Aug 12, 2021

Gujarati-Ramayan-Rahasya-41-ગુજરાતી-રામાયણ-રહસ્ય-41

શિવજીનો મહેલ બની ગયો પણ વાસ્તુ-પૂજા કર્યા વગર મહેલમાં તો રહેવા જવાય નહિ.વાસ્તુપૂજા કોણ કરે ?પૂજા કરનારો વિદ્વાન અને શિવભક્ત જોઈએ.અને આવો એક જણ હતો તે –રાવણ.શિવજીએ તેને વાસ્તુ-પૂજન કરવા બોલાવ્યો.પૂજન પછી બ્રાહ્મણને દક્ષિણા આપવી પડે.શિવજીએ કહ્યું કે-દિલ ચાહે તે દક્ષિણામાં માગી લે.

શિવજીનો સુવર્ણ મહેલ જોઈ રાવણનું ચિત્ત ચકળવકળ થતું હતું,એની દાઢ સળકી હતી.એણે તો તરત માગી લીધું-તમારો આ સુવર્ણ મહેલ આપો. અને શિવજીએ કહી પણ દીધું-જા,આપ્યો.
રાવણને સુવર્ણ મહેલ મળ્યો એટલે તેનો લોભ વધ્યો-કહે છે કે -મહેલ આપ્યો પણ એમાં રહેનારી તો દીધી નહિ,આવું અધૂરું આપો તે ના ચાલે,દક્ષિણા આપો તો પુરી આપો. શિવજી કહે છે કે-તો મારી ક્યાં ના છે?
રાવણે કહ્યું કે તો આ પાર્વતી મને આપો.

આવી માગણીથી તો કોઈને પણ ગુસ્સો ચડે.પણ આ તો શિવજી,પરમ શાંતિની મૂર્તિ.
જરા યે અસ્વસ્થ થયા વિના કહે છે-તને જરૂર હોય તો,લઇ જા.
રાવણ પાર્વતીને ખભે બેસાડીને લઇ ને ચાલ્યો.પાર્વતીજીને પ્રભુની લીલામાં અચળ વિશ્વાસ છે.
પતિના આશુતોષ સ્વભાવનો અને ભોળપણનો તેમણે અનુભવ છે.અને એ સ્વભાવના કારણે કેટલીયે વાર તેમને મુંઝવણ ભરી સ્થિતિમાં મુકવું પડ્યું હતું.પણ કોઈ વાર તેમાંથી પાછા પડવું પડ્યું નહોતું,તેથી તેમને
પુરો વિશ્વાસ હતો કે આ પરિસ્થિતિ પણ કોઈ અણધાર્યો પલટો લેશે જ.એમને પરમાત્માનું સ્મરણ કર્યું.

પ્રભુને ચિંતા થઇ કે રાવણને રોકવો જોઈએ.એટલે રસ્તામાં બ્રાહ્મણના વેશે ભગવાન ત્યાં આવ્યા અને કહે છે કે-ઓ હો હો લંકાપતિ કોને લઇ ચાલ્યા? રાવણે ગર્વથી કહ્યું કે-શંકર ભગવાને મને પ્રસન્ન થઇ પાર્વતી દીધી છે તે લઇને જાઉં છું.ત્યારે ભગવાન ખડખડ હસીને કહે છે કે-પાર્વતી અને તે તમને દીધી?કહતા ભી દીવાના ઓર સુનતા ભી દીવાના? તુ લંકાપતિ હોઈશ પણ સાવ ભોળો છું,શિવજી તને બનાવી ગયા છે,આ તો પાર્વતીજીની છાયા છે,અસલ પાર્વતીજી તો પાતાળમાં સંતાડી દીધા છે.હું નજરે જોઈને આવું છું.પાર્વતીજીના શ્રીઅંગમાંથી તો કમળની દિવ્ય સુગંધ નીકળે છે.આના શરીરમાંથી ક્યાં એવી સુગંધ નીકળે છે?

પાર્વતીજી પણ આ વાતચીત સાંભળતાં હતા તેમણે પોતાના શરીરમાંથી દુર્ગંધ છોડી.અને રાવણનું નાક દુર્ગંધથી ભરી દીધું.એટલે રાવણે પાર્વતીજીને ત્યાં જ છોડી દીધા અને “હું છેતરાઈ ગયો.” એમ કહે ત્યાંથી ચાલી ગયો.ભગવાને તે સ્થળે પાર્વતીજીની સ્થાપના કરી કે જે સ્થળ આજે દૈપાયીની દેવીના નામે વિખ્યાત છે.

જે પોતાના ઇષ્ટદેવ શંકરનાં પત્ની પાર્વતીને પોતાના ઘરમાં બેસાડવાનો વિચાર કરે તે રાવણ કેવો
દુષ્ટ હશે? તેણે સઘળે ત્રાસ ફેલાવી દીધો હતો.રાવણના આ જુલમથી પૃથ્વી એવી ત્રાસી ગઈ હતી કે-
છેવટે તે ગાયનું રૂપ લઇ ને બ્રહ્માજી પાસે ગઈ અને બ્રહ્માજીએ પછી ભગવાનને પ્રાર્થના કરી.

“હે દેવોના દેવ,લોકો ને સુખ દેનારા,શરણાગતનું પાલન કરનારા,તમારો જય હો,હે અસુરોના શત્રુ,
હે લક્ષ્મીપતિ, તમારો જય હો.હે દેવો અને પૃથ્વી નું પાલન કરનારા,તમારી લીલા અદભૂત છે,તમારો ભેદ કોઈ જાણી શકતું નથી,તમે સ્વભાવથી કૃપાળુ અને દીનદયાળુ છો.અમારા પર કૃપા કરો.”

બ્રહ્માજીની આ પ્રાર્થના એ જીવમાત્રની પ્રાર્થના છે,આર્ત-હૃદયથી જીવ જો પ્રાર્થના કરે તો તે ભગવાન જરૂર સાંભળે છે.બ્રહ્માજીની આ પ્રાર્થના પણ ભગવાને સાંભળી અને પ્રાર્થના પુરી થતા જ આકાશવાણી થઇ કે-તમે બીશો નહિ,તમારા માટે હું મનુષ્યાવતાર ધારણ કરીશ.અયોધ્યા નગરીમાં રધુકુળમાં મહારાજ દશરથને ત્યાં હું અવતરીશ.

આ સાંભળી દેવોને,ઋષિ મુનિઓને અને માતા પૃથ્વી ને શાંતિ થઇ.
પછી બ્રહ્માએ દેવોને આજ્ઞા કરી કે –પૃથ્વી પર વાનર શરીર ધારણ કરીને પ્રભુની સેવા કરવા જાઓ.
અને સર્વ દેવોએ તે આજ્ઞાનું પાલન કર્યું. ભગવાનને કર્મ કે કર્મનું બંધન નથી.છતાં વિશ્વમાં સત્યની અને ધર્મની સ્થાપના કાજે તેઓ યુગે યુગે અવતાર લે છે.

PREVIOUS PAGE         INDEX PAGE         NEXT PAGE