Oct 9, 2021

Gujarati-Ramayan-Rahasya-97-ગુજરાતી-રામાયણ-રહસ્ય-97


દશરથ રાજા કૌશલ્યાને ભૂતકાળ ના પોતાના કરુણ પ્રસંગની કથા કહે છે,
રાજા ની વ્યાકુળતા વધી છે,અને ધીરે ધીરે “હે,રામ-હે,રામ” બોલતા જાય છે.
સાથે સાથે તેમનો જીવ પણ ઊંડે ઉતરતો જતો હતો.મધરાતે “રામ-રામ-રામ-
રામ-રામ-રામ” એમ છ વખત રામનામ ઉચ્ચારી તેમણે દેહ છોડી દીધો.
દશરથજીનો રામજી પ્રત્યેનો પ્રેમ અને રામજીનો વિયોગ અપ્રતિમ છે.એમને રામ 
પાછા નહિ જ આવે તેવી ખાતરી થતા રામજીના વિયોગમાં પ્રાણ ત્યજી દીધા.
તેમણે જીવી જાણ્યું ને મરી પણ જાણ્યું.આ દુનિયામાં જીવવું યે મહત્વનું છે ને મરવું પણ મહત્વનું છે. 

આપણને તો નથી જીવતાં આવડતું કે નથી મરતાં આવડતું. શાસ્ત્રોમાં તો કેમ મરવું તે પણ બતાવ્યું છે.
ભાગવતમાં વ્યાસજી એ “મરવું એ પણ એક કળા છે” એમ કહ્યું છે.
ગીતાજીમાં કહ્યું છે કે-“જે પુરુષ ॐ એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતો અને મારું (પ્રભુનું) સ્મરણ કરતો,
દેહ ત્યજીને મરણ પામે છે ,તે પરમ ગતિ ને પામે છે.”રામ એ ॐ નું જ રૂપ છે.
પણ અંતકાળે રામનું નામ જીભ પર આવે કેવી રીતે?

સામાન્ય માણસની બુદ્ધિ તો અંતકાળે બગડે છે.એ ભયભીત બની જાય છે.જિંદગીભર જે ભેગું કર્યું તેનું શું થશે?
આ કર્યું ને તે કર્યું,આનું શું થશે ?અને પેલાનું શું થશે? તેના વિચારોમાં સારું કશું યાદ આવતું નથી,
અને સારું સુઝતું નથી.આખી જિંદગી શરીરના અને ઇન્દ્રિયોના લાડ કર્યા હોય,તેને અંતકાળે રામ યાદ 
આવતા નથી.તેને એ કેવી રીતે સમજાય કે યાદ આવે કે-આત્મા ને શરીર સાથે કોઈ સંબંધ નથી,
કે પત્ની-પુત્રાદિ જોડે પણ કોઈ સંબંધ નથી.દેહ ધારણ કરેલો હોય કે દેહનો ત્યાગ કરેલો હોય,આત્મા અલિપ્ત છે,
તેને કોઈ ની સાથે સંબંધ નથી,આ વાત જ્યાં લાગી સમજાય નહિ ત્યાં સુધી મૃત્યુ માનવીને ડરાવે છે.

મહાપુરુષો અને સંતપુરુષોના જીવનને જોવામાં આવે તો આ વાત સ્પષ્ટ દેખાય છે.
ધ્રુવજી આગળ મૃત્યુ માથું નમાવીને ઉભું રહે છે,મૃત્યુના માથા પર પગ મૂકી ધ્રુવજી વૈકુંઠમાં જાય છે.
એવું ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે.તુકારામ સૌને રામ-રામ કરીને સ્વર્ગમાં ગયા છે.મીરાં સદેહે દ્વારકાનાથમાં 
સમાઈ ગયાં છે.સંતોનું પૃથ્વી પરથી “પ્રયાણ” થાય છે,સામાન્ય માનવી “મરે” છે.પ્રયાણ અને મરવામાં ફરક છે.
છેક છેલ્લા શ્વાસ સુધી નિત્યકર્મ થાય-પ્રભુનું સ્મરણ રહે,પ્રભુનું નામ મુખ પર રહે તે પ્રયાણ,
અને હાય-હાય કરતાં કરતાં શરીર છોડવું પડે તે મરણ.

શ્રીમંત બળાપો કરે છે કે સેવા તો કરવી છે પણ શરીર સારું રહેતું નથી.શું કરું?
તો ગરીબ કહે છે કે-મારી પાસે ધન નથી તો હું શું કરું? 
મનુષ્ય પોતાની પાસે જે નથી તેનો બળાપો કરી જીવ બાળે છે પણ જે છે તેનો સેવામાં ઉપયોગ કરતો નથી.
મહાત્માઓ કહે છે કે-તન,મન અને ધન ત્રણેથી સેવા કરવી જોઈએ.જો પ્રભુ એ ત્રણે આપ્યાં હોય તો-
ત્રણથી,બે આપ્યા હોય તો બે થી અને એક જ આપ્યું હોય તો એક થી,પણ સેવા કરો.
અને એકમાં યે ઓછું હોય તો જે અંગથી સેવા થાય તે કરો.
દાખલા તરીકે તન આપ્યું હોય પણ જો અપંગ હોય તો બીજા કોઈ અંગ થી કે જેનાથી સેવા થાય તે કરો.

પ્રભુએ જે આપ્યું છે તેનો ઉપયોગ સત્ય-ધર્મ-કર્મ માટે કરવાનો છે.
તેનો દુરુપયોગ કરવો એ ગુનો છે અને તેનો સદુપયોગ ના કરવો તે પણ ગુનો છે.
દશરથ રાજા શિકાર કરવા ગયા ત્યારે માત્ર કાનનો જ ઉપયોગ કરે છે,આંખનો ઉપયોગ કર્યો નહિ ને 
શબ્દ-વેધી બાણથી શ્રવણનો વધ કર્યો તો એમનું મૃત્યુ પણ પોતે આપેલા કૈકેયીને શબ્દને લીધે જ થયું.
શ્રવણનાં માત-પિતા,અંધ અને અપંગ હોઈ તેમની ત્રણે વચ્ચેનો વ્યવહાર પણ માત્ર કાન દ્વારા જ ચાલે છે. 
માતા-પિતા શ્રવણને માત્ર કાન દ્વારા જ જાણે છે,અને દશરથ રાજા પણ માત્ર કાનનો ઉપયોગ કરે છે.
આ ચારે એકાંગી છે,માત્ર એક અંગ (કાન) નો ઉપયોગ કરે છે,

ઘરડાં અપંગ મા-બાપ પોતે પોતાનો બોજો ઊંચકી શકતાં નથી અને તે બોજો પુત્ર પર નાંખી યાત્રા કરવા 
જાય છે.અને તે ભૂલી જાય છે કે-જ્યાં સત્સંગ કે સત્સંગ થાય તે તીર્થ જ છે.એ એમને સમજાણું નહિ અને 
તે તીર્થને બહાર શોધે છે.અંધ શ્રદ્ધાનું તે સ્વરૂપ છે,ભાવને ભૂલી જાય છે ને શબ્દને વળગી રહે છે.
અને પરિણામે શ્રવણકુમારનો અંત આવે છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE