Oct 22, 2021

Gujarati-Ramayan-Rahasya-109-ગુજરાતી-રામાયણ-રહસ્ય-109

શ્રીરામે ભરતને આશ્વાસન આપવા અનેક દષ્ટાંતો આપીને કહ્યું કે-ભાઈ,તમે ખોટો 
શોક ના કરો.જીવની ગતિ ઈશ્વરાધીન છે.હું નિશ્ચયપૂર્વક કહું છું કે,ત્રણે ભવનોના
પુણ્યાત્મા લોકો,તમારા કરતાં ઉતરતા છે. હે ભરત,તમારા નામનું સ્મરણ કરતાં સર્વ તાપ,પાપ,અજ્ઞાન અને અમંગલનો નાશ થશે,અને આ લોકમાં તથા પરલોકમાં સુખ પ્રાપ્ત થશે.વેર અને પ્રેમ ઢાંક્યાં ઢંકાતાં નથી,પારધીને જોતાં જ પશુ પંખીઓ ભાગી જાય છે અને મુનિઓ પાસે તે નિર્ભય થઇ ને ફરે છે.પશુપંખીઓ પણ પ્રેમને ઓળખે છે,તો મનુષ્ય કેમ ઓળખી શકે નહિ? 
હું તમને ઓળખું છું.તેથી તમે જે કહો તે કરવા હું તૈયાર છું.

ભરતજી રામજીની કૃપાથી ગદગદ થયા છે,બે હાથ જોડી તેમણે કહ્યું કે-હવે હું શું કહું ને શું કહેવડાવું?
હું ખોટા ભયથી ડરી ગયો હતો,મારા શોકનું કોઈ મૂળ જ નહોતું.પણ આપની મારા પર અપરંપાર કૃપા છે,
હું આપનો સેવક છું અને આપને શરણે આવ્યો છું. સેવકનું હિત તે સ્વામીની સેવા છે,સેવકે પોતાના 
સુખનો વિચાર કરવો જોઈએ નહિ,એથી હવે આપ જ કહો કે જેમાં આપને કોઈ ક્ષોભ ના રહે.
અને મારું હિત થાય. આપ આજ્ઞા કરો તે પ્રમાણે કરવા હું તૈયાર છું.

અમે રાજ્યતિલકની સામગ્રી લઈને આવ્યા છીએ.આપને રાજ્યતિલક કરવામાં આવે ને 
આપ અયોધ્યા પધારી અયોધ્યાને સનાથ કરો.
--આપ અને લક્ષ્મણ અયોધ્યા પધારો ને હું અને શત્રુઘ્ન વનવાસ ભોગવીશું,
--અથવા લક્ષ્મણ-શત્રુઘ્ન અયોધ્યા જાય ને હું આપની સાથે વનવાસ ભોગવું,
--અથવા અમે ત્રણે ભાઈઓ વનમાં રહીશું અને આપ સીતાજી સાથે અયોધ્યા જાઓ.
હું સત્યભાવે કહું છું કે-આપ જે આજ્ઞા કરશો તે હું માથે ચડાવીશ.

તે જ વખતે જનકરાજાના દૂતો ત્યાં પધાર્યા.એટલે વાત ત્યાંજ અટકી.બીજે દિવસે,જનકરાજા,રાણી તથા 
ગુરૂ શતાનંદ વગેરે ત્યાં આવી પહોંચ્યા.શોકનો સાગર ફરીથી ઉમટ્યો.જનકરાજા બ્રહ્મનિષ્ઠ હતા તેમ છતાં 
સીતાજીનો તપસ્વી વેશ જોઈ તેમનું હૃદય ભરાઈ આવ્યું.વશિષ્ઠજીએ તેમને આશ્વાસન આપ્યું.
એ આખો દિવસ ભોજનની વાત તો દૂર રહી કોઈએ પાણી સુધ્ધાં પીધું નહિ.

સીતાજીને જોઈને માતાઓના દુઃખનો પણ પાર નહોતો.
કૌશલ્યાજી કહે છે કે-આ વિધાતાને શું કહેવું? દૂધના ફીણ જેવી કોમળ ચીજને તે વજ્રના ટાંકણાથી તોડે છે.
સુમીત્રાજી કહે છે કે-વિધાતા વિવેક-શૂન્ય છે.
ત્યારે કૌશલ્યાજી કહે છે કે-કોઈનો વાંક નથી,સુખ-દુઃખ બધું કર્માધીન છે,કર્મની ગતિ ગહન છે,ઈશ્વરની 
આજ્ઞા વગર કાંઇ થતું નથી.રામ,લક્ષ્મણ સીતા વનમાં આવ્યા છે તો તેનું કંઈ સારું જ પરિણામ આવશે.
મને તો ચિંતા એકલા ભરતની છે.હું કદી રામના સોગંધ ખાતી નથી પણ આજે હું રામના સોગંધ ખાઈ ને કહું છું કે-ભરતના શીલ-ગુણની કોઈ જોડ નથી,મારે મન તો ભરત પણ કુળનો દીવો છે.છતાં પણ મને બીક એ છે કે-ભરત રામ વગર જીવી નહિ શકે,લક્ષ્મણને બદલે રામની જોડે જ એનું રહેવાનું થાય તો સારું.
તેમણે આ વાત જનકરાજાને કરવાનું સીતાજીની માતાજીને કહ્યું.

માતા પિતાને પ્રેમને લીધે સીતાજી પણ વ્યાકુળ થયાં હતાં.જનકરાજાએ તેમને પોતાની સાથે લઇ જવાનું
ઈચ્છયું.પણ સીતાજીએ કહ્યું કે-જ્યાં મારા પતિ ત્યાં હું.મારા પતિનો વનવાસ એ મારો પણ વનવાસ છે.
હું એમના સુખ-દુઃખની ભાગીદાર છું.ત્યારે જનકે કહ્યું કે-બેટા,તેં તો બેઉ કુળ પવિત્ર કર્યા છે.

ભરતજીનો વ્યવહાર જોઈ જનકરાજા પ્રેમવિહવળ બની ગયા હતા.તેથી જયારે સીતાજીની માતાએ,
કૌશલ્યાજીએ ભરત માટે કરેલી વાત કહી,ત્યારે જનકરાજાના અંતરમાં ખૂબ આનંદ થયો.
તેમની આંખો પ્રેમાશ્રુથી છલકાઈ,થોડીક વાર તેઓ આંખો મીંચી ને તેનો આનંદ માણી રહ્યા અને
પછી બોલ્યા-કે-હું કર્મનિષ્ઠ,રાજનીતિજ્ઞ ને બ્રહ્મજ્ઞાની ગણાઉં છું,પરંતુ ભરતજીના પ્રેમને મારી બુદ્ધિ
પહોંચી શકતી નથી.ભરતજીનું ચરિત્ર ગંગાજી કરતાં યે પવિત્ર છે.અને અમૃત કરતાં યે મધુર છે.

ભરતજીની જગમાં કોઈ જોડ નથી,ભરતજીનો મહિમા અપાર છે,મેરુ (પર્વત) ને તોળી શકાશે પણ
ભરતજીની મહિમાનું માપ નહિ કાઢી શકાય.તેમનો મહિમા કેવળ રામચંદ્રજી જ જાણે છે,પરંતુ તે પણ તેનું 
વર્ણન કરી શક્યા નથી.હું જોઈ શક્યો છું કે-રામ સમતાની સીમા છે,પણ ભરતનો પ્રેમ એ મમતાની સીમા (અવધિ) છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE