Jul 2, 2021

Gujarati-Ramayan-Rahasya-05-ગુજરાતી-રામાયણ-રહસ્ય-05

ગાડી,વાડી,લાડી –વગેરે જો,શરીરને સદાને માટે સુખ આપતાં હોય-તેવું જો લાગતું હોય તો,શરીર બિમાર થાય અને અસ્વસ્થ બને તો તે સુખ કેમ સુખ લાગતું નથી? ઇન્કમટેક્સની રેડ પડે ત્યારે ગાડી-વાડી-કેમ દુઃખમય બની જાય છે? પેટમાં ચૂંક આવતી હોય તો શીખંડ-પુરી અને પકવાનનો થાળ કેમ સુખ આપતો નથી? નજીકના કોઈ સગાનું અચાનક મૃત્યુ થાય,ત્યારે “મારે પણ આ બધું છોડી મરવું પડશે-જવું પડશે” એ વિચારથી શોક કેમ થાય છે? દીકરો –દીકરી કહ્યામાં ના રહે,મન માની કરે-ત્યારે સંસાર કેમ ખારો થઇ જાય છે?

માટે જ સાચી વાત એ છે કે,સુખ કોઈ સંસારના પદાર્થમાં નથી.
પદાર્થ જડ છે,અને જડ પદાર્થમાં આનંદ કે સુખ હોઈ શકે નહિ.પણ જીવને જડ પદાર્થમાં આનંદનો
કેવળ ભાસ થાય છે.એ આનંદ મેળવવા જાય છે, અને તેને સાચો આનંદ મળતો નથી.
સાચો આનંદ તો પરમાત્મામાંથી –પરમ ચૈતન્યમાંથી જ મળે છે.જીવનો આનંદ તેની અંદર જ છે.
સંસારનો સંબંધ છુટે તો આનંદનો સંબંધ થાય- બ્રહ્મ સંબંધ થાય.

જીવનમાં કોઈ કોઈ વાર ઘણા મનુષ્યોને પ્રશ્ન થાય છે કે-
મનુષ્ય જીવન નો અર્થ શું? જીવનનું લક્ષ્ય શું ? જીવન શા માટે છે ?
ઘણી વાર સ્મશાનયાત્રામાં કે ચિતા પર શબને અગ્નિદાહ અપાતો જોઈ મનુષ્ય વિચારે ચડે છે-
“મારી પણ આવી દશા થવાની,હું પણ આમ જ મરી જવાનો.બધું છોડીને મારે પણ આમ જવું પડશે”
સ્મશાનમાં આવો “વૈરાગ્ય” આવે છે પણ લાંબો ટકતો નથી.એટલે એને “સ્મશાન વૈરાગ્ય” કહે છે.
તેમ છતાં આ સ્મશાન વૈરાગ્ય એ વૈરાગ્ય.તો છે જ.કારણ તે અંતરમાં પેદા થાય છે.

પ્રભુ એ જ એવી રચના કરી છે કે સંસારમાં ફસાયેલા મનુષ્યને આવી રીતે પણ ઢંઢોળે છે.
કોઈ પૂર્વ-જન્મનો ભાગ્યશાળી આવા પહેલા ધક્કાથી જ ચેતી જાય છે.પણ
રીઢા થઇ ગયેલા મનુષ્યો મનને ચુપ કરી દે છે અને મનને કહે છે કે- 
બેસ બેસ ડાહ્યલા...બહુ ડહાપણ કર્યા વગર ખા-પી અને મોજ કર.

ખાવું,પીવું,ઊંઘવું,મરવું-એ જ માત્ર માનવ જીવનનું લક્ષ્ય નથી.
આહાર-વિહારનું આવું જ્ઞાન તો પશુ-પંખી-કીટકને પણ છે તો પછી બંને વચ્ચે ફેર શું ?
માણસને પ્રભુએ મન-બુદ્ધિ આપી છે,માણસ સુખ-દુઃખનો અનુભવ કરી શકે છે.
સાચા-ખોટાનો વિચાર કરી શકે છે ને નિર્ણય પણ કરી શકે છે.

મનુષ્યનું એક વિશિષ્ઠ લક્ષણ એ છે કે-તે પ્રભુને પામવાનો પ્રયત્ન કરી શકે છે,પ્રભુને પામી શકે છે.
પશુ પંખી તેમ કરી શકતા નથી.ભર્તૃહરિ કહે છે કે-માણસે પોતાના જીવનનું લક્ષ્ય સમજવું જોઈએ.
જો એ લક્ષ્ય નક્કી કરે તો તે માણસ,નહિતર તો તે પૂંછ-શિંગડા વગરનો સાક્ષાત પશુ છે –એમ સમજવો.

સંસાર તો ચકલાં પણ માંડે છે,માળો બાંધે,ઈંડા મૂકે,બચ્ચાં મોટા કરે અને છેવટે મરે છે.
મનુષ્યને પલંગમાં આળોટવાનો જેવો આનંદ મળે છે તેવો ગધેડાને ઉકરડામાં આળોટવામાં મળે છે.
માણસ મન-બુદ્ધિ નો ઉપયોગ કરી ને પરમાત્માની ભક્તિ કરે તો એ માનવ
નહિતર મનુષ્ય દેહમાં તે દાનવ. ભગવાનના નામ-જપનો આનંદ લઇ શકે તે માનવ.

PREVIOUS PAGE      INDEX PAGE         NEXT PAGE