Sep 19, 2021

Gujarati-Ramayan-Rahasya-78-ગુજરાતી-રામાયણ-રહસ્ય-78

કૈકેયી હવે કહે છે-કે-“તું જે કહે તે હું કરવા તૈયાર છું.” મંથરા કૈકેયીને ખુબ વહાલી હતી.મંથરાને જયારે ખાતરી થઇ કે કૈકેયી હવે તેને આધીન થઇ છે-એટલે તે કહે છે-કે-“તેં મને કહ્યું હતું કે રાજા દશરથના બે વરદાન તારી પાસે છે-તે માગી લે. એક તો ભરત ને ગાદી અને રામને ૧૪ વર્ષ નો વનવાસ.પણ જો જે પહેલું વનવાસનું માગતી નહિ,નહી તો રાજાનો રામ પરના પ્રેમને લીધે બેભાન થઇ જશે તો ભરતના રાજ્યાભિષેકની વાત રહી જશે.ખૂબ જ અક્કલ ને હોશિયારીથી કામ કરવાનું છે,જરાયે ઉતાવળ કરવાની નથી.અત્યાર સુધી “મારો રામ” કરીને વેવલાઈ બતાવી છે તે હવે કરવાની નથી,અને કાળજું કાઠું કરીને કામ કરવું પડશે.

કૈકેયી કહે છે કે –હું કંઈ સમજતી નથી, મને કંઈ સમજાતું નથી,તુ મને સમજાવીને કહે.
મંથરા કહે છે કે-જુઓ,રાજાના પધારવાનો સમય થાય તે પહેલાં તુ ક્રોધભવનમાં ચાલી જા,ત્યાં અલંકારો ચારે તરફ વેરી મૂકજે અને જુનાં કપડાં પહેરી જમીન પર પડી રહેજે.રાજા મનના મેલા ને મોઢે મીઠા છે.એમને તારા પર ખૂબ વહાલ છે તેમ તે બતાવશે.પણ કશાથી ભોળવાતી નહિ,રાજા કામુક છે,તે છેવટે પોતાના હાથથી તને ઉઠાડીને વરદાન માગવાનું કહે,ત્યારે વરદાન માગતાં પહેલાં એમને વચનથી બરાબર બાંધી લેજે.રામના સોગંધ ખાઈને તને માગવાનું કહે ત્યારે જ મેં કહ્યું તેમ બે વરદાન માગી લેજે.

અને કૈકેયીએ ક્રોધ ભવન પ્રતિ પ્રયાણ કર્યું.મંથરા મનમાં મલકી કે જાળ બરોબર બિછાઈ ગઈ છે.
કૈકેયી ભોળી છે-પણ કુસંગથી કૈકેયીનું જીવન બગડ્યું.
કુસંગથી મનુષ્ય દુઃખી થાય છે-સત્સંગથી મનુષ્ય સુખી થાય છે.
કૈકેયીએ મંથરાની શિખામણ મુજબ અલંકારો ને પુષ્પ માળા ઉતારી આમતેમ ફેંકી,જુનાં વસ્ત્રો પહેરી 
ક્રોધભવન પર જમીન પર પડી રાજાની રાહ જોવા લાગી.

રોજ ના નિયમ પ્રમાણે રાજા દશરથ કૈકેયીના મહેલમાં આવે છે-રાજા કૈકેયીને અતિઆધીન છે,
શાસ્ત્રમાં લખ્યું છે-કે જે પુરુષ સ્ત્રીને અતિ આધીન રહે છે-તે દુઃખી થાય છે.
દશરથરાજાના દુઃખની શરૂઆત થઇ છે. યેનકેન-પ્રકારેણ કૈકેયીએ તેના બે વરદાન માગ્યા છે.
દશરથ રાજાની છાતી પર જાણે પહાડ ઝીંકાયો,અને જમીન પર ફસડાઈ પડ્યા, મૂર્છા આવી છે.
થોડી થોડી વારે બબડાટ કરે છે,વિલાપ કરે છે,ને થોડી થોડી વારે જરા ભાન માં આવે ત્યારે 
કૈકેયીને કરગરે છે,”દયા કર,દયા કર,જોઈએ તો મારું માથું માગી લે,પણ મારા રામને વનમાં ન કાઢ,
કદાચ માછલું પાણી વિના જીવશે,પણ રામ વિના મારા પ્રાણ ટકી નહિ શકે.

કદી પણ જમીન પર નહિ સૂતેલા મહારાજા આજે ખુલ્લી ભોંય પર તરફડે છે.ને આંખમાંથી ચોધાર આંસુ નીકળે છે,પણ રાજાના આ વિલાપ અને વિનવણીઓથી કૈકેયીનું રૂવાડું યે ફરકતું નથી.
તેના ચિત્તમાં મંથરા રૂપી નાગણનું વિષ વ્યાપેલું છે.

કુસંગનું કેવું ભયાનક પરિણામ આવે છે તેનું મંથરા ને કૈકેયી એક ઉદાહરણ છે.
સત્સંગ મહાપુણ્યે મળે છે,પણ કુસંગથી બચવું તે મનુષ્યના હાથમાં છે.
વાલ્મીકિજી લખે છે કે-અધર્મ-યુક્ત દેશમાં વસવાથી અને અધર્મી મનુષ્યનો સંગ કરવાથી દૂષિત થવાય છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE