મહર્ષિ આનંદથી સ્વપ્નનો વૃતાંત સાંભળે છે અને કહે છે કે-ઉત્તમ સ્વપ્ન-ઉત્તમ ફળ.
રાજા તમે ભાગ્યશાળી છો,ભગવાન નારાયણ તમારે ત્યાં પુત્ર-રૂપે અવતરવાના છે,તેનું આ સૂચન છે.
ચોવીસ કલાકમાં જ તમને આ સ્વપ્નનું ફળ દેખાશે.
દશરથના આનંદનો પાર નથી.તેઓ પ્રભુની પોતાના પરની અત્યંત કૃપાનો અનુભવ કરે છે
ચૈત્ર સુદ નવમીનો દિવસ છે,જડ અને ચેતન હર્ષથી ભરપૂર છે.યોગ,વાર,તિથી બધું અનુકૂળ છે.
બપોરનો વખત છે,બહુ તાપ નથી કે બહુ ટાઢ નથી,મંદ શીતલ સુગંધી પવન વાય છે.
અયોધ્યાના આકાશમાં બ્રહ્માદિ દેવો ની ભીડ જામી છે,ગંધર્વો ગીતો ગાય છે,દુંદુભિ ગડગડે છે.
ઋષિ-મુનિઓ,દેવો સ્તુતિ કરે છે.પૃથ્વી પરનાં બધાં તીર્થો આજે અયોધ્યામાં ભેગાં થયાં છે.
રામજીનાં દર્શન કરીને તીર્થો પણ પાવન થવા આવ્યાં છે.
જેહિ દિન રામ જનમ શ્રુતિ ગાવાહિં.તીરથ સકળ તહાં ચલિ આવાહિ.
ભગવાન શંકર પણ કૈલાસધામ છોડીને અયોધ્યામાં આવ્યા છે.એમને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધર્યું છે.
ને માથે ટીપણું ખોસીને જોષી બન્યા છે.”સદાશિવ જોષી” એવું નામ ધારણ કર્યું છે.અને
અયોધ્યાની ગલીઓ માં –રામરામ-જપતા ફરે છે.વણપૂછી આગાહીઓ કરતા ફરે છે-કે-
આજે મારા આરાધ્ય-દેવ રામજીનો જન્મ થવાનો છે,હું તેમના દર્શન કરીશ અને તેમને રમાડીશ.
પવિત્ર સમય આવી પહોંચ્યો છે.ચૈત્ર માસ,શુક્લ પક્ષ,નવમી તિથી,પુનર્વસુ નક્ષત્ર,અને મધ્યાહ્ન કાળ,
ભગવાન નારાયણ શંખ,ચક્ર,ગદા,પદ્મધારી,ચતુર્ભુજરૂપે કૌશલ્યાની સન્મુખ પ્રગટ થયા.
સિયાવર રામચંદ્ર કી જય !!!!
ભયે પ્રગટ કૃપાલા,દીનદયાલા,કૌશલ્યા હિતકારી,
હરર્ષિત મહતારી મુનિમન,અદભૂત રૂપ બિચારી,
લોચન અભિરામા,તનુ ઘનશ્યામા,નિજ આયુધ ભુજ ચારી,
ભૂષણ બનમાલા,નયન બિસાલા,શોભા સિંધુ ખરારી.
કૌશલ્યા-હિતકારી,દીનદયાળ કૃપાળુ પ્રભુ પ્રગટ થયા.મુનિઓનાં મન હરનારા,તેવા તેમના અદભૂત રૂપનો વિચાર કરી માતાના હર્ષ નો પાર ના રહ્યો.નેત્રો ને આનંદ આપનારા,મેઘ સમાન શ્યામ શરીર વાળા,
ચારે ભુજાઓમાં આયુધો ધારણ કરેલાં છે,વિશાળ આંખો વાળા,અને આભૂષણોથી સજ્જ,
એવા ભગવાનનાં દર્શન કરી,કૌશલ્યાજી બે હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યાં.
હે અનંત,હું કયા પ્રકારે તમારી સ્તુતિ કરું?વેદ-પુરાણ કહે છે કે તમે માયાથી પર છો,ગુણાતીત છો,જ્ઞાનાતીત છો,માયાતીત છો.શ્રુતિઓ અને સંતો તમને કરુણા સાગર,સુખના સાગર અને સર્વ સદગુણોના ભંડાર કહે છે.
હે પ્રભુ,મારા પર તમારો કેવો પ્રેમ કે તમે મારી ખાતર પ્રગટ થયા!!!!
ભગવાને શતરૂપા રાણીને વરદાન આપેલું-કે-હું પુત્રરૂપે તમારે ત્યાં આવીશ,અને મારું ઈશ્વર-રૂપ તમે જોઈ શકશો. એ વચન સત્ય કરવા ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે.
ચતુર્ભુજ એટલે ચારે બાજુથી રક્ષણ કરવા વાળા,ચારે પુરુષાર્થના માલિક.
ભગવાનના એક હાથમાં શંખ છે –શંખ એટલે શબ્દ.શબ્દમાંથી સૃષ્ટિ પેદા થઇ છે,તે નાદ-બ્રહ્મનું પ્રતિક છે.
ચક્ર એ ભક્તજનોની રક્ષા અને દુર્જનોના નાશ નું પ્રતિક છે.
ગદા એ જે શક્તિ વિશ્વ ને ધારણ કરી રહી છે તેનું પ્રતિક છે. અને
પદ્મ એ આનંદનું-સુખનું-સૌન્દર્યનું પ્રતિક છે.પ્રભુ આનંદ-રૂપ,સૌન્દર્ય-રૂપ છે તે બતાવે છે.