Aug 10, 2021

Gujarati-Ramayan-Rahasya-39-ગુજરાતી-રામાયણ-રહસ્ય-39

દરેક મનુષ્યને રૂપિયાનો મોહ છે પણ જો તેના હાથમાં ખોટો રૂપિયો આપવામાં આવશે તો લેશે નહિ.આ બતાવે છે કે-દરેક ને રૂપિયાનો મોહ છે પણ ખોટા રૂપિયાનો મોહ નથી.તેમ આ ખોટા (અસત્ય-મિથ્યા) સંસાર પર મોહ કરવા જેવો નથી.જગતના જીવોના મિલનમાં સુખ થાય છે પણ વિયોગમાં અતિશય દુઃખ થાય છે.જ્યાં મિલન છે ત્યાં વિયોગ લખાયેલો જ છે.મિલનનું સુખ સ્થાયી નથી,માટે જગતના જીવો પર દિલ ચોંટાડવા જેવું નથી.

અંધારામાં પડેલું દોરડું (અજ્ઞાનથી) સર્પ-રૂપે ભાસે છે,તેની બીક લાગે છે પણ પ્રકાશ (જ્ઞાન) થતાં તેના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે. અને તેની બીક લાગતી નથી.
તેમ આ સંસાર પણ અસત્ય હોવા છતાં માનવીને (અજ્ઞાનથી) સત્ય હોય તેમ ભાસે (લાગે) છે,કેમ કે તે
સત્ય પરમેશ્વરના આધારે રહેલું હોવાથી સત્ય જેવું ભાસે છે.આધાર સાચો છે પણ ભાસ ખોટો છે.

જો,રાજાએ ખોટાં મોતીનો હાર પહેર્યો હોય અને જો ગરીબ માણસે સાચાં મોતીનો હાર પહેર્યો હોય ,
તો પણ ગરીબની ગરીબીના કારણે લોકો કહેશે તેણે ખોટાં મોતીનો હાર પહેર્યો છે,
પણ રાજાએ ખોટાં મોતી પહેર્યા છે એમ કોઈ નહિ માને.
આજ પ્રમાણે જગત-રૂપી બનાવટી મોતીની કંઠી પરમાત્માએ પોતાની ડોકમાં રાખી છે.
પણ પરમાત્માએ પહેરી છે એટલે તે કંઠીને કોઈ ખોટી માનવા તૈયાર થતું નથી.પણ કંઠી તો ખોટી જ છે.

મહાત્માઓ કહે છે કે-જગતમાં રહો પણ જગતને ખોટું માનીને રહો.જે દેખાય છે તેનો નાશ થવાનો જ છે.
ભૂત,ભવિષ્ય કે વર્તમાનમાં જે દેખાય છે તે સાચું નથી પણ જે-અવિનાશી હોય,અવ્યય હોય અને કાયમ માટે ટકનારું હોય તે જ માત્ર સાચું છે. જે સદા એક જ સ્વ-રૂપે રહે છે તે સત્ય.અને તે સત્ય સાથે સ્નેહ કરો.

જગતના પદાર્થો દુઃખરૂપ છે.તેથી જ્ઞાની પુરુષો તેનું ચિંતન કરતા નથી.
જગત અનિત્ય છે,એવું જે વારંવાર ચિંતન કરે છે,તેણે પરમાત્માનું અપરોક્ષ જ્ઞાન થાય છે.અને તેને પછી
જગતનું ભાન રહેતું નથી.જેમ સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્ન મિથ્યા (ખોટું) લાગે છે,તેમ પરમાત્માનું જ્ઞાન થતાં જગત મિથ્યા લાગે છે.ઈશ્વર સિવાય જે ભાસે છે તે મિથ્યા છે.

કૈકેય દેશમાં સત્યકેતુ નામે એક રાજા હતો,તેને પ્રતાપભાનુ અને અરિમર્દન નામે બે કુંવર હતા.
બંને બુદ્ધિશાળી અને બળિયા હતા.અનેક રાજાઓને હરાવી,તેમના રાજ્ય જીતી પોતાની આણ ફેલાવી હતી.
સત્યકેતુ વૃદ્ધ થયા એટલે પોતાના મોટા પુત્ર પ્રતાપભાનુ ને રાજ્ય ગાદી પર બેસાડી અને વનમાં ગયા.
પ્રતાપભાનુ એક વાર ભૂંડના શિકારે નીકળ્યો હતો અને સાંજ પડી ગઈ,તે થાક્યો હતો ત્યાં તેણે એક સાધુનો આશ્રમ જોયો ત્યાં અંદર જઈ જોયું તો એક સાધુ ભભૂત લગાવી બેઠો હતો.

તે સાધુ ખરેખર સાધુ નહોતો પણ પ્રતાપભાનુ સામે લડાઈમાં પોતાનું રાજ્ય ખોઈ બેઠેલો કાળકેતુ હતો.
રાજાની આગતા સ્વાગતા કરી અને રાજાને જાળ માં ફસાવ્યો.સાધુના મીઠા વચનોથી રાજા પણ
કશું પણ આગળ પાછળ વિચાર્ય વગર જાળમાં ફસાતો પણ ગયો.
તુલસીદાસ કહે છે કે- ભાવિમાં જે બનવાનું હોય છે તેમ જ બધું બને છે.
કાં તો તે (ભાવિ) જ પોતાની પાસે આવે છે અથવા તે પોતે જ તે ભાવિની પાસે જાય છે.
તુલસી જૈસી ભવતબ્યતા,તૈસી મિલન સહાઈ,આપુનું આવઈ તાહિ પહિ,તાહિ તહાં લઇ જાઈ.

પ્રતાપભાનુને કાળકેતુએ વરદાન માગવાનું કહ્યું.ત્યારે રાજા લોભનો માર્યો કહે છે કે-આખી દુનિયા મારા પગમાં માથું નમાવે,અને સો કલ્પ સુધી મારું રાજ્ય રહે.
કાળકેતુ એ કહ્યું કે-રાજા મારું વરદાન છે કે તુ બ્રાહ્મણોના શાપ સિવાય કોઈથી નહિ મરે.
રાજાએ પૂછ્યું કે –બ્રાહ્મણોને રાજી અને વશ કેમ કરવા? ત્યારે કાળકેતુએ ચાલાકી થી કહ્યું કે-હું અહીંથી ક્યાંય બહાર ગયો નથી પણ તમારે માટે હું તારે ત્યાં રસોયો બની ને આવીશ,અને મારા હાથે પકાવેલી રસોઈ તું  બ્રાહ્મણોને ખવડાવજે એથી તે તારે વશ રહેશે.

કાળકેતુ બ્રાહ્મણનો વેશ લઇ અને રાજા સાથે ગયો,ત્યાં તેણે રસોઈ બનાવી અને ચોરી-છુપીથી તે
રસોઈમાં માંસ ભેળવી દીધું. રાજા પીરસવા નીકળ્યો-તે જ સમયે આકાશવાણી થઇ કે -હે બ્રાહ્મણો
આ અન્ન ખાશો નહિ તેમાં માંસ ભેળવેલું છે.બ્રાહ્મણો ઉભા થઇ ગયા અને ક્રોધમાં આવી શાપ આપ્યો કે-
રાજા,તેં રાક્ષસ જેવું કૃત્ય કર્યું છે માટે તારા કુળનો નાશ થાઓ અને તુ રાક્ષસ થઇને પડ.

કહે છે કે પ્રતાપભાનુ રાજા રાવણ તરીકે,એનો નાનો ભાઈ અરિમર્દન કુંભકર્ણ તરીકે અને પ્રતાપભાનુનો
મંત્રી ધર્મરુચિ રાવણના નાના ઓરમાન ભાઈ વિભીષણ તરીકે બીજા જન્મમાં પેદા થયા.
કેતુ એટલે ધજા.સત્યકેતુ એ સત્યની ધજા અને કાળકેતુ એ કાળનો ઝંડો ફરકાવે છે.
પ્રતાપભાનુ ભૂંડ એટલે કે મોહની પાછળ પડ્યો,અને કાળને તક મળી,અને તે માથે ચડી બેઠો.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE