બ્રહ્મત્વ,દેવત્વ,ઇન્દ્રત્વ,અમૃતત્વ વગેરે કરતાં પણ ભક્તિને ચડિયાતી કહી છે.અને સાથે સાથે એ ભક્તિને સુદુર્લભ એટલે કે દુર્લભ કરતાં યે દુર્લભ પણ કહી છે.જેને ભક્તિ પ્રાપ્ત થઇ તે મોટો ભાગ્યશાળી છે.એટલે જ વ્યાસજી એ ભાગવતમાં ગોપીઓ ને ‘મહાભાગ્યશાળી’ કહીને બિરદાવી છે.રામાયણના હનુમાનજી પણ એવા મહાભાગ્યશાળી છે.રામજીનો તેમના પરનો પ્રેમ અલૌકિક છે.
રામજી નિજધામ જતી વખતે આખી અયોધ્યાને પોતાની સાથે લઇ જાય છે,પણ હનુમાનજી તેમની સાથે જવાની ના કહે છે.કહે છે કે-હું અહીં પૃથ્વી પર જ રહીશ અને રામકથા સાંભળ્યા કરીશ.જ્યાં રામકથા ન મળે એવા વૈકુંઠ નું મારે શું કામ છે ? ત્યારે રામજી એ પ્રસન્ન થઇ આશીર્વાદ દીધા કે –પૃથ્વી પર જ્યાં સુધી રામકથા રહે ત્યાં સુધી તમે રહો.એટલે કહેવાય છે કે હનુમાનજી આજે પણ પૃથ્વી પર બિરાજે છે અને જ્યાં રામકથા થાય છે ત્યાં સાંભળવા હાજર રહે છે.રામકથામાં તેમના માટે ખાસ આસન રાખવામાં આવે છે.
એકનાથજી મહારાજ આ વાતના સાક્ષી છે.એકવાર કથામાં તેમણે કહ્યું કે –હનુમાનજી અશોકવનમાં આવ્યા ત્યારે વૃક્ષ-લતાઓ પર ધોળાં ફુલ ખીલેલાં હતાં.રામ-કથામાં નિયમ મુજબ હનુમાનજી પણ કથા સાંભળવા આવેલા.એકદમ પ્રગટ થઇ તેમણે કહ્યું કે-મહારાજ તમારી ભૂલ થાય છે,ફૂલ ધોળાં નહોતાં.લાલ હતાં.
એકનાથ મહારાજે કહ્યું કે- મહારાજ હું તો જેવું દેખું છું તેવું કહું છું.
છેવટે ઝગડો રામચંદ્રજી પાસે ગયો.તેમણે ફેંસલો આપ્યો કે –તમે બંને સાચા છો,ફૂલ ધોળાં જ હતાં,
પણ હનુમાનજીની આંખો તે વખતે ગુસ્સામાં લાલ થયેલી હતી તેથી તેમને તે લાલ દેખાયા હતાં.
હનુમાનજી રામ-કથામાં આમ હાજરાહજૂર છે,એટલે જયારે જયારે રામકથા વાંચીએ ત્યારે મનમાં ખાતરી
રાખવાની કે હનુમાનજી તે કથા સાંભળે છે.હનુમાનજી કથા સાંભળશે તો તે આપણને સંભાળશે.
મનમાંથી દુઃખ,શોક ભય વગેરે જતાં રહેશે.શનિ મહારાજ નડતા હશે તો તે પણ ખસી જશે.
શનિવાર એ હનુમાનજીનો વાર છે તે અમથું નથી કહ્યું.શનિ પર એમનું આધિપત્ય છે.એટલે શનિવારે
તેમની પૂજા થાય છે,તેલ ચઢાવી આકડાનાં ફૂલની માળા અર્પણ થાય છે.
હનુમાનજી એટલે બજરંગબલી. શક્તિની મૂર્તિ.સંસારનાં સઘળાં શુભ તત્વોના તે રખેવાળ છે.
હનુમાનજી બળના ઉપાસક છે.અને તે બળ સેવાનું (રામની સેવાનું) છે,સેવા આપવાનું બળ છે,
સેવા લેવાનું નહિ!! એમને ગુલાબ કે કમળ નહિ જોઈએ,એમને તો જોઈએ આકડાનાં સફેદ ફૂલ.
જેનું કોઈ મુલ્ય ના કરે તેનું મુલ્ય હનુમાનજી કરે છે.જેને કોઈ ના અપનાવે તેને હનુમાનજી અપનાવે છે.
શિવજી અને રામજીના મંદિરમાં દર્શન કરવા જનારને પહેલી ચોકી હનુમાનજીની વટાવવી પડે છે.
હનુમાનજી દ્વાર પર ધોકો (ગદા) લઇ ને ઉભા છે.અને આવનારને જાણે પહેલાં પ્રશ્ન કરે છે કે-
“ખબરદાર,મારા રામજીના દર્શન કરવા આવો છો તો પહેલાં બતાવો કે તમે રામજીની મર્યાદાનું પાલન કરો છો? શિવજીનાં દર્શન કરવા આવો છો પણ શિવજી રાત દિવસ જેના ધ્યાનમાં મગ્ન રહે છે તે રામનું ધ્યાન તમે કરો છો?” આનો જવાબ જે દઈ શકશે તેને જ રામજીનાં સાચાં દર્શન થઇ શકશે.
હનુમાનજીની આ મર્યાદા સમજાય તો તે સમજવાની જરૂર છે.