Jul 14, 2021

Gujarati-Ramayan-Rahasya-14-ગુજરાતી-રામાયણ-રહસ્ય-14

રામજીની નજરમાં ઊંચ,નીચ,ગરીબ કે શ્રીમંત –એવો કોઈ ભેદભાવ નથી.આથી નાના-મોટા બધા સેવકો પુરા ભક્તિભાવથી તેમની સેવા કરે છે.એમની સેનામાં નથી પગારદાર નોકરો કે નથી ભીષણ શસ્ત્રાસ્ત્રો.
રાવણ લડવા માટે રથમાં બેસીને આવે છે,અને રામજી તો પગે ચાલી ને જ જાય છે.યુદ્ધ એમને પ્રિય નથી ,પણ ધર્મસંકટ છે.રાવણ રણમાં પડ્યો,ત્યારે તેની અંત્યેષ્ટિ ક્રિયા તેઓ રાજ-સન્માન-પૂર્વક અને વિધિપૂર્વક કરાવે છે.અને રાવણને વેદાવદ મહાત્મા તરીકે વર્ણવે છે.

ધર્મના બળ પર વિજય મેળવીને રામજી અયોધ્યા આવીને અયોધ્યા-પતિ બન્યા.
ત્યારે એવો યુગ પ્રવર્તયો કે લોકો આજે પણ તે સમય ને રામ-રાજ્ય કહે છે.
તુલસીદાસે રામરાજ્યને “સુ-રાજ્ય” અથવા “ધર્મ-રાજ્ય” તરીકે ઓળખાવ્યું છે.
રામરાજ્યની સ્થાપના માત્ર સ્થૂળ ધરતી કે સ્થૂળ શરીર પર નહિ પણ લોકોના અંતરમાં થઇ છે.
એટલે જ લોકો આજે પણ રામ-રાજ્યને યાદ કરે છે.

વાલ્મિકીજી શ્રીરામને સત્ય-પ્રતિજ્ઞ,સત્ય-ધર્મ-પરાયણ-અને સત્પુરુષ કહ્યા છે.
લોકોના આદર્શ તરીકે રામજીનું ચરિત્ર, એ -હૃદય,બુદ્ધિ,ભક્તિ તમામનો સુંદર સમન્વય બતાવે છે.
માનવીની તમામ સદવૃત્તિઓ અને સદાચારોનો સમન્વય રામજીમાં જોવા મળે છે.

ભગવાન શંકર રામાયણના આચાર્ય કહેવાય છે.શિવજી જગતને બતાવે છે કે-
હું ઝેર પી ગયો,પણ રામ-નામના પ્રતાપે મને કશું થયું નહિ.
ભગવાન શિવ નિત્ય રામ-નામનું પાન કરે છે તેથી તે શિવ છે. શિવ એટલે કલ્યાણ-સ્વરૂપ.
શિવજી કહે છે કે-હું રામકથા કરું છું પણ રામજી કેવા છે તે હું જાણતો નથી.
શિવજીનો આ વિનય છે. જે એમ કહે કે હું કંઈ જાણતો નથી –તે બધું જાણે છે.
બાકી આજ-કાલ થોડું ભણેલા પણ મહાજ્ઞાની હોવાનો દેખાવ કરે છે.

શિવજી રોજ ઉમાને રામકથા સંભળાવે છે.શિવજી કહે છે કે-
હે સુમુખી,હું તો સદા “રામરામ રામરામ” ના મનોરમ જપમાં લીન રહું છું.
“રામ રામેતિ રામેતિ રામે રામે મનોરમે,સહસ્ત્રનામ તુલ્યમ રામનામ વરાનને”
આ મંત્રને શ્રીરામ મહામંત્ર કહે છે.રામનું નામ ભગવાનનાં હજાર નામ બરાબર છે.
એટલે કે જેવું વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર, તેવું જ રામરક્ષા સ્તોત્ર.

રામરક્ષા સ્તોત્રની શરૂઆતમાં જ કહ્યું છે કે-
“ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ,એકૈકમક્ષરમ્ પુંસાં મહાપાતક નાશનમ”
(રઘુપતિ રામ ના ચરિત્ર નો શતકોટિ વિસ્તાર છે,એના એક એક અક્ષર મનુષ્યોના મહાપાતકોનો નાશ
કરનાર છે.) શતકોટિ એટલે સો કરોડ.કહે છે કે-રામચરિત્રનું વર્ણન ભગવાન શંકરે સો કરોડ શ્લોકોમાં કર્યું છે.
એકવાર દેવો,દૈત્યો અને ઋષિઓ શિવજીની પાસે આવ્યા ને એમણે રામાયણની માગણી કરી.
માગે એને ના કેમ કહેવાય? અને શિવજી તો પાછા આશુતોષ.જલ્દી પ્રસન્ન થાય તેવા.
શિવજીએ સરખે ભાગે રામ-કથા વહેંચી અને છેલ્લે માત્ર “રામનું નામ” રહ્યું તે પોતે રાખ્યું.
દૈત્યો પણ રામ-કથાનો પાઠ કરતા હતા.રામજીનાં વખાણ તો રાવણે પણ કર્યાં છે.


PREVIOUS PAGE        INDEX PAGE         NEXT PAGE