Oct 16, 2021

Gujarati-Ramayan-Rahasya-103-ગુજરાતી-રામાયણ-રહસ્ય-103

“રામનો મિત્ર છે” એવું જ્યાં ભરતજીએ સાંભળ્યું કે તે આનંદમાં આવી ગયા ને 
રથમાંથી કુદી પડી ને નિષાદરાજને મળવા દોડ્યા. નિષાદરાજે પ્રણામ કર્યા,
ત્યારે ભરતે ખૂબ પ્રેમથી તેને છાતી-સરસો ચાંપ્યો.ચારે તરફ “ધન્ય હો,ધન્ય હો” 
થઇ રહ્યું,ભોજનના થાળ તો એમ ને એમ બાજુ પર રહી ગયા,ભરતજીએ તો 
એ કશાની સામે નજર સરખી કરી નથી.ભરતજી ત્રણે ગુણોથી પર છે,નિર્ગુણ છે.

રામનું “નામ” લઇ ને કોઈ બગાસું ખાય તો,પાપ તેની નજીક જતાં પણ બીવે છે.
રામના “નામ” ની નજીક પણ જો પાપ ના આવી શકે તો,આ ગુહ  તો રામજી જાતે ભેટ્યા હતા,
એટલે ગુહ જેવો પવિત્ર બીજો કોણ હોઈ શકે? ભરતજી ફરી ફરી એણે છાતી-સરસો દાબવા લાગ્યા.
શ્રીરામે,ગુહની આ કેવી મોટાઈ કરી છે!! શ્રીરામે કોને મોટાઈ આપી નથી? “કેહિ ન દીન્હ રઘુવીર બડાઈ”

ગુહે ઈશારો કરી પોતાના માણસોને કહી દીધું કે-હવે લડવાનું નથી પણ સેવા ઉઠાવવાની છે.
ગુહની આખી સેના હવે ભરતજીના સંઘની સેવામાં લાગી ગઈ.અને સૌના આતિથ્યની ગોઠવણ થઇ ગઈ.
ભરતજીએ ગુહને પૂછ્યું કે-શ્રીરામ રાતે ક્યાં રહ્યા હતા? એટલે ગુહ ભરતને લઇ ને રામજી જ્યાં રાતે રહ્યા હતા 
તે જગા બતાવવા ચાલ્યો.ભરતજીનું શરીર નબળું થયું હતું,વારંવાર તે લથડિયાં ખાતા હતા,
એટલે તેમણે ગુહના ખભાનો સહારો લીધો,અને તેને ખભે હાથ દઈ ને ચાલવા લાગ્યા.

શ્રીરામે જે જગ્યાએ જે ઝાડની નીચે રાતવાસો કર્યો હતો તે જગ્યા ગુહે બરોબર સાચવી રાખી હતી.
દર્ભની સુંદર પથારી હજુ તેમની તેમ હતી.તેને જોઈને ભરતની આંખમાંથી દડદડ આંસુ નીકળવા લાગ્યાં.
ભરતજીએ તેની પ્રદિક્ષણા કરી ને શ્રીરામના ચરણની નિશાનીવાળી રજ માથે ચડાવી.
ભરતજી ગુહને કહે છે કે-ધૂળની કિંમત નથી,પણ શ્રીરામ જેને મોટાઈ આપે છે,તે મહાન બની જાય છે.
“જો બડ હોત સો રામ બડાઈ”

રામ-સીતાએ જે દર્ભની પથારી પર રાત કાઢી હતી તેને જોઈ ને ભરત કલ્પાંત કરે છે,કહે છે કે-
“આ બધું મારે લીધે જ થયું,અરેરે,જેને લીધે આ બધા ઉત્પાતો થયા છે તેવા મને ધિક્કાર છે,હું કુળકલંક પાક્યો.”
ત્યારે ગુહ તેમને સાંત્વનના બે બોલ કહે છે,”એમાં આપનો કે માતા કૈકેયીનો દોષ નથી પણ વિધાતાએજ
માતાજીની (કૈકેયીની) બુદ્ધિ ફેરવી નાંખી. “બિધિ આપ કી કરની કઠિન”

પછી,ગુહે નદીનો આર આગળની જગ્યા બતાવી કહ્યું કે-અહીં રામ-લક્ષ્મણે વડનું દૂધ મંગાવીને જટા 
બાંધી હતી.આ સાંભળતાં જ ભરતને એવો આઘાત લાગ્યો કે તે બેભાન થઇ ગયા.
એકદમ માતા કૌશલ્યા ત્યાં દોડી આવ્યાં,અને તેમણે પાણી છાંટીને ભરતને પાછો ભાનમાં લાવ્યાં.
ભરતજીએ ગંગાજીને પ્રણામ કરીને પ્રાર્થના કરી કે-મા,આપ તો કામધેનું છો,હું આજે માગવા આવ્યો છું,
મને એવું વરદાન આપો કે સીતારામના ચરણમાં મને સ્વાભાવિક (સહજ) પ્રીતિ થાય.
“જોરી પાનિ બર માગઉં એહૂ,સીયરામપદ સહજ સનેહૂ “

આખી રાત બધાએ ત્યાં આરામ કર્યો ને બીજે દિવસે સવારે સૌએ ગંગા નદી પાર કરી,
ભરતજીએ કહ્યું કે-ઘોડા,રથ, અને પાલખીઓને આગળ કરો,હું પાછળ ચાલતો આવીશ,શ્રીરામ અહીંથી 
ચાલતા ગયા છે,એટલે હું પણ અહીંથી ચાલીશ.નિષાદરાજ અને શત્રુઘ્ન પણ ભરત જોડે ચાલે છે.
ભરત એ બંનેના ખભાનો ટેકો લઇ,રામરામ કરતા ચાલે છે.
ધન્ય છે ભરતને,કે જેને પિતાએ રાજ્ય સોંપ્યું તે લીધું નહિ અને મોટાભાઈને મનાવવા જાય છે.

ભરતની દાસ્ય ભક્તિ છે,ભરત જેવો બડભાગી બીજો કોઈ નથી,કારણકે ભરતજીને રામજી હંમેશાં યાદ કરે છે,
“જગ જપુ રામ,રામ જપુ જે હિ” જગત જે રામને જપે છે તે રામ ભરતને જપે છે.!!!
ઈશ્વર જેનું સ્મરણ કરે તેની ભક્તિ સાચી.જીવ ઈશ્વરને યાદ કરે તે સ્વાભાવિક છે,સામાન્ય છે,પણ,
ઈશ્વર જે જીવ ને યાદ કરે તેવા ભક્ત ને ધન્ય છે.

ઉઘાડા પગે ચાલવાથી ભરતના પગમાં ફોલ્લા પડે છે,છતાં ભરતની પ્રતિજ્ઞા હતી કે રથમાં બેસવું નથી.
જોડે જોડે સેવકો ઘોડાની લગામ પકડીને સવાર વગરના ઘોડાઓ દોરીને ચાલે છે,પણ ભરતજી તેની સામું પણ
જોતા નથી.સંઘ ધીરે ધીરે પ્રયાગરાજ પહોંચ્યો,ત્રિવેણી સંગમમાં બધાએ સ્નાન કર્યું,પ્રયાગરાજ તીર્થોનો રાજા છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE