Sep 8, 2021

Gujarati-Ramayan-Rahasya-67-ગુજરાતી-રામાયણ-રહસ્ય-67

અયોધ્યા નગરીમાં સર્વને રામજીના લગ્નના સમાચાર મળ્યા અને સર્વ રાજી થયા છે.આખી નગરી આનંદમાં આવી જઈ ઘેર ઘેર આનંદ-ઉત્સવ થઇ રહ્યો.
બીજે જ દિવસે વસિષ્ઠ વગેરે ઋષિ સાથે દશરથ રાજાએ જાન લઇને જનકપુર તરફ પ્રયાણ કર્યું.પાંચમે દિવસે જાને જનકપુરમાં પ્રવેશ કર્યો ત્યારે ભારે ધામધૂમથી જનકરાજાએ જાનનું સામૈયું કર્યું.પછી વિશ્વામિત્રની સલાહ લઇને જનકરાજાએ પોતાની બીજી પુત્રી ઉર્મિલાનું લગ્ન લક્ષ્મણ સાથે અને પોતાના નાના ભાઈ કુશધ્વજની બે કન્યાઓ માંડવી અને શ્રુતકીર્તિનાં લગ્ન ભરત અને શત્રુઘ્ન સાથે કરવાનું જાહેર કર્યું.

ચારે ભાઈઓનાં લગ્ન માગસર-સુદ-પાંચમે,એક જ સમયે અને એક જ મુહુર્તે કરવાનું નક્કી થયું.
જાન ધનતેરસે આવી હતી,લગ્ન માગસર માસમાં થાય છે અને જાનની વિદાઈ વસંત-પંચમી પછી થાય છે. 
આવી શ્રી રઘુનાથજીની જાન છે,આવો રઘુવંશ અને જનકવંશ વચ્ચે સંબંધ છે.
આજકાલ ટપ આવ્યો અને ટપ પરણીને ચાલ્યો ગયો,એવું અહીં નથી.

તુલસીદાસે રામજીનાં લગ્ન મંડપનું,માંડવાનું,અને લગ્ન સમારંભનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે.
જેમ ભાગવતમાં શુકદેવજી કથા કરે છે ત્યારે પ્રત્યક્ષ નિહાળીને વર્ણન કરે છે તેવું જ તુલસીદાસનું છે.
તુલસીદાસનું વર્ણન વાંચતા આપણે પણ એ બધું જાણે નજર આગળ બનતું હોય તેમ નિહાળી શકીએ છીએ.અને જાણે સશરીરે એ લગ્નમાં ભાગ લેતા હોઈએ તેવો અનુભવ પણ કરી શકાય છે.

મહાકવિ તુલસીદાસની આ શક્તિ છે.તુલસીદાસ મહાકવિ છે અને મહા-ભક્ત પણ છે.
વાલ્મીકિજી મહાકવિ છે,યોગી છે,જ્ઞાની છે,સર્વજ્ઞ છે.તુલસીદાસ વાલ્મીકિનો જ અવતાર હોઈ એમનામાં
વાલ્મીકિના ગુણો ઉપરાંત ભક્તિભાવ વિશેષ છે.અને કદાચ એટલે જ “વાલ્મીકિ રામાયણ” કરતાં
“રામચરિત માનસ” નો પ્રચાર ભારતમાં વિશેષ છે.

જનકપુરવાસીઓના આનંદનો પાર નથી,તેઓ બધાં મનથી પોતે જ પોતાને ધન્યવાદ આપે છે,
ને કહે છે કે-અમે પણ પુણ્યનો ભંડાર છીએ નહિતર અમારો જન્મ જનકપુરમાં ક્યાંથી થયો હોય? 
અમે પરમ ભાગ્યશાળી છીએ કે શ્રીરામ અમારા નેત્રોના અતિથી બન્યા છે.
લગ્નનો દિવસ આવી પહોંચ્યો.રાજા જનકે જાન લઇ લગ્ન મંડપમાં પધારવાનું નિમંત્રણ આપ્યું.
દશરથ રાજા ચારે ય વરરાજાઓને લઇ ને નીકળ્યા છે.તે વખતે જનકપુરની શોભા જોઈને,
દેવોને ય થયું કે શોભાની આગળ અમારો દેવલોક પણ તુચ્છ છે.

શંકર-પાર્વતી પણ લગ્નમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા.દેવો પણ વિચારમાં પડી ગયા કે –
આ પ્રસંગને આટલી બધી મહત્તા કેમ ?ત્યારે શંકરજીએ દેવોને કહ્યું કે-જેનું નામ લેતાં જગતનાં સર્વ અમંગળ નાશ પામે છે,અને ચારે ય પુરુષાર્થો (ધર્મ,અર્થ,કામ,મોક્ષ) મુઠ્ઠીમાં આવે છે તે જ આ સીતા-રામ છે.તે જ જગતનાં આદિ માતા-પિતા છે.

વરરાજાના વેશમાં રામજીનો એવો સુંદર શૃંગાર હતો કે એ જોઈને વિતરાગી શિવજીએ પણ રોમાંચ અનુભવ્યો,ને તેમની આંખમાંથી હર્ષનાં આંસુ આવી ગયા.શ્રીરામનું રૂપ જોતાં તે આજે ધરાતા નથી.
તુલસીદાસજી કહે છે કે-નિષ્કામ રામજીની સેવા કરવા લગ્નમાં કામદેવ ઘોડો બનીને આવ્યો હતો.
સાધારણ મનુષ્ય પરણવા જાય છે ત્યારે કામ તેની પર સવાર થાય છે જયારે આજે નિષ્કામ રામજી કામ પર (કામ-રૂપી ઘોડા પર) સવાર થઇને પરણવા જાય છે.નિષ્કામની આગળ કામ,તેનો દાસ બને છે.

સ્ત્રીઓ રામચંદ્રની આરતી ઉતારવા આવી,ત્યારે એ લહાવો લેવા દેવીઓ,દેવાંગનાઓ,પણ તેમાં ભળી ગઈ છે.કોણ કોને ઓળખે ? આરતી બાદ શ્રીરામચંદ્રે મંડપમાં પગ મુક્યો.બે વેવાઈઓ હર્ષથી ભેટ્યા.
રાજા જનકે ખૂબ દમામ,દાન,માન અને વિનયથી આખી જાનનો સત્કાર કર્યો,દેવો પણ બ્રાહ્મણનો વેશ લઇ જાનમાં આવ્યા હતા.તેમનો પણ સાથે સાથે સત્કાર થઇ ગયો.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE