Nov 3, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૧૭

શ્રીરામ કહે છે કે-એ ભૂમિ પર એકવાર સુંદ અને ઉપસુંદ નામના બે ભાઈઓ રહેતા હતા.તેમની તપશ્ચર્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા,ત્યારે તેમણે માગ્યું કે-“અમે કદી મરીએ નહીં,તેવું વરદાન અમને આપો” બ્રહ્મા કહે છે કે-તમારી માગણી પર કંઇક અંકુશ રાખો!  
બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ પ્રેમ અને હળી-મળીને રહે-કે એમને થયું કે-“આપણી બંનેની વચ્ચે તો કદી ઝગડો-કજીયો તો કદી થવાનો જ નથી.તેથી તેમણે માગ્યું કે-“મહારાજ,અમે બે ભાઈઓ વચ્ચે ઝગડો થાય,અને અમે બાઝીએ તો જ અમારું મરણ થાય,બાકી તે સિવાય ક્યારે ય કદી અમારું મૃત્યુ થાય નહીં તેવું વરદાન અમને આપો” બ્રહ્માએ કહ્યું –તથાસ્તુ.

બંને ભાઈઓ મહા શક્તિશાળી હતા,શક્તિનો સદુપયોગ કરે તે દેવ અને દુરુપયોગ કરે તે દૈત્ય.
બંને ભાઈઓએ શક્તિનો દુરુપયોગ કરવા માંડ્યો.દેવોને એમણે ખૂબ જ ત્રાસ આપવા માંડ્યો.
દેવો છેવટે બ્રહ્માજીને શરણે ગયા.બ્રહ્માજી એ તિલોત્તમા નામની અપ્સરાને કહ્યું કે-તું જા,અને 
આ બંને ભાઈઓ વચ્ચે ઝગડો કરાવ. તેથી તે તિલોત્તમા-અપ્સરા આ બંને ભાઈઓ પાસે આવી.

તિલોત્તમાનું રૂપ જોઈ ને બંને ભાઈઓ એક સાથે બોલી ઉઠયા કે-“હું આને પરણું”
સુંદ કહે છે કે-“એ મારી છે.” ત્યારે ઉપસુંદ કહે છે કે-“જરા વિચારીને બોલ એ તારી ભાભી છે.”
આમ બંને ઝગડવા માંડ્યા.તેમણે તિલોત્તમાને પૂછ્યું તો તે કહે કે-તમારામાંથી જે બળીયો હશે તેને હું પરણીશ. હવે બંનેમાં બળીયો કોણ ? એતો બાઝ્યા વગર કેમ નક્કી થાય? એટલે બંને ભાઈઓ એવા લડ્યા કે 
બંને લડીને મર્યા.ત્યારથી એ જમીનમાં ભાઈ-ભાઈના ઝગડાના,દ્વેષના સંસ્કાર ઉતરી આવ્યા છે,
ને મનુષ્યના મન પર તેની અસર થાય છે.

આમ જ ગૃહસ્થના ઘરમાં પણ કામના પરમાણુઓ રહેલા છે,એટલે ત્યાં મનુષ્ય ભક્તિમાં પણ સ્થિર ના થઇ શકે.
અને એટલા જ માટે ઋષિ મુનિઓ વનમાં જઈ ને તપ કરવાનું કહે છે,અને એ તપ વૃદ્ધાવસ્થામાં નહિ પણ યૌવન અવસ્થામાં કરવું જોઈએ.વૃદ્ધાવસ્થામાં શરીર શિથિલ થઇ ગયા પછી કંઈ થઇ શકતું નથી, 
શરીર ભાંગ્યા પછી ડાહ્યો થાય તે સાચો ડાહ્યો નથી,માટે જ યૌ”વન” માં જ “વન”માં જવાની જરૂર છે,
રામજીએ યુવાન અવસ્થામાં જ વનમાં જઈને તપ કર્યું છે.

મન નિર્વિષયી બને તો મુક્તિ છે,અને મન વિષયી બને તો બંધન છે.વિષયોનું ચિંતન કરતાં 
મન વિષયાકાર બની જાય છે,અને મન વિષયાકાર થાય તો તે બંધનનું કારણ બને છે.
અને એક વાર બંધાયો કે પછી પરમાત્માના સ્વરૂપનું ચિંતન થઇ શકતું નથી.

વ્યાસ ભગવાનના શિષ્ય જૈમિનીનું દૃષ્ટાંત આ બાબતે સમજવા જેવું છે.
જૈમિની ઋષિ યુવાવસ્થામાં જ મહા-તપસ્વી તરીકે સિદ્ધ થયા હતા.જેવી તેમની તપસ્યા તેવું જ તેમનું જ્ઞાન હતું.જ્ઞાન અને જપ દ્વારા ઇન્દ્રિયો પર તેમણે કાબુ મેળવ્યો હતો.પોતાની સિદ્ધિનું તેમને ભારે અભિમાન હતું.
વ્યાસજી જયારે ભાગવત લખતા હતા,તે લખાઈ જાય ત્યારે તે લખેલું, જૈમિનીને જોઈ જવા આપતા.

એક વાર જૈમિનીએ ભાગવત માં આ શ્લોક વાંચ્યો-“બલવાન ઇન્દ્રિયગ્રામો,વિદ્વાસમ અપિ કર્ષતિ”
(ઇન્દ્રિયો એટલી બળવાન છે કે-ભલભલા વિદ્વાનોને પણ ચળાવી દે છે.)
આ વાંચી જૈમિનીને લાગ્યું કે વ્યાસજીની અહીં ભૂલ છે.
“કર્ષતિ” એટલે કે “ચળાવે છે” ને બદલે “અપ કર્ષતિ” એટલે કે “ચળાવી નથી શકતી” તેમ હોવું જોઈએ.
કારણકે-હું મહા વિદ્વાન છું અને મને તો ઇન્દ્રિયો ચળાવી શકતી નથી.
એટલે તેમણે વ્યાસજીને વાત કરી.વ્યાસજી એ સૌમ્ય-ભાવે કહ્યું કે-જે લખાયું છે તે બરોબર જ છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE