Aug 22, 2021

Gujarati-Ramayan-Rahasya-51-ગુજરાતી-રામાયણ-રહસ્ય-51

હિમાલયની તળેટીમાં વિશ્વામિત્રે એક ચિત્તે ભગવાન શંકરનું ધ્યાન કર્યું.શંકર પ્રસન્ન થયા ને વરદાન માગવા કહ્યું.વિશ્વામિત્રના મનમાં હજુ પણ વશિષ્ઠ પર “વેર” લેવાની ધૂન સવાર હતી.અને શસ્ત્રાસ્ત્રથી જ તેમને (વશિષ્ઠ ને) જીતી શકાય તેવો તેમને ખ્યાલ હતો.તેથી તેમણે માગ્યું કે-દેવો,દાનવો,યક્ષો,કિન્નરો,ઋષિઓ એ બધાયની પાસે જે કંઇ અસ્ત્ર-શસ્ત્ર છે તે તમામનું મને સંપૂર્ણ જ્ઞાન આપો. ત્યારે શંકરે કહ્યું-તથાસ્તુ.

વિશ્વામિત્ર મૂળે ગર્વિષ્ઠ તો હતા જ તેમાં વળી આવી રીતે સૃષ્ટિભરના શસ્ત્રો અને અસ્ત્રોનું જ્ઞાન થતાં
તેમનો ગર્વ અનેક ગણો વધી ગયો.અને વશિષ્ઠ પર વેર વાળવા તેમના આશ્રમમાં પોતાના આ નવા અસ્ત્રોના બળની મદદથી આગ લગાડી.વશિષ્ઠે પોતાનો બ્રહ્મ દંડ સામે ઉપાડ્યો.વિશ્વામિત્રે સામે પડકાર કરીને બ્રહ્માસ્ત્ર છોડ્યું જેને પણ વશિષ્ઠે પોતાની અંદર સમાવી દીધું અને પોતે હતા તેનાથી વધુ તેજસ્વી બની ગયા.વિશ્વામિત્ર ત્યાંથી પાછા પડ્યા અને વિચારે છે કે –ક્ષત્રિય બળ કરતા પણ બ્રહ્મબળ વધુ તેજસ્વી છે.
એમ વિચારી અને તે ફરીથી તપ કરવા ગયા.તપ થી પ્રસન્ન થઇ અને બ્રહ્માએ તેમને “રાજર્ષિ” કહીને
વધાવ્યા.પણ આ રાજર્ષિ પદથી તેમને સંતોષ હતો નહિ.

સૂર્યવંશમાં ત્રિશંકુ નામે એક રાજા થઇ ગયો.તે સત્યવાદી અને જીતેન્દ્રિય હતો.તેને એક વખત મનુષ્ય દેહે જ સ્વર્ગમાં જવાની ઈચ્છા થઇ.વશિષ્ઠજી તેમના કુળ ગુરૂ હતા તેથી તેમને એણે વાત કરી.
વશિષ્ઠ કોઈ વાત સાચી હોય તે કહેતાં ડરે તેમ નહોતા. તેમણે કહ્યું –તુ આ કેવી અક્કલ વગરની વાત કરે છે?
સદેહે સ્વર્ગમાં જવાની ઈચ્છા વ્યાજબી નથી માટે તે વિચાર તુ છોડી દે.
પણ ત્રિશંકુએ માન્યું નહિ અને તે વશિષ્ઠના પુત્રો પાસે ગયો અને તેમને કહ્યું કે તમે યજ્ઞ કરવો.
ત્યારે પુત્રોએ પણ ના પાડી,ત્યારે ત્રિશંકુ ગુસ્સે થયો અને કહેવા લાગ્યો કે-
મને તમારી કે તમારા પિતાની કંઈ પડી નથી,હું બીજો ગુરૂ ગોતી લઈશ.

આ સાંભળી વશિષ્ઠના પુત્રો પણ ગુસ્સે થયા ને કહ્યું-ગુરૂ નું અપમાન કરારનાર તુ ચાંડાલ-પણા ને પામ.
શાપથી ત્રિશંકુ,કાળો કુરૂપ બની ગયો.ફરતો ફરતો તે વિશ્વમિત્ર પાસે પહોંચ્યો-અને તેમના શરણે ગયો.
વિશ્વામિત્રે તેને વચન આપ્યું કે તે તેને (ત્રિશંકુ ને) સદેહે સ્વર્ગમાં મોકલશે.અને તેમણે યજ્ઞ શરુ કર્યો.
અને પોતાના તપોબળથી ત્રિશંકુને તેને સદેહે સ્વર્ગ માં મોકલ્યો.પણ ઇન્દ્રે તેને સ્વર્ગમાં પ્રવેશ કરતો
અટકાવી,ઉંધે માથે નીચે નાખ્યો.

વિશ્વમિત્રના અહમને અહીં ઠેસ પહોંચી.એટલે પોતાના તપોબળથી,
વિશ્વામિત્રે તેને માટે બીજું સ્વર્ગ એટલે કે નવા સપ્તર્ષિ મંડળ અને નક્ષત્રો પેદા કર્યા,
અને તેમાં ત્રિશંકુને સ્થિર કર્યો.પોતાના અહમને લીધે આ નવું સ્વર્ગ રચવામાં 
વિશ્વામિત્રનું બધું તપોબળ ખર્ચાઈ ગયું.તેમણે ફરીથી તપ આદર્યું.

દરમિયાન અંબરીષ નામે એક રાજાએ એક યજ્ઞ આદર્યો હતો તેનું યજ્ઞ-નર પશુ ગુમ થયું હતું. એટલે રાજા અંબરીશ, એક ઋષિના દીકરા શુનશેપને વેચાતો લઈને પોતાના ગામ તરફ પાછા ફરતા હતા ત્યાં વચ્ચે વિશ્વામિત્રનો આશ્રમ આવ્યો.ત્યારે શુનશેપ વિશ્વામિત્રને શરણે ગયો.
વિશ્વામિત્રે પોતાના પુત્રોને બોલાવી કહ્યું કે-આ બાળક મારે શરણે આવ્યો છે,એ જીવે તેના માટે તમારામાંથી કોઈ એક તેને બદલે જાઓ.વિશ્વમિત્રના પુત્રો ને આ વાત ગમી નહિ અને કહેવા લાગ્યા કે-શું એ ભૂખડી બારસને માટે અમે મરવા જઈએ?તમે ય કેવાં બાપ છો?બીજાના દીકરાને બચાવવા પોતાના દીકરાને મરવાનું કહો છો?કુતરાંના માંસથી જેમ ભોજન બગડે તેમ તમારી બુદ્ધિ બગડી ગઈ છે.

વિશ્વામિત્રને પોતાની આજ્ઞાના અનાદરથી અને ઉપરથી આવા વેણ સાંભળવા થી ક્રોધ આવ્યો 
અને તરત પુત્રોને શાપ દઈ દીધો કે –તમે બધાં કુતરાનું માંસ ખાનાર ચાંડાલ થઇને પડો.
પછી તેમણે શુનશેપને પોતાના ખોળામાં લીધો અને તેના હાથે રક્ષા બંધી અને બલિદાન વખતે 
ગાવા માટે બે ગાથાઓ તેમણે શીખવાડી અને અભય વચન આપ્યું.
જે ગાથાઓના ગાનથી શુનશેપને મુક્તિ મળી,દેવો પ્રસન્ન થયા અને તેને મુક્ત કર્યો.

પણ ક્રોધ કરીને પુત્રોને શાપ આપવાથી તેમણે ફરીથી તપનું ફળ ગુમાવ્યું,એટલે તેમણે ફરીથી તપ આદર્યું.
તેમના તપથી પ્રસન્ન થઇ અને બ્રહ્માએ તેમણે “ઋષિ પદ” આપ્યું –તેમ છતાં વિશ્વામિત્રને સંતોષ થયો નહિ 
અને તપ કરવાનું ચાલ્યું જ રાખ્યું.પણ તે તપમાં મેનકા નામની અપ્સરાએ તપો ભંગ કર્યો.
ફરી જયારે તે ભાનમાં આવ્યા ત્યારે મેનકાને વિદાય કરી અને ફરીથી તપ આદર્યું.ત્યારે બ્રહ્માએ 
તેમને “મહર્ષિ પદ” આપ્યું પણ તેનાથી હજુ વિશ્વામિત્ર ને સંતોષ થયો નહિ અને તપ ચાલુ રાખ્યું.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE