Sep 22, 2021

Gujarati-Ramayan-Rahasya-81-ગુજરાતી-રામાયણ-રહસ્ય-81

ત્યારે યાજ્ઞવલ્કય ઋષિએ કહ્યું કે-ના,ધનથી મોક્ષ નહિ મળે,અમરત્વ નહિ મળે,
પણ તમે સુખ-સગવડથી આનંદથી જીવી શકશો. મૈત્રેયી કહે છે-જે ધનથી મોક્ષ ના મળે 
તે ધનને લઇ હું શું કરું? પછી યાજ્ઞવલ્કયે મૈત્રેયીને જિજ્ઞાસુ જાણી,તેને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપ્યો.
મોક્ષનાં સાધનો કહ્યાં.યાજ્ઞવલ્કયનો મૈત્રેયીને આપેલો એ ઉપદેશ અમર થઇ ગયો.

ઋષિ કહે છે કે-હે મૈત્રેયી,પત્નીને પતિ પર પ્રેમ અધિક હોય તે પતિની કામના પૂર્ણ કરવા માટે નહિ,
પણ પોતાની કામના જ પૂર્ણ કરવા માટે છે.એ જ રીતે પતિને સ્ત્રી અધિક પ્રિય લાગે છે 
તે પત્નીની કામના પૂર્ણ કરવા માટે નહિ,પણ પોતાની જ કામનાઓ પૂર્ણ કરવા માટે તે તેને પ્રિય લાગે છે.
માતપિતાનો પુત્ર પર અધિક પ્રેમ હોય છે તે પણ પુત્ર માટે નહિ,પણ પોતાને માટે જ હોય છે.
પુત્રો મોટા થઈને પોતાનું ભરણ-પોષણ કરશે ને સેવા કરશે,એ આશાએ તે પુત્રોને ચાહે છે,
નહિ કે તે પુત્રો છે એટલે ચાહે છે.

પત્ની પતિને ચાહે છે,કેમકે તે પતિ પોતાનું ભરણ-પોષણ કરે છે,નહિ કે એ પોતાનો પતિ છે એટલા માટે.
પતિ પત્નીને ચાહે છે કારણકે તે પત્ની પોતાની ઈચ્છાઓ પુરી કરે છે,નહિ કે તે પોતાની પત્ની છે –માટે.
મનુષ્ય મનુષ્ય સાથે પ્રેમ કરતો નથી પણ સ્વાર્થ માટે પ્રેમ કરે છે.

દશરથ રાજા કૈકેયીના મોહમાં ભાન ભૂલી વચનથી બંધાઈ જાય છે અને પછી ભાનમાં આવે છે 
ત્યારે તેમના વલોપાતનો પાર નથી.પાણી વહી ગયા પછી પાળ બાંધવાની વાત છે.
તેમની વેદના જોઈ ન જાય તેવી છે.રાજા અસ્ત-વ્યસ્ત દશામાં ખુલ્લી જમીન પર પડ્યા છે,
ને ઘડીએ ઘડીએ માથું કુટી કહે છે કે-
સવાર પડતાં પહેલાં જ હું મરી જાઉં તો સારું,જેથી આનું પરિણામ મારે જોવું ના પડે.

રાજા પોતાને જ વિષયાત્મા અને અતિ મૂર્ખ કહે છે.
વિષય-લોલુપતા માણસને કેટલે હદ સુધી અંધ અને મૂઢ બનાવી દે છે તેનું આ દ્રષ્ટાંત છે.
આખી રાત રાજા આમ તરફડતા રહ્યા.કૈકેયીને કેટલી યે આજીજીઓ કરી,તો યે તેણે માન્યું નહિ.
ત્યારે રાજા હતાશ થઇને કહે છે કે-કૈકેયી તારો દોષ નથી પણ મારો કાળ જ મને પિશાચની જેમ વળગ્યો છે.
તે જ તારી પાસે બધું બોલાવે છે,આ બધું મારા પાપ નું જ પરિણામ છે.મને લાગે છે કે- 
ભરત કદી ગાદીએ બેસશે નહિ,ચૌદ વરસ પછી રામ જ ગાદીએ બેસશે.
પણ આજે વિધાતા પ્રતિકૂળ છે,મારા રામનો રાજ્યાભિષેક જોવા હું જીવીશ નહિ.

આમ ને આમ સવાર થઇ,રોજ સવારે બ્રહ્મ-મુહૂર્તમાં ઉઠી નિત્યકર્મમાં લાગી જવાનો રાજાનો નિયમ હતો,
પણ આજે રાજમહેલમાં અંધારું હતું,વશિષ્ઠ ઋષિ આવી પહીંચીને રાજ્યાભિષેકની તમામ તૈયારીઓ 
પૂર્ણ કરી છે,અને રાજાની રાહ જુએ છે.છેવટે વશિષ્ઠે મંત્રી સુમંત્રને તપાસ કરવા મોકલ્યા.
મંત્રી સુમંતે રાજાને ક્રોધ ભવનમાં જમીન પર પડેલા જોયા,મંત્રી હાથ જોડી ને ઉભો છે પણ રાજા કંઈ
બોલતા નથી,ત્યારે કૈકેયીએ કહ્યું કે-તુ રામને જ બોલાવી લાવ.

સુમંત્ર સમજી ગયા કે કૈકેયીએ કંઈ કપટ કર્યું લાગે છે,તેમના મનમાં ફફડાટ પેસી ગયો,
અને રામને બોલાવી લાવવા દોડ્યા.સુમંત્રને આવતા જોઈ રામ સામે દોડ્યા.
સુમંત્ર કહે છે કે-આપના પિતાજી આપને યાદ કરે છે.રામજી તરત જ તેમની સાથે ગયા,
બારણા આગળ લક્ષ્મણ ઉભા હતા તે પણ સાથે ગયા.

રામજીએ આવીને જોયું તો-રાજાની હાલત દયાજનક હતી.રાજા બોલી શકતા નથી.
એમણે કૈકેયીને પૂછ્યું કે-હે,માતા મારાથી શું મારા પિતાનો કોઈ અપરાધ થયો છે?
તેમને આજે અસુખ કેમ છે?આજે તે મારી સાથે બોલતાં કેમ નથી?મારા પિતાને પ્રસન્ન કરવા 
એ હું મારો ધર્મ સમજુ છું.
કૈકેયીની નિષ્ઠુરતાની હદ થઇ છે.તુલસીદાસજીએ તેને સાક્ષાત નિષ્ઠુરતા કહી છે.
તે રામને કહે છે કે-હે,રામ તેં કોઈ અપરાધ કર્યો નથી,કે તેમને કોઈ વાતનું અસુખ નથી,પરંતુ તેમના
દુઃખનું કારણ તું છે. એમ કહી આખી વાત કહી સંભળાવી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE