Jul 12, 2021

Gujarati-Ramayan-Rahasya-12-ગુજરાતી-રામાયણ-રહસ્ય-12

સીતાજીના હરણ પછી,શ્રીરામ શબરીના આશ્રમમાંથી નીકળી,પંપા સરોવરના કિનારે લક્ષ્મણજી જોડે વાર્તાલાપ કરતા બેઠા હતા,ત્યારે શંકરજી આકાશમાંથી તેમને નિહાળી રહ્યા હતા,શંકરજીને રામજી પ્રસન્ન ચિત્ત દેખાય છે.પણ તે જ સમયે નારદજી ત્યાં આવે છે તેમને શ્રીરામ વિરહવંત દેખાય છે.ઈશ્વરના સ્વરૂપની આ બલિહારી છે.

તુલસીદાસજી આ ભાવ સ્વરૂપનું આપણી આગળ વર્ણન કરે છે.
કોઈને રામનું મર્યાદા-સ્વ-રૂપ ગમે ,કોઈને કૃપા-રૂપ ગમે,કોઈને કોમળ-રૂપ ગમે તો કોઈને વીર-રૂપ ગમે.

જેને રામજીનું જે રૂપ પ્રિય હોય તે સ્વ-રૂપે તે દેખાય છે.
જનક રાજાના દરબારમાં રાજાઓ,ઋષિ-મુનિઓ,સ્ત્રીઓ-સહુ ને શ્રીરામ જુદા જુદા રૂપે દેખાય છે.
તેવી જ રીતે વનવાસ પુરો કરીને અયોધ્યા આવે છે ત્યારે સહુને એક સાથે મળે છે.
કોઈને વંદન તો કોઈને ભેટી ને મળે છે, જેનો જેવો ભાવ.

એટલે જ તુલસીદાસજી કહે છે કે-રામ-કથા તો પતિતપાવની ગંગા છે.
આવો,એમાં સ્નાન કરો અને પવિત્ર થાઓ. ગંગાજી કદી પૂછતા નથી કે તમે કેવા મેલાઘેલા છે?
એ તો કહે છે કે-આવો,પધારો હું તમારું સ્વાગત કરું છું.
રામજી-રૂપ (રામ-કથા રૂપ) ગંગાજી એકદમ નજીક છે,હાથ પર છે,ડૂબકી મારો તેટલી જ વાર.....

તુલસીકૃત રામાયણમાં ગંગાજીને પેઠે શ્રીરામ એકદમ નજીક લાગે છે,

વાલ્મીકિ રામાયણમાં એટલા સમીપ લાગતા નથી.એટલે જ સંતો કહે છે કે-
શ્રીરામને ભક્તની નજક લાવવા માટે વાલ્મીકિ એ જ તુલસીદાસજી રૂપે અવતાર લીધો હતો,
તુલસીદાસજી કહે છે કે-જાકી રહી ભાવના જૈસી,પ્રભુમૂરત દેખી તીન તૈસી”
(જેવી જેની ભાવના તેવી પ્રભુની મૂર્તિ તેમને દેખાય છે.)
પરમાત્મા-સ્વ-રૂપની આ સ્વાભાવિક લીલા છે.

ધનુષ્ય-ભંગના પ્રસંગ સમયે-પરશુરામજી ક્રોધ કરીને ધસી આવે છે,ત્યારે રામજીનો વર્તાવ
સ્વસ્થ,શાંત અને સંયમી છે.તેમની નમ્રતા અદભૂત છે.
જે શિવ-ધનુષ્યને રાવણ જેવો મહાબલિ ઊંચકી શકતો નથી તેને શ્રીરામ ઊંચકીને રમત રમતમાં
ઊંચકી લે છે,તેવા અતિ શક્તિશાળી મહામાનવ પ્રભુની નમ્રતા કેવી અજોડ છે !!
પરશુરામજી ને કહે છે કે-મહારાજ,તૂટેલું ધનુષ્ય તો સંધાવાનું નથી,
પણ ઉભા રહીને આપણા પગમાં પીડા થતી હશે,આપ આસન ગ્રહણ કરો,તો હું આપની સેવા કરું.

એક મિત્ર તરીકે રામજી સુગ્રીવને કહે છે કે-મિત્રનું દુઃખ જોઈને જે દુઃખી થતો નથી તેનું મોઢું જોવામાં પણ 
પાપ છે.ખરો મિત્ર તે છે કે પોતાના પહાડ જેવા દુઃખને રજ સમાન ગણી,મિત્રના રજ જેવડા દુઃખને મેરુ (પહાડ) 
સમાન જાણે.  “નિજ દુઃખ ગિરિ સમ રજ કરી જાના,મિત્રક દુઃખ રજ મેરુ સમાના”
સીતાજીના અપહરણનું દુઃખ મેરુ સમાન હતું તેમ છતાં સુગ્રીવની વહારે ધાયા છે.
સીતાજીના વિયોગ થી થયેલ રામની વેદનાનો ભાવ એ રામાયણનો એક ઉત્તમ અંશ છે.
મનુષ્યનો અવતાર ધારણ કર્યો એટલે રામજીની આ સ્વાભાવિક લીલા છે.


PREVIOUS PAGE        INDEX PAGE         NEXT PAGE