Oct 6, 2021

Gujarati-Ramayan-Rahasya-94-ગુજરાતી-રામાયણ-રહસ્ય-94

તુલસીદાસજી કહે છે કે-તે વનવાસીઓ પર રામજીના દર્શનની,રામ-નામની એટલી બધી અસર થઇ હતી કે, લોકો કંદમૂળ-ફળ વગેરેના પડિયા ભરી ભરીને રામજીના દર્શન કરવા ચાલ્યા આવતા હતા.જાણે દરિદ્રો સોનું લુંટવા ચાલ્યા.રામ-દર્શનનું સોનું લુંટવા મળ્યું એટલે એમણે બીજી લૂંટ-ફાટ છોડી દીધી.રામચંદ્રજી પણ આ વનવાસીઓનો ખૂબ પ્રેમથી સત્કાર કરે છે,એમની સાથે હેત-પ્રીતથી વાતો કરે છે.વનવાસીઓના સુખનો-આનંદનો પાર નથી.

વનવાસીઓ રામજીને કહે છે-કે-રામજી,અમારાં ભાગ્યે જ તમને અહીં ખેંચી લાવ્યા છે.
તમારાં પગલાંથી અમારી ધરતી ધન્ય બની છે,તમે અહીં જ રહો,અમે રાત-દિવસ તમારી સેવા કરીશું.
અહીં ની કેડી-કેડીના ભોમિયા થઇ અમે તમને બધું બતાવીશું.
નાના બાળકની જેવા ભોળા વનવાસીઓ ની શ્રદ્ધા-ભરી વાણીને રામજી સાંભળી રહે છે.

તુલસીદાસજી પણ મુગ્ધ થઇને રામજીની આ લીલાનું વર્ણન કરે છે.તેઓ કહે છે કે-
રામનાં પગલાંથી આ વનની શોભા એવી ફરી ગઈ કે ,કૈલાશ,સુમેરુ,હિમાલય જેવા દેવોના નિવાસ વાળા પર્વતો પણ ચિત્રકૂટનો જશ ગાવા લાગ્યા.વિંધ્યાચલ ખુશ ખુશ હતો કારણકે વિના શ્રમે તેને આવી મોટાઈ મળી હતી.આ વનની શોભા હું શું વર્ણવું? હું ખાબોચિયાનો કાચબો મંદરાચળ કેમ કરી ઉઠાવી શકું?

કોઈ વાર અયોધ્યાનું સ્મરણ થતા રામજીની આંખો ભરાઈ આવતી.માતા-પિતા અને ભરતનો પ્રેમ 
તે ભૂલી શકતા નહોતા.રામચંદ્રજીને જોઈ લક્ષ્મણજી અને સીતાજી પણ વ્યાકુળ થઇ જતા.
ત્યારે રામજી સ્વસ્થ થઇ ને લક્ષ્મણજી અને સીતાજી ને પવિત્ર કથા-વાર્તાઓ કહેતા.
ધીરે ધીરે ચિત્રકૂટનું વન સૌન્દર્ય રામજીને ગમી જાય છે,અને તે જોઈને હવે તે આનંદ પામે છે.
અયોધ્યા છોડ્યાનું અને સર્વની યાદોનું દુઃખ ધીરે ધીરે વિસારે પડે છે.

રામજી,સીતાજીને કહે છે કે-આ રમણીય પર્વત જોઈને મારા સુખનો પાર નથી,અહીં અનેક વર્ષ રહેવું પડે 
તો પણ મને દુઃખ ન થાય.હવે તો મને અયોધ્યા કરતાં પણ ચિત્રકૂટ વધુ આનંદ આપે છે.
બાળપણથી જ મને વનવાસની હોંશ હતી તે હવે પુરી થઇ.

પ્રકૃતિ-સૌન્દર્યની વચ્ચે રહી એકાંતમાં નિવૃત્ત જીવન ગાળવાનો આનંદ અનેરો છે.
એટલે તો ઋષિ-મુનિઓ લોકો થી દૂર એકાંતમાં આશ્રમ બાંધીને રહેતા હતા.
શાસ્ત્રમાં પણ વાનપ્રસ્થાશ્રમની આજ્ઞા કરેલી છે તે પણ આ કારણે જ .

બીજી તરફ,રામચંદ્રજીને પર્ણકુટી બાંધી આપીને નિષાદરાજ ગુહ રામની આજ્ઞા થતાં શુંગવેરપુર પરત આવે છે,અને આવીને જુએ છે તો,મંત્રી સુમંત્ર સુનમુન થઇ –હે રામ હે રામ –બોલતાં વિલાપ કરતા હતા.
રથના ઘોડા પણ રામચંદ્ર ગયા એ દિશામાં મોં કરીને શૂન્ય નજરે જોઈ રહ્યા હતા.પગ આગળ તાજા લીલા
ઘાસનો ઢગલો એમ ને એમ પડ્યો હતો.ઘોડાઓ ઘાસ ખાતા નહોતા અને પાણી પણ પીતા નહોતા.

ગુહે આવીને સુમંત્રને રામજીના ચિત્રકૂટના નિવાસના ખબર કહ્યા ને પછી તેમને સમજાવીને અયોધ્યા જવા 
અને રામજીના સમાચાર આપવા, રથમાં બેસાડ્યા,પણ સુમંત્ર તો રથમાં પણ જાણે ઢગલો થઇને નીચે પડી ગયા.
ગુહને થયું કે આવી હાલતમાં સુમંત્ર રથ હાંકી શકશે નહિ,એટલે તેણે પોતાના ચાર માણસોને
રથમાં ચડાવ્યા અને સુમંત્રની સંભાળ રાખવાનું કહ્યું.ઘોડા પણ રામજીને છોડીને અહીંથી જાણે પરત જવા 
તૈયાર ના હોય તેમ વારંવાર ઠોકરો ખાઈને પડી જતા હતા. રામજીની દિશા તરફથી જાણે તે પોતાનું 
મોં ફેરવવા માગતા નહોતા.ફરી ફરી ઉભા થઇ ને તે શ્રી રામ ગયા હતા તે દિશા તરફ જોતા હતા.
નિષાદોએ તેમના કાનમાં રામ-સીતાનું નામ - બોલી ને તેમની ચેતનાને ટકાવી રાખવાનો પ્રયત્ન કર્યો 
અને ધીરે ધીરે તેમને અયોધ્યા બાજુ લઇ જવાનો પ્રયત્ન કર્યો.

સુમંત્ર હજુ બેભાન જેવી અવસ્થામાં જ વિલાપ કરતા કરતા કહે છે કે-ઘોડા જેવું પ્રાણી પણ,પોતાના 
માલિક છોડીને ગયા છે તો આવા વ્યાકુળ થાય છે, તો રામજીના માત-પિતાની શું હાલત હશે? 
રામજીનો વિયોગ તેમને કેટલો સાલતો હશે?તેમને જઈને હું શું જવાબ દઈશ? ધિક્કાર છે મને.
કૈકેયીના કહેવાથી હું રામજીને ત્યાં ન લઇ ગયો હોત તો આજે આ દિવસ જોવા વેળા ન આવત.
હું જ અપજશ નું કારણ બન્યો.અરે,મારા પ્રાણ કેમ છૂટી જતા નથી?

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE