્યું-પ્રભુ,તમે કોનું ધ્યાન કરો છો?

ત્યારે ભગવાન કહે કે-હું મારા ભક્તોનું ધ્યાન કરું છું. નારદજી કહે –શું ભક્તો તમારાથી શ્રેષ્ઠ છે?
ભગવાન કહે- હા,છે જ. નારદ કહે –માન્યામાં આવતું નથી.
ભગવાન કહે –તો હું સાબિત કરી બતાડું.બોલો,જગતમાં મોટામાં મોટું કોણ?
નારદ કહે-પૃથ્વી. ભગવાન કહે -પૃથ્વી તો શેષનાગના ફણા પર રહેલી છે,અને શેષનાગ તો મહાદેવજીના હાથનું કડું છે,તો, શિવજી –સમેત આખો કૈલાશ રાવણે ઉઠાવેલો,અને એ જ રાવણને બગલમાં રાખીને વાલી સંધ્યા કરતો હતો. તો, એ વાલીને રામે એક જ બાણથી મારેલો.
ત્યારે નારદે કહ્યું-ત્યારે તો આપ જ મોટા,હું કહેતો હતો તે સાચું જ હતું.
ભગવાન કહે છે કે-હું શેનો મોટો? મારો ભક્ત મને એની હૈયાની દાબડીમાં પુરી રાખે છે.

તુલસીદાસજીએ બરાબર જ કહ્યું છે કે-'રામ સે અધિક રામ સર દાસા' રામનો દાસ રામથી ચડી જાય.
મહાત્માઓ કહે છે કે-માટે બીજું કશું બનવું છોડીને રામના ભક્ત બનો.તે ઉંચામાં ઉંચી પદવી છે.
વારંવાર મન ને રામ-સ્વ-રૂપમાં લીન કરો.ધ્યાનમાં તન્મયતા થતાં દેહભાન જશે,અને જગતનું ભાન 
ભુલાશે.જેમ જેમ સંસારનું વિસ્મરણ થતું જશે તેમ તેમ આનંદની માત્રા વધતી જશે ને છેલ્લે,
આનંદ-આનંદ-પરમાનંદ થઇ રહેશે.

એક ખાંડની પૂતળી હતી,તે સાગરનું ઊંડાણ માપવા ગઈ,ગઈ તે ગઈ,પછી આવી જ નહિ,પોતે જ સાગર 
થઇ ગઈ.મન આ ખાંડની પૂતળી જેવું છે,તે જે ઈશ્વરમાં મળી ગયું,તો પછી જુદું થઇ શકતું નથી.
જીવનો પરમાત્મામાં લય થઇ જાય છે.જીવ –શિવ એક થઇ જાય છે.
પરમાત્મા દરિયા જેવા વિશાળ છે.જ્ઞાની પુરુષો પરમાત્માના રૂપ સાથે એવા મળી જાય છે કે-
તે પછી કહી શકતા કે –હું જાણું છું. તે તો કહે છે કે-હું જાણું છું કે 'હું જાણતો નથી'.

ધ્યાન કરનારનું “હું-પણું” ઈશ્વરમાં મળી જાય છે.આ 'અદ્વૈત' છે.
પછી જીવનું જીવ-પણું રહેતું નથી,જીવ-ભાવ એ પરમાત્મ-ભાવ બની જાય છે.
ઈયર ભમરી બની જાય છે,ધ્યાન કરનાર જે સ્વરૂપનું ધ્યાન કરે તે સ્વરૂપની 'શક્તિ' તેનામાં આવે છે.
પરમાત્મા સાથે તેનું અનુસંધાન થતાં પરમાત્માની 'કૃપા' તેના પર વરસે છે.

બંધનો દરવાજો ખૂલી જતાં જેમ પાણીનો ધોધ વહે છે તેમ,પરમાત્માની 'કૃપા' તેના પર વરસે છે.
તુલસીદાસજી કહે છે કે-જેના પર પ્રભુ કૃપા કરે છે,તે જ પ્રભુને જાણી શકે છે,
અને પ્રભુને જાણ્યા પછી પોતે પણ પ્રભુ જ બની જાય છે.એના “હું” નો “તું” થઇ જાય છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE