Aug 15, 2021

Gujarati-Ramayan-Rahasya-44-ગુજરાતી-રામાયણ-રહસ્ય-44

ચતુર્ભુજ નારાયણના દર્શન કરી કૌશલ્યાજી પ્રાર્થના કરે છે,પણ જો કૌશલ્યાજીનો આવો ભાવ કાયમ જ રહે તો બાળલીલા કેવી રીતે થાય? એટલે કૌશલ્યાની બુદ્ધિ બદલાઈ.અને તે બોલ્યાં-કે-“તજહુ તાત યહ રૂપા” હે તાત,આ રૂપ તજી દો ને બાળક બની જાઓ,મને મા-મા કહીને બોલાવો.મારે તો તમને બાળ-સ્વ-રૂપે જોવા છે.અને નારાયણ નું ચતુર્ભુજ સ્વ-રૂપ અદશ્ય થયું,ને ભગવાન બે હાથવાળા બાળક બની ગયા.ને બીજાં બાળકો રડે છે તેમ રડવા લાગ્યા.

તુલસીદાસજી કહે છે ભગવાનની કેવી લીલા છે!! “નિજ ઈચ્છા નિર્મિત તનુ” 
ભગવાનનું નિજ શરીર તેમની પોતાની ઈચ્છાથી જ બન્યું છે.કોઈ ભૌતિક પદાર્થથી તે બન્યું નથી.
સમગ્ર સંસારના હિત માટે એમણે દેહ ધારણ કર્યો છે.

ભગવાન બાલ-સ્વ-રૂપ બની રડવા લાગ્યા અને તે રડવાનો અવાજ સાંભળી દાસીઓ દોડી આવી.
અને આવીને જુએ તો કૌશલ્યામા ના ગોદમાં સુંદર બાળક બિરાજે છે.
દાસીએ “લાલો ભયો-લાલો ભયો” વધાઈ સંભળાવી એટલે કૌશલ્યાજીએ પોતાના ગળામાંથી નવલખો હાર કાઢીને દાસી ને આપ્યો.દાસી કહે છે કે-મા,આવડી મોતી ભેટ ન લેવાય.મને હારનો લોભ નથી,મને તો
બીજો જ કોઈ લોભ છે.કૌશલ્યા કહે છે કે-જે મનમાં હોય તે બોલી નાખ.

ત્યારે દાસી કહે છે કે-મા, મારે તો બીજું કશું જોઈતું નથી પણ મારા રામને મારી ગોદમાં બેસાડી રમાડવો છે.
ત્યારે કૌશલ્યા એ રામજીને દાસી ની ગોદમાં આપ્યો.દાસીનો રામની સાથે સંબંધ થયો.
દાસીનો બ્રહ્મ-સંબંધ થયો.એની ગાંઠો છૂટી ગઈ અને આઠે કોઠે આનંદ-આનંદ થઇ ગયો.

પછીથી તે દોડતી-દોડતી દશરથ રાજા પાસે ગઈ અને વધાઈ આપી-કે-મહારાજ લાલો ભયો હે.
દશરથરાજાના આનંદનો પર રહ્યો નથી.સ્વપ્નમાં જોયું હતું કે પ્રભુનું તેજ કૌશલ્યામાં પ્રવેશ થાય છે.
વળી ગુરુદેવે પણ કહ્યું હતું કે-તમારે ત્યાં ચોવીસ કલાકમાં પરમાત્મા પુત્ર રૂપે પધારશે.તે આગાહી સાચી પડી. રાજાને હવે ખાતરી થઇ ગઈ કે –પ્રભુ જ મારે આંગણે પધાર્યા છે.અવતર્યા છે.

પુત્રની વધાઈ મળતાં છૂટે હાથે દાનની ગંગા વહેવડાવી.અયોધ્યામાં કોઈ યાચક અસંતુષ્ટ ના રહ્યો.
વશિષ્ઠજીને બોલાવી તેમની પાસે ગણપતિ પૂજન કરાવ્યું,વશિષ્ઠજી એ વેદ-મંત્રો બોલી ભગવાનનો અભિષેક કર્યો.અને રામજીના દર્શન માટે દશરથની સાથે અંતઃપુરમાં જવા નીકળ્યા.
શ્રીરામના દર્શન માં એટલી ભીડ થઇ છે કે-દશરથ અને વશિષ્ઠને પણ કોઈ માર્ગ આપતું નથી.
જેમ તેમ કરી ને અંતઃપુરમાં પ્રવેશ કર્યો અને લાલા નાં દર્શન થતાં જ ......પરમાનંદ થયો છે.

આકાશમાંથી દેવો-ગંધર્વો સ્તુતિ કરે છે.સૂર્યનારાયણના આનંદનો પાર નથી.
તુલસીદાસજી કહે છે કે-સૂર્ય બરાબર મધ્યાહ્ને આવ્યો ને પ્રભુનું પ્રાગટ્ય થયું છે.એના આનંદમાં સૂર્ય એવો તો 
મગ્ન થઇ ગયો છે કે-આકાશમાં ત્યાં જ મહિના સુધી સ્થિર થઇ ગયો.ત્યાંથી ખસવાનું તે નામ લેતો નથી.
ચંદ્રને લાલાનાં દર્શન કરવાં છે,પણ સૂર્ય આથમે તો દર્શન કરી શકે ને?

એણે રામજી ને પ્રાર્થના કરી કે-ભગવાન,આ સૂર્યને આગળ જવાનું કહો,એ ક્યારનો યે તમારી સામે
તમારાં દર્શન કરતો ઉભો છે,ખસતો નથી,ને તમારાં દર્શન મને કરવા દેતો નથી.
આમ કહીને તે રડી પડ્યો.ત્યારે આશ્વાસન આપતાં રામજી કહે છે કે-રડ મા,તારો યે વખત આવશે.
કૃષ્ણાવતાર માં હું મધરાતે જન્મ લઈશ.આજે તો બધી દુનિયા જાગે છે પણ તે વખતે તુ એકલો જ જાગતો હોઈશ.બોલ, હવે તને સંતોષ થયો? ત્યારે ચંદ્ર કહે છે કે-પ્રભુ તે તો બહુ દૂર ની વાત થઇ,પણ આજે તો મારી 
કોઈ કિંમત નથી,આજે તો તમે,મને તમારાથી દૂર રાખ્યો.
પ્રભુ કહે છે કે-તને હું દૂર નહિ રાખું,આજથી હું મારા નામની સાથે,તારું નામ રાખીશ.
હું રામચંદ્ર નામ ધારણ કરીશ. પ્રભુની આ વાત સાંભળી ચંદ્ર પ્રસન્ન થયો.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE