Sep 18, 2021

Gujarati-Ramayan-Rahasya-77-ગુજરાતી-રામાયણ-રહસ્ય-77

કૌશલ્યામાની વ્યવહારમાં જરીક ભૂલ થઇ એનું પરિણામ ભયંકર આવ્યું. મંથરાની ઈર્ષ્યા છંછેડાયેલા સાપની જેમ જાગી ઉઠી.અને તેનું મન અને બુદ્ધિ “રાજ્યાભિષેકને કેમ કરી ને રોળી નાખું “તેમાં લાગી ગઈ. તે ઉદાસ થઇ ને ઝેરી નાગણ જેવી થઇ કૈકેયીની પાસે ગઈ.
મંથરા કૈકેયી પાસે આવી જોરથી રડવા લાગી અને નાટક કર્યું છે. કંઈ બોલતી નથી અને નિસાસા નાખે છે.એણે રડતી જોઈ કૈકેયીએ પૂછ્યું-કેમ રડે છે? શું કોઈએ ધોલ-ધપાટ કરી છે કે શું? તોયે મંથરા કશું બોલતી નથી.નાગણ બોલે ખરી? એ તો ડંશ જ દે ને?

શાસ્ત્રમાં એવું લખ્યું છે-કે-પતિવ્રતા સ્ત્રીને –પુત્ર કરતાં સો ગણો વધારે પ્રેમ પતિમાં હોવો જોઈએ.પતિનું કુશળ પહેલા પૂછવું જોઈએ –પણ અહીં -કૈકેયીને રામના ઉપર પતિ કરતાં પણ અધિક પ્રેમ છે,એટલે પૂછે છે-તું કેમ રડે છે ? રામ તો કુશળ છે ને ? કૈકેયી આવી ભલી અને ઉદાર ચિત્ત છે,પણ મંથરાની ઝેરી ફૂંકથી એનું ચિત્ત પણ છેવટે કેવું વિષમય બની જાય છે?!!

રામની કુશળતાના સમાચાર જયારે કૈકેયીએ પૂછ્યા,ત્યારે મંથરા રાડ પાડી બોલી ઉઠી-રામને વળી શું થવાનું છે? રામ તો આનંદમાં જ હોય ને ? એ તો લહેર કરે છે,એમને કંઈ ઘા પડ્યા નથી.ઘા તો તને પડ્યા છે.
કૈકેયી કહે છે કે-રામ આનંદમાં છે તે જાણી મને સુખ થયું,પણ આ મને શા ઘા પડ્યાની વાત કરે છે?
હું તો સાવ સાજી તાજી છું.
મંથરા કહે છે- શું ધૂળ સાજીતાજી છે?તારે માથે મોટો ભય ઝૂલી રહ્યો છે,એનું તને ક્યાં ભાન છે?
આખું ગામ જાણે છે પણ તુ કંઈ જાણે છે? કૈકેયી કહે કે -શું જાણવાનું છે તે તુ જ કહે ને.....

મંથરા કહે છે કે-કહું ? જો,રામનો તેમના પિતા આવતી કાલે રાજ્યાભિષેક કરે છે.
રામના સમાચાર સાંભળી કૈકેયી પોતાનો ચંદ્રહાર ઉતારી મંથરાને આપ્યો. કૈકેયી અતિ ભોળી છે.
પણ મંથરાએ તે હારને ગળામાંથી કાઢીને ફેંકી દીધો.
કૈકેયીને આશ્ચર્ય થયું-તે પૂછે છે-મારા રામનો રાજ્યાભિષેક થાય,તેથી મને અતિ આનંદ થાય છે,
પણ તને આટલું દુઃખ કેમ થાય છે ?સૂર્યવંશની રીત છે-કે-મોટો પુત્ર ગાદી પર બેસે.

મંથરાએ હવે જાળ ફેલાવવાનું ચાલુ કર્યું.કહે છે કે-વાત એમ છે કે-રાજા તારા પ્રત્યે પ્રેમનો માત્ર દેખાવ કરે છે,પણ એમને હૈયે કૌશલ્યાનું જ હિત છે,અને કૌશલ્યા પણ અંદરથી તારા માટે ખાર રાખે છે,ભરત અત્યારે મામાના ત્યાં છે,એટલે એનો રામ રાતોરાત રાજા થાય તેવું તેને ગોઠવ્યું છે.રામ રાજા થયા પછી તે લક્ષ્મણનું તો કંઈ અનિષ્ટ નહિ કરે પણ ભરતનો જ નાશ કરશે અને ભરતની દશા અનાથ જેવી થઇ જશે.
પછી તારી દશા કેવી થશે એ તો તને ક્યાં ખબર છે?કૌશલ્યા થશે રાજમાતા અને તુ થશે કૌશલ્યાની દાસી.

મંથરાએ ધરતી પર પડતું મુક્યું,ખોટી રીતે મૂર્છામાં પડી છે, નવી રીતે નવું નાટક ચાલુ કર્યું.
મંથરા હવે કહે છે-કે-રામ રાજા થાય કે ભરત રાજા થાય મને શું મળવાનું છે ? હું તો દાસી જ રહેવાની છું.
મારો સ્વાર્થ નથી પણ તારું બગડે છે –તે સુધારવા આવી છું, પણ હું જ ખરાબ છું, હવે હું નહિ બોલું.
કૈકેયી વિચારે છે-કે-આ બોલે છે તે કંઈ ખોટું લાગતું નથી,રામ રાજા થાય કે ભરત રાજા થાય તેમાં તેનો શું સ્વાર્થ ? લાગે છે કે તેના મનમાં કંઈક છે તે-તે કહેવા આવી લાગે છે.

કૈકેયી મંથરા પાસે આવી અને મંથરાની પીઠ પર હાથ ફેરવવા લાગી.
જેવો મંથરાને સ્પર્શ કર્યો-કે તેની બુદ્ધિ બગડી છે.મંથરામાંના કલિએ કૈકેયીમાં પ્રવેશ કર્યો છે.
સ્પર્શ કર્યો નહોતો ત્યાં સુધી તેની બુદ્ધિ બગડી નહોતી.પણ હવે મંથરાના મનમાં રહેલા કલિએ કમાલ બતાવી.કૈકેયી કહે છે –તને શું દુઃખ થાય છે તે મને કહે.
મંથરા કહે છે-તારું એંઠું મેં ખાધું,તારાં કપડાં પહેર્યા,મને તો બોલતાં પણ બીક લાગે છે,
મારે કંઈ નથી કહેવું.પણ તારું બગડે તે મારાથી જોવાતું નથી,
હવે તેને જોયું કે કૈકેયીનો વિશ્વાસ સંપાદિત થયો છે એટલે તે માન માગવા લાગી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE