Jul 8, 2021

Gujarati-Ramayan-Rahasya-09-ગુજરાતી-રામાયણ-રહસ્ય-09

ઈશ્વરનું “નામ” (રામ-નામ) એ મૃત્યુની –મૃત્યુના બીકની દવા (ઔષધિ) છે.
મૃત્યુ-રૂપી મહારોગની “રામ-બાણ” દવા (ઔષધિ-ઉપચાર) તે “રામ-નામ”

લોકો મૃત્યુને અમંગળ માને છે પણ મૃત્યુ અમંગળ નથી,મૃત્યુને અમંગળ આપણે કલ્પ્યું છે,અને તે કલ્પના કરનારું આપણું મન છે.અને આપણું મન શુદ્ધ નથી,તેથી તે મૃત્યુથી બીએ છે.મૃત્યુ એ તો પરમાત્માનો સેવક છે.પરમાત્મા મંગળમય છે એટલે તે મૃત્યુ પણ મંગળમય છે.જેને પાપનો વિચાર પણ આવતો નથી,અને જેણે પાપ કર્યું નથી,તેને બીક નથી,તેનું મૃત્યુ મંગળમય છે.

મૃત્યુ એ પ્રભુનો કાસદ (પટાવાળો-સેવક) છે.મનુષ્યના જન્મ સાથે જ પ્રભુનો આ કાસદ પ્રભુની ચિઠ્ઠી,
(સમન) લઇને રવાના થઇ જ ગયેલો છે અને ક્યાંક છુપાઈને એ મનુષ્યના ખેલ જોયા કરે છે,
અને પ્રભુ નો “સમન” બજાવવા, નિર્ધારેલી પળની રાહ જોઈ રહ્યો છે.
જેવો સમય આવે એટલે મનુષ્યને બોચીમાંથી પકડીને કહે છે કે-“બચ્ચુ હવે ચાલો”

મનુષ્યને મૃત્યુની બીક લાગે છે,કારણકે પાપ કરતી વખતે તે ડરતો નથી,પણ તે પાપની સજા 
ભોગવવાનો સમય આવે ત્યારે તે ડરે છે. અંતકાળે મનુષ્યને મૃત્યુની ગભરામણ થાય છે,
એ ગભરામણ સાચે તો કાળ (મૃત્યુ)ની નથી,પણ તેણે કરેલા પાપની ગભરામણ છે.
સામાન્ય વ્યવહારમાં,નોકરીમાં લોકો ઉપરી અધિકારી કે સરકારની બીક રાખે છે,
પણ, એટલી પણ બીક તે ઈશ્વરની રાખતા નથી.પરિણામે તે દુઃખી થાય છે.

રામ-નામ મનુષ્યને નિર્ભય બનાવે છે.પ્રભુના નામનો આશ્રય એ મોટો આધાર છે.
લોકો યાત્રામાં નીકળે અને ખિસ્સામાં થોડું નાણું હોય તો તેમને હિંમત રહે છે.તેમ,
જો રામ-નામનું નાણું ખિસ્સામાં (મનમાં) હોય તો સંસારની યાત્રામાં કેટલી રાહત રહે?

તુલસીદાસજી કહે છે કે –ભય બિન પ્રીતિ નાહિ.
મરણની ભીતિ (ભય)થી પ્રભુમાં પ્રીતિ થાય છે.મનુષ્ય જો કાયમ ભીતિ રાખે તો તે સદાચારને માર્ગે
ચાલે છે,પાપથી દૂર રહે છે. અને પ્રભુના નામનો આશ્રય લઇને પુણ્યનો સંચય કરે છે.
ભક્તિમય અને પ્રેમમય જીવન જે ગાળે,તે કાળ (મૃત્યુ) પર વિજય પ્રાપ્ત કરે છે.

રામનું નામ તે આમ કાળ-નાશક છે અને સાથેસાથ કામ-નાશક પણ છે.
કામને મારે તે રાવણને (વાસના ને-મોહ ને) મારી શકે.
ઈશ્વર સાથે પ્રેમ કર્યા સિવાય અને ઈશ્વરની કૃપા ના થાય ત્યાં સુધી કામ-ક્રોધ જતા નથી.

ભાગવતમાં વ્યાસજીએ સ્પષ્ટ લખ્યું છે કે-ધ્રુવજી મૃત્યુના માથા પર પગ મૂકીને વૈકુંઠ ધામ ગયા છે.
ભક્તની આ બલિહારી છે.ભક્ત કદી મૃત્યુથી બીતો નથી,
પણ લોકો વ્યવહારમાં જેમ લગ્નની તૈયારી કરે છે,તેમ તે મૃત્યુની તૈયારી કરે છે.
મૃત્યુનો દિવસ એટલે પરમાત્માને આ જન્મનો હિસાબ આપવાનો દિવસ.એ દિવસ પવિત્ર છે.
ભગવાન તે દિવસે પૂછશે કે-મેં તને આંખ આપી હતી તેનો તેં કેવો ઉપયોગ કર્યો?
જીભ –કાન-હાથપગ આપ્યા હતા તેનું તેં શું કર્યું? તેનો કેવો ઉપયોગ કર્યો?

કબીર કહે છે કે-રામ-ઝરુખે બૈઠ કે સબકા મુજરા લેત,જૈસી જિનકી ચાકરી વૈસા ઉનકો દેત.
રામજી ઝરૂખામાં બેઠા છે અને જેમ રાજા,તેના ચાકરો પાસે તેમની ચાકરીનો હિસાબ માંગે અને
તેમને સોંપેલી ચાકરી તેઓએ કરી કે નહિ તે જોવા માગે છે,
તેમ પ્રભુ,મનુષ્ય પાસે તેમણે કરેલી,અને તેમને સોંપેલી ચાકરીનો હિસાબ માગે છે.
અને જેવી ચાકરી કરી હોય તે પ્રમાણે તેમને આપે છે.

પ્રભુને આપવાના જિંદગીના આ હિસાબમાં ગરબડ હોય તો મનુષ્ય ને ગભરામણ થવાની જ.
વ્યવહારમાં ઇન્કમટેક્ષ ઓફિસરને એક વર્ષનો હિસાબ આપવાનો હોય તો હિસાબમાં ગોટાળા વાળાને
ગભરામણ થાય છે તો આખી જિંદગીનો જયારે હિસાબ આપવાનો આવે ત્યારે શું દશા થાય?
મૃત્યુ આવીને ઉભું રહે ત્યારે મનુષ્ય આવી જ કંઈક લાચાર હાલત અનુભવે છે.

PREVIOUS PAGE        INDEX PAGE         NEXT PAGE